• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Gir Somnath's Badalpara Students' Unique Initiative In Diwali Festival, Tried To Prevent Pollution By Not Exploding Firecrackers For 7 Years

દિવાળી પર ફટાકડા નહીં ફોડીએ:ગીર સોમનાથના બાદલપરાના વિદ્યાર્થિઓની દિવાળી તહેવારમાં અનોખી પહેલ, 7 વર્ષથી ફટાકડા ન ફોડી પ્રદુષણ અટકાવવાનો પ્રયાસ કર્યો

વેરાવળ24 દિવસ પહેલા
ગામમાં સફાઇ કરી રહેલા વિદ્યાર્થીઓ
  • વિદ્યાર્થીઓ દિવાળીમાં સફાઈ અભિયાન હાથ ધરી ગામ અને પોતાના આંગણાના સુશોભિત કરવાનું અનેરૂ કાર્ય કરે છે
  • બાદલપરા ગામ અનેક પ્રતિભા ધરાવતું ગામ હોવાની સાથે રાજયમાં પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવે છે

આજે ગ્લોબલ વોર્મિંગની વિપરીત થતી અસરોથી વિશ્વ ચિંતીત છે, તેવા સમયે ગીર સોમનાથ જિલ્લાના આદર્શ બાદલપરા ગામની શાળાના છાત્રોએ દિવાળીમાં ફટાકડા ન ફોડી પ્રદુષણ અટકાવવાનો પ્રેરણાદાયી નિર્ણય લીધો છે. આજથી 7 વર્ષ પહેલા બાળકોએ દિવાળી તહેવારમાં ફટાકડા નહી ફોડવાનો નિર્ણય કર્યો હતો. જે આજે પણ કાયમ રાખ્યો છે. આદર્શ ગામ બાદલપરાની શાળાના 200 જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દિવાળીના દિવસોમાં સફાઈ અભિયાન, ગામ અને પોતાના આંગણાના સુશોભિત કરવાનું અનેરૂ કાર્ય કરી રહ્યા છે.

એક પણ વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી
ગીર સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળથી 7 કિ.મી દુર આવેલા અને પંચાયતી રાજની સ્થાપના કાળથી આજદિન સુધી એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યાજાઈ નથી, એવું આદર્શ બાદલપરા ગામ પહેલેથી જ અનેક પ્રતિભા ધરાવે છે. ગુજરાતની પ્રથમ મહિલા સમરસ બોડી ધરાવતા આ ગામની શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમની ચોપડીમાં જેનો ઉલ્લેખ કરાયો તેને લઈ વિશ્વમાં પ્રદુષણ વધી રહ્યું હોવાથી તેની સીધી અસર માનવજીવન પર પડી રહી છે. જેના પરથી પ્રેરણા લઈ આવનારા ભવિષ્યને ધ્યાને રાખી 7 વર્ષ પહેલા દિપાવલીના તહેવારો દરમિયાન ફટાકડા ન ફોડવાનો નિર્ણય કર્યો હતો. તેમજ આ નિર્ણયને જીવનમંત્ર બનાવી ભવિષ્યમાં પણ કયારેય ફટાકડા ફોડીશુ નહી તેવો સંકલ્‍પ લીધો હતો.

લોકોને પ્રદુષણ અટકાવવા અંગે અપિલ કરાઈ
આજે પણ બાળકો દિવાળી પર્વે ફટાકડા ફોડવાના બદલે ગામમાં સફાઇ અભિયાન, ગામના જાહેર સ્‍થળો અને પોતાના આંગણાને રંગોળી-રંગબેરંગી લાઇટોથી સુશોભિત કરવાનું કામ કરી પર્વની હરખભેર ઉજવણી કરી રહ્યા છે. વિશ્વના લોકોને પ્રદુષણ અટકાવવા અંગે જાગૃ‍ત થઈ સ્‍વયં જ કંઇ કરવા અપીલ કરી રહ્યા છે.

બાદલપરા ગામ અનેક ખુબીઓથી પ્રખ્યાત
વર્તમાનમાં સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિંગની વિપરીત અસરો સહન કરી રહ્યું છે. તે અંગે વિશ્વના ટોચના દેશના નેતાઓ ગ્‍લોબલ વોર્મીગની અસરો અને વધી રહેલા પ્રદુષણથી માનવજીવ માટે ખતરો બની રહેલી પરિસ્‍થ‍િતિથી બચવા મંથન કરી રહ્યા છે. ત્યારે દેશના પશ્ચિમ દરિયા કિનારે આવેલા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવના સાંનિધ્યે વેરાવળથી 7 કિ.મી દુર આવેલા બાદલપરા ગામ અનેક ખુબીઓથી પ્રખ્યાત છે. આ ગામ આધુનિક સ્માર્ટ સીટી જેવી સગવડોમાં સીસીટીવી અને વાઇફાઇથી સજ્જ હોવાના લીધે કેન્‍દ્ર અને રાજય સરકારના ઘણા એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે. હાલ સમગ્ર વિશ્વના દેશો ગ્લોબલ વોર્મિંગથી બચવા પોતાની રીતે ઉપાયો શોઘી રહ્યા છે.

વિશ્વને પ્રદુષણ ઘટાડવા અંગેનો રાહ ચીંધ્યો
બાદલપરા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 8 સુધીમાં અભ્યાસ કરતા 200 થી વધુ વિદ્યાર્થીઓએ 7 વર્ષ પૂર્વે દિપાવલીના તહેવારો પર ફટાકડા ન ફોડવાનો સ્વૈચ્છિક નિર્ણય લઇ સમગ્ર વિશ્વને પ્રદુષણ ઘટાડવા અંગેનો રાહ ચીંધ્યો છે. આજે સાત વર્ષે પણ દિવાળી તહેવારના દિવસો દરમિયાન બાળકો તેનો સ્‍વયંશિસ્‍ત રીતે પોતાના નિર્ણયનો અમલ કરી રહ્યા છે. આ પર્વના દિવસો દરમિયાન બાળકો શું કરે છે.

દિવાળીની ઉત્‍સાહભેર ઉજવણી
આ અંગે વિદ્યાર્થિની ફોરમ ચાવડાએ જણાવ્યું કે, અમો ફટાકડા ન ફોડી સાર્થક દિવાળી ઉજવવા કટીબદ્ધ છીએ. અમો દિવાળીના દિવસોમાં ગામમાં શાળા, આરોગ્‍ય કેન્‍દ્ર, લાયબ્રેરી, મંદિર, આંગણવાડી, બગીચા સહિતના જાહેરસ્‍થળોએ સામુહિક સફાઇ અભિયાન કરીએ છીએ. આ સાથે અમારા ઘરો તથા આંગણાને અવનવી રંગોળી બનાવી તથા રંગબેરંગી લાઈટથી સુશોભિત કરવાની સાથે પરીવારજનો સાથે રહી સાર્થક દિવાળીની ઉત્‍સાહભેર ઉજવણી કરીએ છીએ.

વિજ્ઞાનની બુકમાંથી પ્રેરણા મેળવી નિર્ણય લીધો
વિદ્યાર્થિની ખુશાલી બારડ અને નયન મેઘનાથીએ જણાવ્યું હતું કે, અમારા અભ્યાસક્રમમાં વિજ્ઞાનની બુકમાંથી જાણવા મળ્યું કે, સમગ્ર વિશ્વમાં દિવસને દિવસે કાર્બન ડાયોક્સાઇડ વધવાથી પ્રદુષણ વધી રહ્યું હોવાથી વાતાવરણમાં ઓકસીજનનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ પ્રદુષણમાં ફટાકડા ફોડવાથી વધારો થાય છે. આથી સાત વર્ષ પહેલા અમે તમામ વિદ્યાર્થીઓએ સામુહિક અને સ્વૈચ્છિક રીતે કયારેય દિવાળીના તહેવારોમાં ફટાકડા ન ફોડવાનો નિર્ણય લઈ આ અંગે શાળાના આચાર્ય અને શિક્ષકોને જણાવ્યું હતું. ત્‍યારથી લઈ અમો દર વર્ષે દિવાળીએ દિપ પ્રગટાવી ઘર અને ગામના જાહેરસ્‍થળોને સુશોભિત કરી પ્રદુષણ મુકત દિવાળીની ઉજવણી કરી રહ્યા છીએ. અમારા આ નિર્ણયથી અમારા પરિવારજનોને આર્થિક બચત થતી હોય જે અમારા ભવિષ્યના ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી થશે.

બાળકોના નિર્ણયને ગ્રામલોકોએ આવકાર્યો
વિદ્યાર્થિઓએ લીધેલા નિર્ણય શિક્ષકોએ ગામના વડીલો અન વાલીઓ સમક્ષ મુક્યો હતો ત્યારે સૌ એ ખુશ થઇ બિરદાવી આવકાર્યો હતો. આ વિદ્યાર્થીઓ શાળાની રજાના સમયનો પણ સદઉપયોગ કરી વૃક્ષ ઉછેર જેવી પ્રવૃતિ કરે છે. આ માટે શાળાના શિક્ષકો, વાલીઓ સાથે ગામના આગેવાનોના સુમેળભર્યા ત્રિવેણી સંગમરૂપી સાંકળથી આ શકય હોવાનું ગામના યુવાન ભીખુ બારડે જણાવ્યું હતું

તેઓએ વધુમાં જણાવ્યું કે, બાળકોએ પ્રદુષણથી માનવજાતને બચાવવા માટે સાર્થક દિવાળી ઉજવવાનો નિર્ણય કર્યો છે અને તેનો સ્‍વયંશિસ્‍ત અમલ કરી સમગ્ર માનવજાતને પ્રેરણા આપી રહ્યા છે. ખાસ બાળકોના નિર્ણયથી દિવાળીના તહેવારોના દિવસોમાં ગામમાં થતી સામુહિક સફાઇ અને સુશોભનની કામગીરીથી એક પરીવાર જેવો માહોલ ઉભા થતા આપણી સંસ્‍કૃતિ મુજબની દિવાળી ગામમાં હરખભેર ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે...