ગિરનારના જંગલમાં વરસતું કુદરતી અમૃત એટલે વરસાદ પણ આ મેઘરાજાની કૃપા અહીં જળવાયેલી રહે અને વધુ જળ સંગ્રહ થાય તે માટે પ્રયાસો જરૂરી છે. સાથે સાથે હાલની સ્થિતિમાં ગિરનાર જંગલ અને આજુબાજુમાં વન વિભાગે જ બનાવેલા ચેકડેમો કાંપથી ભરાયેલા છે. તેમાંથી કાંપ કાઢીને જળ સંગ્રહ વધારવા માટે સક્ષમ બનાવવામાં આવે તો પણ જળ બચી શકે.
ગિરનાર અભ્યારણ્ય સલાહકાર સમિતીના સભ્ય અમૃત દેસાઈએ આ અંગે જણાવ્યું હતું કે, ગિરનાર જંગલ અને આજુબાજુના વિસ્તારોમાં વહેતા ઝરણાઓ ઉપર વન વિભાગ દ્વારા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમમાંથી કેટલાક તૂટી ગયા છે. અને બાકીના કાંપથી છલોછલ ભરાયેલા છે. જેના કારણે તેમાં ઝરણાનું પાણી રોકાતું નથી.
ગિરનાર ઉત્તર રેન્જમાં માળવેલા, સરખડીયા ચેકડેમ, સુખનાળા ચેકડેમ, સૂરજકુંડ પાટવડ કોઠાથી બામણગામ સુધીના વિસ્તારમાં કુલ 15 ચેકડેમ બનાવવામાં આવ્યા છે. ડુંગર દક્ષિણ રેન્જમાં સોનાપુર સ્મશાનથી ખોડિયાર ઘુનો અને દામોદરકુંડ સુધીમાં 3 ચેકડેમ છે. એ ઉપરાંત જડેશ્વર, નારાયણધરો, દુધેશ્વર ફોરેસ્ટ ગેઇટ પાછળ કાશ્મીરીબાપુના આશ્રમ તરફના ચેકડેમ પાણીના બદલે કાંપથી ભરેલા છે.
આ તમામ ચેકડેમમાં ભરાયેલા કાંપીને કાઢવાની વનવિભાગ મંજૂરી નથી આપતું. એટલું જ નહીં વન વિભાગ પોતાના હસ્તક પણ આ કામગીરી કરતું નથી. આ મામલે વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતાં વન વિભાગના અધિકારીઓ પોતાના જક્કી વલણને પકડીને બેઠા છે. જેના કારણે ગિરનારમાંથી વહેતા ઝરાણાઓનું પાણી ચેકડેમમાં રોકાવાને બદલે વહી જાય છે.
આ મામલે અભ્યારણ્ય સમિતીની બેઠકમાં જ્યારે લેખિત રજુઆત કરવામાં આવી ત્યારે ઉપસ્થિત અધિકારીએ કહ્યું હતું કે, કુદરતી ખનીજ અને સંપદાઓ પાણી સાથે વહી ન જાય તે માટે ચેકડેમ બનાવ્યા છે. અને તેમાંથી કાંપ કાઢીએ તો ખનીજ વહી જશે જેને મંજૂરી ન આપી શકાય. રાજ્યના વૈવિધ્યસભર વન્ય જીવોના વ્યવસ્થાપન માટે બનાવેલી સમિતીમાં જૂનાગઢમાં આવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પણ તેની બેઠક મળતી નથી. છેલ્લી બેઠકમાં ચેકડેમમાં ભરાયેલા કાંપને કાઢીને તેમાં ફરીથી જળસંગ્રહ થાય તેવી વ્યવસ્થા કરવા લેખિત મૂકવામાં આવ્યું હતું. પરંતુ અધિકારીએ મિનિટ્સ બુકમાં જ લખી અપાયું હતું કે, કુદરતી સંપદાઓ વહી જાય તે ચાલે નહીં, એટલે ચેકડેમમાંથી કાંપ કાઢવામાં આવશે નહીં. આમ ગિરનાર જંગલમાં જીવસૃષ્ટિ માટે પણ જરૂરી એવા કામમાં વન વિભગના અધિકારીઓ રોડાં નાખતા હોવાનું સ્પષ્ટ થાય છે. તસવીર સૌજન્ય: વિરંચી આચાર્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.