ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય પક્ષો સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈ ગયા છે. જેમાં સત્તાધારી ભાજપ પોતે કરેલા કાર્યોથી લોકોને માહિતગાર કરવા તો કોંગ્રેસ ભાજપના જુઠાણા બહાર લાવી લોકોને આકર્ષવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી અવ-નવા પ્રચાર કરવા પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ગુજરાત યુથ કોંગ્રેસનો "સોમનાથ થી શંખનાદ" બેનર હેઠળ યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ફોજ મેદાનમાં ઉતારવા માટે સૌરાષ્ટ્ર ઝોનના યુથ કાર્યકર્તાઓ માટે કાર્ય શિબિર યોજાઈ હતી.
આ કાર્ય શિબિરમાં દિલ્હીથી એ.આઈ.સી.સી.ના સેક્રેટરી રામકીશન ઓઝા તેમજ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ખાસ ઉપસ્થિત રહી કોંગી કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે એ.આઈ.સી.સી સેક્રેટરી રામકીશન ઓઝાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 27 વર્ષથી ગુજરાતમાં સતા ભોગવી રહેલ ભાજપ સરકાર લોકોને ભ્રમિત કરવા સોશિયલ મિડીયાના માધ્યમ થકી દુષ્પ્રચાર કરી રહી છે. તેને અટકાવવા માટે યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ કામ કરશે. આગામી 2022 ની ચૂંટણીમાં યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ટીમ જરૂરથી અસરકારક કાર્ય કરશે. જો ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકરોને કિન્નાખોરી રાખી પરેશાન કરવામાં આવશે તો કોંગ્રેસની લીગલ ટીમ કાર્યકરોના સપોર્ટમાં રહશે.
જ્યારે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ રાજ મંડપવાલાએ હુંકાર કરતા જણાવેલ કે, 2022 ના ચૂંટણી જંગ માં " સોમનાથ થી શંખનાદ" સાથે યુથ કોંગ્રેસની સોશિયલ મીડિયાની ફોજ રણ મેદાનમાં ઉતરી ચુકી છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપના જુઠાણાનો સોશિયલ મીડિયા માધ્યમ થકી ઉજાગર કરવા આહ્વાન કર્યું હતુ. આ કાર્ય શિબિરમાં પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ઉપપ્રમુખ અભય જોટવા, ગીર સોમનાથના રાકેશ ચુડાસમા સહિતના યુવા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.