જૂનાગઢ જિલ્લાને પ્રાકૃતિક ખેતીમાં દેશનો મોડેલ જિલ્લો બનાવવાની નેમ સાથે જિલ્લામાં ચાલતી કૃષિ ઋષિ સંત યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે. જેને ખેડૂતોનો સહકાર મળી રહ્યો છે. બીજીબાજુ આ યાત્રામાં જોડાયેલા પ્રાકૃતિક ખેતીના સમર્થક નિષ્ણાતોએ દરેક ગામની સ્કૂલમાં યાત્રાના ભાગરૂપે મુલાકાત લઇ બાળકો સાથે આ ગંભીર મામલે સાચી દિશામાં કેમ આગળ વધાય તે મુદ્દાઓ નહિ પણ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના અતિપ્રયોગથી ઉભી થયેલી સ્થિતિમાં આવનારી પેઢીનું અસ્તિત્વ જ જોખમમાં આવી ગયું છે. આજના બાળકો યુવાન થશે ત્યારે કેટલો તંદુરસ્ત રહી શકશે તે સવાલ દરેકને સતાવી રહ્યો છે. આ સવાલ આવનારી પેઢી માટે તો ખુબ અગત્યનો છે. એવા સંજોગોમાં કેન્સર અને અન્ય જાનલેવા બીમારીઓથી બચવા માટે દરેક વિદ્યાર્થીઓના વાલીઓ પોતાના પરિવાર માટે તો પરિવાર માટે પણ એક વીઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવું દબાણ વિદ્યાર્થીઓ તેના વાલીઓ ઉપર કરે તે અંગે સમજણ આપવામાં આવી રહી છે.
કૃષિ ઋષિ સંત યાત્રા સમિતિના જણાવ્યા અનુસાર આ યાત્રાને ખેડૂતોનો પ્રતિસાદ મળી રહ્યો છે. છતાં હજુ જોઈએ તેવી જાગૃતિ નથી. એમ સમજીને પણ આ વિચારધારા સાથે વિદ્યાર્થીઓને જોડવાનું શરુ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે દરેક સ્કૂલમાં જઈને સમિતિના સભ્યો વિદ્યાર્થીઓ સાથે રાસાયણિક ખાતર એની જંતુનાશક દવાના અતિ ઉપયોગથી ઉભી થયેલી પરિસ્થિતિ કેટલી ખતરનાક છે તે મામલે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં ખાસ કરીને હાલના સંજોગોમાં વધી રહેલી જીવલેણ બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબીટીસ સહિતની બીમારીઓ પાછળ આ પ્રકારના રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ જવાબદાર છે. તેને અટકાવવી હશે તો ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવવી પડશે.
જે ખેડૂત તેને ન અપનાવે તે પોતાના પરિવાર અને બાળકોના ભવિષ્ય માટે પણ એક વીઘા ખેતીમાં પ્રકૃતિ ખેતી કરીને તેના પરિવારને બચાવે તેવી અપીલ કરવામાં આવી રહી છે. અને બધી સમજણ આપ્યા પછી બાળકો પોતાના ઘરે જઈને માતા-પિતા અને પરિવારના અન્ય સભ્ય સાથે આ મામલે ચર્ચા કરી સ્પષ્ટ પૂછે કે, તમે અમારી જિંદગીને બીમારી મુક્ત રાખવા ઇચ્છતા હોય તો એક વીઘા ખેતરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરો. અને તેમની પાસે બાળકોએ પરિવારના સભ્યો સમક્ષ બાળહઠ પણ કરવી જોઈએ. કારણકે, આ નિરોગી જીવનનો સવાલ છે.
જૂનાગઢમાં વધી રહી છે કેન્સરની હોસ્પિટલ
જૂનાગઢ શહેરમાં હોસ્પિટલોની સંખ્યા ખુબ વધી છે. સૌથી મોટી ચિંતા એ છેકે, કેન્સરની જ સારવાર કરતી બહુમાળી હોસ્પિટલો બની રહી છે. આ ખુબ ચિંતાનો વિષય છે. કારણકે, રાજ્યપાલ પણ હોસ્પિટલોની વધતી સંખ્યા અને તેમાં ઉભરાતા દર્દીઓ જોઈને પ્રશ્ન કરે છે કે આ કેવી પ્રગતિ છે.
જેમાં આપણે અત્યાધુનિક હોસ્પીટલોનું નિર્માણ કરવું પડી રહ્યું છે? સોરઠમાં ખાસ કરીને વધતા જતા કેન્સરના દર્દીઓ માત્ર ખાનપાનથી ઉભી થયેલી બીમારીના છે. જેમાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ ઉપરાંત આ પંથકમાં વધી ગયેલા તમાકુના સેવનથી અહીં મોઢાના કેન્સર અને અન્નનળીના કેન્સર વધ્યા છે. ત્યારે આપણે આ સ્થિતિની ગંભીરતા સમજી આવનારી પેઢીને બચાવવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.