જૂનાગઢ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું. જોકે, બોર્ડમાં શાસકો જ વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હતા! ભાજપના શાસનમાં રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઇટ,ગંદકી, કોર્પોરેટરોની કાર્યક્રમોમાંથી બાદબાકી સહિતના મુદ્દે ખુદ ભાજપના શાસકોએ જ ધમાસાણ મચાવ્યું હતું.
જ્યારે વિપક્ષે કરેલી 260(2)ની નોટીસની અમલવારી, બીયુ સર્ટિ વગેરેની રજૂઆતને અનસુની કરી બોર્ડમાં ગેરહાજર રહેલા કમિશ્નર તરફ દરખાસ્ત રવાના કરી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ભાજપના કોર્પોરેટરો વચ્ચે પણ તું તું મેં મેં થઇ હતી. આમ, કોર્પોરેશન બન્યાના આટલા સમય પછી પણ વિકાસની વાતોને બદલે હજુ પ્રાથમિક સુવિધામાં પણ રહેલી ક્ષતિ મામલે રજૂઆતોનો મારો ચાલ્યો હતો.
ભવનાથમાં ગંદકી સાફ નહિ થાય તો આંદોલન
મેળો પૂર્ણ થઇ ગયો છે છત્તાં ભવનાથમાં સફાઇ કરાઇ નથી પરિણામે ચારો તરફ ગંદકીના થર જામ્યા છે. અનેક વખત રજૂઆત છત્તાં સફાઇ થતી નથી. ત્યારે હવે સફાઇ નહિ થાયતો સાધુ-સંતોને સાથે રાખીને ઉપવાસ આંદોલન કરાશે. જ્યારે કાર્યક્રમોમાં સ્થાનિક કોર્પોરેટરોની બાદબાકી કરી દેવાઇ છે તે હવે ચલાવી નહિ લેવાય. > એભા કટારા, કોર્પોરેટર વોર્ડ નંબર 9.
અધિકારીની ખબર લેતા સંજય કોરડિયા
કોર્પોરેટરને જાણ ન કરવાની બાબતે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર સંજયભાઇ કોરડીયાએ જણાવ્યું હતું કે, આ અધિકારીની ચાલ છે.મંત્રી આવે તે અગાઉથી નક્કી થાય છે, છત્તાં કાર્ડ આગલે દિવસે સાંજે જ મળે છે! જ્યારે ભૂગર્ભ ગટરની કામગીરીમાં માત્ર નોડલ ઓફિસર તરીકેની જ જવાબદારી હોય દેખરેખનું જ કામ છે તેવા જવાબ બાદ સંજયભાઇ કોરડીયાએ અધિકારી અલ્પેશ ચાવડાની ખબર લઇ લીધી હતી. સંજયભાઇએ કહ્યું હતું કે, મારી પાસે કમિશ્નરનો લેટર છે જેમાં લખ્યું છે કે, જૂની ગટર નવીમાં ભળે છે કે નહિ તે જોવાની જવાબદારી આપની છે. તમે કહો કે લેટર નથી તો હું આપું. બાકી ગોળગોળ વાતો ન કરો.
ખરાબ પાઇપનો અમારી પાસે વિડીયો છે
ભૂગર્ભ ગટરની કામગીરી અંગે વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, પેચવર્કનું કામ ક્યારે થશે? જ્યારે વોર્ડ નંબર 4ના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરની કામગીરીમાં તુટેલા, સડેલા અને પ્લાસ્ટિકના પાઇપ નંખાય છે જે 5 વર્ષ નહિ ચાલે. ત્યારે અધિકારીએ લુલો બચાવ કરતા કહ્યું કે, સડેલા પાઇપ નથી! ત્યારે મંજુલાબેન પણસારાએ કહ્યું હતું કે, મારી પાસે વિડીયો છે, બાદમાં અધિકારીની બોલતી બંધ થઇ ગઇ હતી.
નકશાથી વિરૂદ્ધનું કામ થાય છે !
અમારા વોર્ડમાં નકશાથી વિરૂોદ્ધ ગટરનું કામ થાય છે. નકશો ન બતાવો ત્યાં સુધી કામ શરૂ ન કરતા. હયાત નેટર્વક તુટે નહિ તે મુજબ કામ કરાવજો. - હિમાંશું પંડયા, પૂર્વ ડે. મેયર, કોર્પોરેટર વોર્ડ નંબર 7 .
અઢી વર્ષથી રોડ તુટેલો !
વોર્ડ નંબર 10માં શેરી નંબર 1 અને 2માં અઢી વર્ષથી રોડ તુટેલો છે જે રિપેર કરતા નથી. અડધા પાઇપ નાંખ્યા બાકીના પાઇપ નાંખતા નથી! અમારે પ્રજાની ગાળો ખાવી પડે છે. -હીતેન્દ્ર ગાંધી, કોર્પોરેટર વોર્ડ નંબર 10.
સફાઇની ગાડી તુટેલી
સફાઇની ગાડી વોર્ડમાં 7 વાગ્યે આવે છે, રેંકડી તુટેલી હોય કચરો રસ્તા પર પથરાય છે. નવા સાધનો લેવાની 5મી વખત રજૂઆત છે છત્તાં દર વખતે થઇ જશે તેવું આશ્વાસન જ અપાય છે, કામગીરી થતી નથી.- અદ્રેમાન પંજા, વિપક્ષી નેતા, કોર્પોરેટર વોર્ડ નંબર 8.
કોર્પોરેટરને બોલાવી પછી જ કામ કરો: પુનીત શર્મા
કોર્પોરેટરને સાઇડ લાઇન કરતા હોવાની ફરિયાદને ગંભીરતાથી લેતા શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્યું હતું કે, કોઇ કામનું પ્લાનીંગ કરવાનું હોય,ખાતમુહૂર્ત હોય, ઉદ્ધાટન હોય તે પહેલા મેયરની ચેમ્બરમાં બેસી નક્કી કરી લો.ચારેય કોર્પોરેટર, ચેરમેનને સાથે રાખી તારીખ નક્કી કરો પછી જ કામગીરી કરો જેથી આ પ્રશ્ન જ ઉદ્દભવે નહિ.
મેયરની ગરિમા જાળવો
દરેક દરખાસ્ત કમિશ્નર તરફ રવાના કરો છો ત્યારે જવાબ દેવાની ત્રેવડ ન હોય તો બોર્ડમાં ન આવવું જોઇએ તેમ મંજુલાબેન પણસારાએ કહેતા તેમના આ વિધાનનો વિરોધ થયો હતો. જોકે મેયર ગીતાબેન પરમારે કહ્યું હતું કે, તો તમે આવી જાવ! શાંત થઇ જાવ અને હું તમારી ગરિમા જાળવું છું તો તમે પણ મેયરના પદની ગરિમા જાળવો.
સ્ટ્રીટ લાઇટના પોલ છે, લાઇટ નથી!!
સ્ટ્રીટ લાઇટની કામગીરી કાગળ પર ચાલે છે. અમારા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટોના પોલ છે,પરંતુ સ્ટ્રીટ લાઇટ જ નથી! આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે છત્તાં કામગીરી થતી જ નથી. - અશોક ચાવડા, કોર્પોરેટર વોર્ડ નંબર 1.
આ તે કાંઇ અધિકારીની પેઢી છે ?
અમારા વોર્ડમાં કોઇ કાર્યક્રમ થાય તો કોન્ટ્રાકટરોને જાણ કરે છે પરંતુ કોર્પોરેટરને જાણ કરતા નથી ! ત્યારે શું આ અધિકારીઓની પેઢી છે? સ્વિમીંગ પુલના ઉદ્ધાટનમાં પણ ન કીધું! ભૂગર્ભ ગટરની કામગીરીની પણ વિગતો અપાતી નથી! ખોદાણની ડિટેઇલ માંગી હતી તેમ છત્તાં ન આપી! શું અમે કોર્પોરેટર નથી? અમારા વોર્ડમાં કામ થાય અને અમને જ જાણ કરવામાં નથી આવતી! - જીવાભાઇ સોલંકી, કોર્પોરેટર વોર્ડ નંબર 15.
ના કહો તો અમે ઉઠી જઇએ !
વોર્ડ નંબર 15માં આખું ગામ આંટોમારીને જતું રહે છે અમે કોર્પોરેટર હોવા છત્તાં જાણ કેમ કરતા નથી?! ના કહો તો અમે ઉઠી જઇએ. - બ્રિજેશાબેન સોલંકી, કોર્પોરેટર વોર્ડ નંબર 15.
ભાજપના કોર્પોરેટર વચ્ચે તું તું મેં મેં
સ્થાનિક કાર્યક્રમોમાં કોર્પોરેટરની બાદબાકીનો વસવસો વોર્ડ નંબર 9ના કોર્પોરેટર એભાભાઇ કટારા કરી રહ્યા હતા ત્યારે રાકેશભાઇ ઘુલેશીયા વચ્ચે બોલતા એભાભાઇએ પિત્તો ગૂમાવ્યો હતો અને બન્ને વચ્ચે તું તું મેં મેં થઇ હતી. એભાભાઇએ રાકેશ ધુલેશીયાને ઉઘડો લેતા કહ્યું હતું કે, રાકેશભાઇ! તમે તમારા વોર્ડની ચિંતા કરો. તમારે કહેવાનો કોઇ રાઇટ નથી! ત્યારે, હું પુનિતભાઇ શર્માને કહું છું તેમ કહી રાકેશ ધુલેશીયાએ વાતને વાળી લીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.