તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નારાજગી:તાલાલામાં વાવાઝોડાથી કેસર કેરીના પાક નુકસાનીની સહાય વિતરણમાં વિસંગતતા ઉભી થતા ખેડૂતોમાં કચવાટ

તાલાલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંબાના બગીચા અને કેરીના પાકને થયેલ નુકસાનીની તસ્વીર - Divya Bhaskar
આંબાના બગીચા અને કેરીના પાકને થયેલ નુકસાનીની તસ્વીર
  • સરકારી સહાય માત્ર બે હેકટર સુધી જ સીમિત હોવાથી ખેડૂતો નારાજ
  • સરકારી પરિપત્રનું મનસ્વી અર્થઘટન કરી સહાય ચુકવાતી હોવાથી ખેડૂતોમાં રોષ

તાલાલા ગીર પંથકના સમગ્ર વિસ્તારમાં એક મહિના પહેલાં વાવાઝોડાને કારણે પ્રખ્‍યાત કેસ૨ કેરીના પાકને વ્યાપક નુકશાન થયેલ અને અનેક ખેડૂતોના કેરીના બગીચા સાફ થઈ ગયા હતા. જેની સામે રાજય સરકારે કેરી પકવતા ખેડૂતો માટે સહાયનું પેકેજ જાહેર કરેલ છે પરંતુ તેનો પુરો લાભ અસરગ્રસ્ત ગીર વિસ્તારના ખેડૂતોને જે પ્રમાણે મળવો જોઈએ તે મળી રહયો નથી. જેમ કે સરકારે રૂ.30 હજાર પ્રતિ એક હેકટર દીઠ સહાય ચુકવવાનું જાહેર કર્યા પછી વધુમાં વઘુ બે હેકટર દીઠ રૂ.60 હજારની રકમ સહાય પેટે ચુકવવી જોઈએ પરંતુ જે ખેડૂતોને બે હેકટરથી વધુ જમીનમાં નુકશાન થયું છે તેને નુકશાનીની રકમ કેટલી ચુકવાશે ? તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી સહાયના ચુકવણાં મનસ્વી રીતે થઈ રહ્યાની ખેડૂતો ફરીયાદ કરી રહયા છે.

આ અંગે તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રવિણ છોડવડીયા અને કિસાન અગ્રણી ભરતભાઇ સોજીત્રાએ આપેલ વિગત મુજબ સમગ્ર સોરઠ પંથકમાં કેસર કેરીના ઉત્પાદનને વાવાઝોડાએ ભારે નુકશાન પહોંચાડયું હતું. ગીર પંથકના અનેક ગામોના કેસ૨ કેરીના બગીચા વાવાઝોડામાં સાફ થઈ ગયા હતાં. આ બાબતે રાજય સરકાર દ્વારા ખેડૂતોને કેસર કેરીના નુકશાનીનું વળતર ચુકવવા રજુઆતો કરી હતી.

લાંબા સમય બાદ સરકારે ખેડૂતો માટે સહાયનું પેકેજ જાહેર કર્યું હતુ પરંતુ તેમાં પણ જે પરીપત્ર જાહેર થયો છે તેમાં પુરતી સ્પષ્ટતા ન હોવાને લીધે બે હેકટરથી વધુ જમીનમાં જે ખેડૂતોના કેસર કેરીના બગીચા આવેલા છે તેઓને આર્થિક રીતે મોટુ નુકશાન થયું હોવા છતાં નુકશાનીની રકમ માત્ર બે હેકટરની મર્યાદામાં રૂ.60 હજારની જ મળે છે. આ બાબતે રાજય સરકારના સબંધિત વિભાગોનું ધ્યાન દોરવામાં આવેલ છે. પરીપત્રની વિસંગતતા દુર કરી સ્‍પષ્‍ટતા કરવા સંઘએ સરકારમાં રજૂઆત કરી છે.

આ વિસ્તારના ખેડૂત આગેવાનોએ જણાવેલ કે, કેસર કેરીનું ઉત્પાદન ઉપર આ વિસ્તારના ખેડૂતોનો આર્થિક આધાર હોય છે. કેસર કેરી થકી કિસાનોના પરીવારનું ગુજરાન ચાલે છે. આવા સંગોજોમાં સરકારી પરિપત્રમાં રહેલી વિસંગતતા દૂર કરી બે હેકટરથી વધુ જે જમીનમાં કેરીના પાકને જે નુકશાન થયું છે તેની સહાયની રકમ માટે સુધારા સાથેની વિગતો દર્શાવતો પરીપત્ર જાહેર કરવો જરૂરી છે. જેથી અન્યાયી સહાય પેકેજનો પ્રશ્ન નિવારી શકાય તેમ છે. આ અંગે ખેડૂત આગેવનોએ અધિકારીઓને રૂબરૂ મળી મૌખિક રજુઆત કરી છે. જે અંગે અધિકારીઓએ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યો હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...