ખેડૂતોને ભારે નુકસાન:ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું, વળતર આપવા ધારાસભ્યની માંગ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાને મુખ્યમંત્રીને પત્ર લખ્યો

છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં પડી રહેલા અતિભારે વરસાદના કારણે ખેતીના પાકોને તથા લોકોને નુકસાની થઈ રહી છે. એવા સમયે સોમનાથ પંથકમાં પણ થોડા દિવસોથી ભારે વરસાદ વરસવાના કારણે ખેતીના પાકો, માલ-ઢોળ અને ઘરવખરીને ઘણું નુકસાન પહોંચ્યુ હોવાનું સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોતાના વિસ્તારના રૂબરૂ પ્રવાસમાં જાણવા મળ્યું હતુ. જેથી તેમણે મુખ્યમંત્રીને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલીક સર્વે કરાવી યોગ્ય વળતર અથવા કેસ ડોલ્સ ચુકવવા માંગણી કરી છે.

ખેડૂતોએ વાવણી કરેલા પાકો ઉપર વરસાદી પાણી ફરી વળતા ધોવાણ થયુ
સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા અસરગ્રસ્તો અંગે લખેલ પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા થોડા દિવસોથી ગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્યમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં અમારા જિલ્લામાં અતિશય ભારે વરસાદ થયો હોવાથી લોકો અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણુ નુકસાન થયુ છે. હજુ પણ જિલ્લામાં વરસાદ ચાલુ હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટુ નુકસાન થયું છે. ચાલુ સિઝનના પ્રથમ જ રાઉન્ડમાં થયેલા ભારે વરસાદના કારણે મોટાપાયે માટીનું ધોવાણ થયું હોવાથી ખેડૂતોએ ખેતરોમાં વાવણી કરેલ મગફળી જેવા ઉભા પાકોનું ધોવાણ થયું છે. આવા કપરા સમયે રાજ્ય સરકારએ ખેડૂતોના વ્હારે આવી સહાય કરવી જરૂરી છે.

શહેરના છેવાડાના તથા નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં પાણી ઘૂસતા નુકસાની
વેરાવળ- સોમનાથ શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાથી છેવાડાના અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. જેમાં વોર્ડ નં.1ની હરસિદ્ધિ સોસાયટી સહિત વોર્ડ નં.5, 6, અને 8 તથા શહેરી વિસ્તારોની અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા અનાજ તથા ઘર-વખરી પાણીમાં તણાય જતા બગડી જતા લોકોને આર્થિક રીતે નુકસાન થયું છે. આવી પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અમુક સ્થળે જોવા મળી છે. ત્યારે સોમનાથ પંથકના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેનો તાત્કાલીક ધોરણે સર્વે કરાવીને વળતર અથવા કેસ ડોલ ચુકવવા માંગ કરી છે.

ચોરવાડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્વે કરાવજો
વધુમાં વેરાવળ નજીકના ચોરવાડ ગામના વાડી વિસ્તારોમાં પણ લોકોના ખેતરોમાં વરસાદી પાણીના પૂર આવતા તમામ પાકોને નુકશાન થયું છે. તેમજ નીચાણ વાળા વિસ્તારોમાં વોર્ડ નં.2 ગાર્ડન વિસ્તાર, વોર્ડ નં.3 પાણીના ટાંકા વિસ્તાર, વોર્ડ નં.4 અખેડા વિસ્તાર અને વોર્ડ નં.6 વડોના વિસ્તારોમાં પાણી ભરાવવાથી મુશ્કેલી સર્જાઈ હતી. જેથી તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને કેસ ડોલ્સ ચુકવી સહાય આપવા અંતમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...