મુશ્કેલીનું ડાયવર્ઝન:કોડીનારના માલગામ નજીક હાઈવે પર આડેધડ રીતે ડાયવર્ઝન આપી દેવાતા વાહનચાલકો પરેશાન

ગીર સોમનાથ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સર્વિસ રોડના ઠેકાણા નથી ત્યાં માટીના ઢગલા કરી દેતા વાહનો કાઢવા મુશ્કેલ બન્યા
  • હાઈવે ઓથોરીટીની બેદરકારી ભર્યા વલણ સામે વાહન ચાલકોમાં રોષ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના માલગામ ગામ નજીક અણધડ રીતે કાઢવામાં આવેલ ડાયવર્ઝનના કારણે વાહનચાલકો પોતાના વાહનો પસાર કરવા સમયે મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેથી આ કામગીરીમાં નેશનલ હાઇવે ઓથોરિટીના બેદરકારીભર્યા વલણ સામે લોકોમાં રોષ પ્રવર્તેલ છે. ડાયવર્ઝન દસેક ફૂટ ઊંચું બનાવાયું હોય અને આ ઢાળ ચડાવવા માટે ફક્ત દસ ફૂટનું જ અંતર રાખવામાં આવેલ હોવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

આડેધડ ડાયવર્ઝન બનતા સુવિધાના બદલે દુવિધા ઉભી થઈ
જિલ્લાના કોડીનાર અને ઉના વચ્ચે નેશનલ હાઈવેના ફોરટ્રેક સીસી બનાવવાનું કામ ઘણા વર્ષોથી ચાલે છે પરંતુ હજુ પૂરું થયું નથી. આ હાઈવેની સુવિધા ક્યારે લોકોને મળશે તેનો કોઈ જવાબ તંત્ર આપતું નથી. પરંતુ આ હાઈવેના કામથી પંથકના અનેક ગામોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. જે મુશ્કેલીઓ ઉકેલવાની કોઈ દરકાર લઈ રહ્યું નથી. તેવામાં કોડીનાર નજીક માલગામ ગામ પાસે હાઈવે પર હયાત રસ્તાથી દસેક ફૂટ ઊંચું ડાયવર્ઝન બનાવવામાં આવેલ હોવાથી માલગામ તો ખાડામાં જ ગયુ પણ અન્ય મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. જેમાં માલગામનો સર્વિસ રોડ બન્યો નથી પરંતુ માટીનો દસ ફૂટ ઢગલો કરી દેવાયો છે. જે ચડાવવા માટે પણ દસ ફૂટનું જ અંતર રખાયું છે. જેના કારણે લોડેડ વાહનો ચડી શકતા નથી. ખાસ કરીને દૂધ જેવી વસ્તુઓ ભરેલ રિક્ષાઓ તો ધક્કા મારીને ચડાવવી પડી રહી છે.

ડાયવર્ઝનના કામમાં ડામરનો ઉપયોગ જ નથી થયો
નવાઈની વાત તો એ છે કે આ કામના કોન્ટ્રાક્ટરે છ વર્ષમાં ક્યારેય ડાયવર્ઝનમાં ડામરનો ઉપયોગ જ કર્યો નથી. એટલું જ નહીં નેશનલ હાઇવેના જવાબદારોએ ડાયવર્ઝનમાં ડામરનો ઉપયોગ કરવાનું કહ્યુ ન હોય તેવી અનુભુતી લોકો કરી રહ્યા છે. હાલ માલગામ પાસે હાઈવે પર કરાયેલ આ માટીના ઢગલા ઉપર વરસાદ થશે તો ગામના લોકો હકીકતમાં ડબ્બામાં પુરાયા જશે તેવો ઘાટ સર્જાશે. આ રોડ માલગામ ઉપરાંત પંથકના જંત્રનખડી, નાનાવાડાં, કાજ,વેલણ સહિતના ગામોનો મુખ્ય માર્ગ છે. ત્યારે ચોમાસા પહેલા ડાયવર્ઝન દુર કરી યોગ્ય કરવા તેમજ વ્હેલીતકે સર્વિસ રોડનું કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનોને આંદોલનનો માર્ગ લેવાનું વિચારી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...