જૂનાગઢમાં જીવ સટોસટની બાજી લગાવી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોડાયેલા સ્પર્ધકોએ કહ્યું હતું કે, આ કઠિન સ્પર્ધા છે જેમાં દરેક સ્પર્ધક માટે જોખમ રહેલું છે. સીડીઓ ચડવી અને ઉતરવી એ અગ્નિપરીક્ષા જેવી વાત છે. આટલી મહેનત માત્ર એક સર્ટિફેક્ટ નામના "કાગળિયા" માટે કરવામાં આવતી હોય એવું નથી.
શરીર સૌષ્ઠવ માટેની સ્પર્ધામાં ઉતરેલા આ સ્પર્ધકોને પોલીસ-ઉપરાંત અન્ય એવી નોકરીમાં તેની મહેનત કામ લાગે તેવું થવું જોઈએ.ત્યારે ગિરનારને આંબવા નીકળેલા પ્રત્યેક સ્પર્ધકોની માંગણી એક જ હતી કે, સર્ટિફિકેટની વેલ્યુ હોવી જોઈએ.
આ રમતના વળતરની વાત નથી ટેલેન્ટની કદર કરવાની વાત છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ ઉપયોગી થઇ શકે એવી ઘણી સરકારી નોકરીઓ છે જેમાં આ સ્પર્ધકોની ટેલેન્ટનો ઉપયોગ કરી શકાય. સર્ટિફિકેટ રજૂ કરવાથી નોકરી મળી જાય એવી માંગણી નથી પણ તેને રજૂ કરવાથી થોડી પ્રાયોરિટી મળવી જોઈએ તેવી ચર્ચા સ્પર્ધકોમાં હતી.
બીજીબાજુ ધારાસભ્ય સંજય કોરડિયાએ સ્પર્ધકોની આ ચર્ચા અંગે પોતાના પ્રતિભાવમાં કહ્યું હતું કે, આ એક સ્પર્ધા છે તેને રમત તરીકે જોવી જોઈએ. માત્ર તેનાથી નોકરી મળી જાય તેવી અપેક્ષા પણ અસ્થાને છે. પરંતુ આ સ્પર્ધાના 1 થી 3 નંબરમાં આવે તેને સ્પર્ધાત્મક પરીક્ષામાં ગ્રેડેશન મળે તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશ અને કંઇક પોઝિટીવ થાય તેવા મારા પ્રયાસો રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.