શનિવારે જૂનાગઢ બંધ:મોંઘવારી, બેરોજગારી, જૂનાગઢ મહાનગરપાલિકાના અણઘડ વહિવટ સહિતના મુદ્દે લડતના મંડાણ કરશે

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક વેપારી સંગઠનોને પણ જાણ કરી સાથે જોડાવા પેમ્ફલેટ વેચી અપીલ કરવામાં આવી : જૂનાગઢ કોંગ્રેસે બપોરનાં 12 સુધી બંધનું એલાન આપ્યું

જૂનાગઢ શહેર કોંગ્રેસ સમિતી દ્વારા શનિવારે બપોરના 12 વાગ્યા સુધી જૂનાગઢ શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છેે. પ્રજાલક્ષી મુદ્દાને લઇને આ બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે લોકો, વેપારીઓનો કેવો સાથ રહે છે તે શનિવારે જોવું રહ્યું. આ અંગે શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ અમિત પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, કોંગ્રેસ મહિલા પ્રમુખ વર્ષાબેન રાદડીયા તેમજ અન્ય કોંગ્રેસના અગ્રણીઓ સાથે રહીને બંધને સફળ બનાવવા પ્રયાસ કરવામાં આવશે.

ખાસ કરીને હાલ મોંઘવારીએ માઝા મૂકી છે. પેટ્રોલ, ડિઝલ, રાંઘણ ગેસ, લાઇટ બિલ, તેલનો ડબ્બા, અનાજ, કરિયાણું, દૂધ વગેરે જીવન જરૂરિયાતની વસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે સામે લોકોની આવકમાં વધારો થતો નથી. પરિણામે લાખ્ખો પરિવારોને ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. આ અંગે અનેક વખત રજૂઆતો છત્તાં વર્તમાન સરકાર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી.

પરિણામે બેફામ ઝડપે વધતી જતી મોંઘવારીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે. આ ઉપરાંત હાલ જૂનાગઢના લોકો ખરાબ રસ્તાની સમસ્યાથી પણ ત્રાહિમામ પોકારીસ ગયા છે. અનેક આંદોલન કરવા છત્તાં પણ લાંબા સમય સુધી રસ્તાના કામો થયા નથી. ત્યારે રાજ્ય સરકાર તેમન સ્થાનિક મહાનગરપાલિકા દ્વારા પ્રજાની થતી ઘોર ઉપેક્ષાને લઇ લોકોની સમસ્યાને વાચા આપવા અડધો દિવસ બંધનું એલાન આપવામાં આવ્યું છે. આવતીકાલ શનિવાર 10 સપ્ટેમબરના બપોરના 12 વાગ્યા સુધી જૂનાગઢ બંધનું કોંગ્રેસ દ્વારા એલાન અપાયું છે. ત્યારે તમામ શહેરીજનો અને અનેક વેપારીઓ સંગઠનોને પણ પેમ્ફલેટ વેચી આ બંધમાં જોડાવા અપીલ કરવામાં આવી છે.

લોકો જોડાશે કે કેમ? અસરદાર રહેશે કે કેમ? તે પ્રશ્ન રહ્યો
શહેર કોંગ્રેસ સમિતી દ્વારા શનિવારના બપોરના 12 સુધી બંધનું એલાન અપાયું છે ત્યારે લોકો, વેપારીઓ સ્વૈચ્છિક રીતે જોડાશે કે કેમ? તે પણ પ્રશ્ન રહ્યો. વળી, માનીલો કે જોડાશે તો પણ અનેક બજારોમાં તો 10 વાગ્યા પછી જ વેપાર ધંધા શરૂ થતા હોય છે. ત્યારે બપોરના 12 વાગ્યા સુધીનો બંધ એટલે કે માત્ર 2 કલાક બંધ રહે તો તે કેટલો અસરદાર રહેશે? તે પણ સવાલ છે. હવે શનીવારે જોવું રહ્યું કે આ બંધને કેવો પ્રતિભાવ મળે છે.

બપોરનાં 12 વાગ્યા સુધી બંધમાં જોડાવા અનેક વેપારી સંસ્થાને અપીલ
શનિવારના બપોરના 12 વાગ્યા સુધીના બંધમાં સ્વૈચ્છિક રીતે જોડાવા અનાજ, કરિયાણા વેપાર એસોસિએશન, કાપડ બજાર એસોસિએશન, હિરા બજાર એસોસિએશન, પાન-માવા વેપારી એસોસિએશન, ચેમ્બરસ ઓફ કોમર્સ વગેરેને જાણ કરવા સાથે અપીલ કરાઇ છે. > અમિત પટેલ.

અન્ય સમાચારો પણ છે...