જૂનાગઢ શહેરમાં ગઇકાલ રાતથી જ પવનની ઝડપ વધી હતી. જોકે, શહેર કરતા ગિરનાર પર્વત પર પવનની ઝડપ અતિશય વધી ગઇ હતી. સુસવાટા મારતા ઠંડાગાર પવનો ફૂંકાવાનું શરૂ રહેતા બુધવાર સવારથી જ રોપ-વેનું સંચાલન બંધ કરવાની ફરજ પડી હતી.આ અંગે ઉષા બ્રેકો કંપની સંચાલિત ઉડનખટોલા રોપ-વેના જૂનાગઢ હેડ યોગશેભાઇ જોશીએ જણાવ્યું હતું કે, મંગળવારની મોડી રાતથી જ પવનની ઝડપમાં વધારો થયો હતો.
રાતભર તેજ ગતિથી પવન ફૂંકાયા બાદ બુધવારની સવારના સમયે પવનની ઝડપ અંદાજે 100 કિમી જેટલી થઇ જતા મુસાફરોની સલામતીને ધ્યાને રાખીને રોપ-વેનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. દરમિયાન જેમણે એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું તેમને જાણ કરી દેવાઇ હતી. જેના કારણે એડવાન્સ બુકિંગ કરનાર મુસાફરોએ પોતાનું રિશેડ્યૂલ કરી લીધું હતું. હવે ગુરુવારે વાતાવરણ કેવું રહે છે તે જોવાનું રહ્યું. જો પવનની ઝડપ ઘટી જશે તો રોપ-વેનું સંચાલન ફરી રાબેતા મુજબ કરી દેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.