તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં મેઘમહેર:કેશોદમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો, નીચાણવાળા વિસ્તારોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા

રાજકોટએક વર્ષ પહેલા
ઓઝત નદીમાં ઘોડાપૂર આવ્યું
  • કેશોદની નહેરૂનગર, જાગનાથ, વરૂડી મા મંદિર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા
  • ઓઝત નદીમાં ઘોડાપૂર, નીચાણવાળા ગામોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરાયા

કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. તેમજ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા
નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયા

ઘેડ પંથકની ઓઝત નદી બેકાંઠે વહી
કેશોદની નહેરૂનગર, જાગનાથ, વરૂડી મા મંદિર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ પંથકને ધમરોળતી ઓઝત નદી બેકાંઠે વહી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ભારેથી અતિભારે વરસાદની અગાહીને કારણે કેશોદ તાલુકાના ઘેડ પંથકના માણેકવાડા, મઘરવાડા, ડેરવાણ બામણાસા, બાલાગામ, મૂળીયાસા, સૂત્રેજ, સરોડ, પંચાળા, અખોદડ, પાડોદર, મઢડા, જોનપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

કોઝવે પર થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો
કોઝવે પર થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો

બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર
બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સુડાવડ ગામની સારણી નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. સુડાવડથી લુંઘીયા ગામને જોડતો કોઝવે પર નીરના પાણી ફરી વળ્યાં છે. આ કોઝવે પર થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ખેતરે જતા ખેડૂતો અને વાહનચાલકો અટવાયા હતા. કેટલાક લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા હતા. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં છે.

ગીર ગઢડાના રાવલ ડેમમાં પાણીની આવક વધતા બે દરવાજા ખોલાયા
ગીર ગઢડાના રાવલ ડેમના ઉપરવાસમાં વરસાદ હોવાના કારણે રાવલ ડેમનો એક દરવાજો 0.15 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. પરંતુ પાણીની આવક વધતા બે દરવાજા 0.30 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં તંત્રએ ગ્રામજનોને નદીના પટમાં ન જવા સૂચના આપી છે. ગીર ગઢડાના ધોકડવા, મહોબતપરા, મોટા સમઢિયાળા, પડાપાદર, કાંધી, પાતાપર, ઉમેજ અને સામતેરના લોકોને નદીના પટમાં ન જવા સૂચના આપી છે.

(પ્રવીણ કરંગીયા, કેશોદ)

અન્ય સમાચારો પણ છે...