24 મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. તેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ સાત મહિલા ખેલાડીઓ રમ્યા હતા. તેમાં પણ આ ટીમના કોચ તરીકે એક સમયે ભારત તરફથી રમેલા ગીર સોમનાથ જિલ્લાના પરિતાબેન વાળા રહ્યા હતાં.
આ ટીમને ચેમ્પિયન થવા માટે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યાં હતા. આ ટીમમાં વોલીબોલનો હબ ગણાતા સરખડી ગામની સંધ્યા રાઠોડ (કેપ્ટન), ઉષા વાળા, દિશા વાળા, નિરાલી વાળા, પ્રિયંકા ઝાલા અને મનીષા ઝાલા નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકી હતી. સાથે જ સિંધાજ ગામની બારડ નીપાએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું. આમ ગુજરાતના ચેમ્પિયન બનાવવામાં ગીર સોમનાથ જિલ્લાનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું હતું. ટીમના કોચ રહેલા પરીતા વાળાએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન પુરતી પ્રેક્ટિસ કરી શક્યા ન હતા.
પરંતુ ઘણા ખેલાડીઓ અમારા ગામના એટલે કે, સરખડીના હોવાના કારણે એક સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી એક અદભૂત કોમ્બિનેશન અને તાલમેલ જોવા મળે છે. જે વોલીબોલમાં સફળ થવા માટે ખૂબ અગત્યનું હોય છે. ખેલાડીઓને મેચ દરમિયાન પણ સતત ગાઇડન્સ આપવામાં આવતું હતું. ઉપરાંત આ ટૂર્નામેન્ટ પહેલા પણ એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. તે ખેલાડીઓના તાલમેલ બેસાડવામાં મદદરૂપ બન્યો હતો. આ ટીમે કોઈને આશા ન હતી તે રીતે ફાઇનલ મેચમાં મજબૂત ગણાતી કેરલની ટીમને પણ 3-0 સજજડ પરાજય આપ્યો હતો.
જિલ્લા રમત વિકાસ અધિકારી શ્કાનજી ભાલીયાએ જણાવ્યું કે, આ જીત દિકરીઓની સખત મહેનતનુ પરિણામ છે. દિવસ –રાત પ્રક્ટિસ કરીને કોરોનાકાળ દરમિયાન પણ પોતાની ફિટનેશ જાળવી રાખી હતી. આમ પણ સરખડી ગામને વોલીબોલનુ હબ માનવામાં આવે છે, તે મુજબ અહિંયાથી ઘણાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય વોલીબોલના ખેલાડીના નિકળ્યાં છે. જિલ્લા વ્યાયામ મંડળના પ્રમખ વરજાંગ વાળાએ જણાવ્યું કે, ગુજરાતે ઈતિહાસ પહેલીવાંર ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ પહેલાં ગુજરાતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. તેમાં પણ ગુજરાતની આ જીતમાં ગીર સોમનાથ જિલ્લાનુ મહત્વનુ યોગદાન રહ્યું છે.
મહારાષ્ટ્રમાં આયોજન થયું'તું
આ ચેમ્પયનશિપનું મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં 10 મે થી 15 મે દરમિયાન આયોજન કરવામાં આવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.