LCBનો દરોડો:વેરાવળના પોશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, સવા લાખની રોકડ સાથે ચાર શખ્સો ઝડપાયા

વેરાવળ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મકાનનો કબજો ધરાવનાર આર્થિક ફાયદા માટે ઘરમાં જ જુગારનો અડ્ડો ચલાવતો હતો

વેરાવળના પોશ વિસ્તારમાં એવા ગોકુલધામ સોસાયટી પાસે એક રહેણાંક મકાનમાં ચાલતું જુગાર ધામ ઝડપાયું છે. એલસીબી બ્રાન્ચએ બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર જુગારીઓને સવા લાખની રોકડ રકમ તથા 6 મોબાઈલ મળી કુલ રૂ.1.45 લાખના મુદામાલ કબજે કર્યો છે. આ વિસ્તારમાં ગત વર્ષે પણ પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપી પાડયા બાદ ફરી જુગારધામ પકડાતા અનેકવિધ ચર્ચાઓ શરૂ થઈ છે.

વેરાવળ શહેરમાં જુગાર રમતો હોવાના કુખ્યાત સ્થળો પર પોલીસની વોચ હોવાથી જુગારીઓ નવા નવા સ્થળોએ જુગાર રમી રહ્યા હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરના પોશ વિસ્તારમાંથી જુગારધામ ઝડપાયુ છે. જે અંગે પ્રાપ્ત વિગત મુજબ વેરાવળમાં 80 ફૂટ રોડ પર આવેલ આરતી એપાર્ટમેન્ટની સામે ગોકુલધામ સોસાયટી પાસેના એક રહેણાંક મકાનમાં મોટાપાયે જુગાર રમતો હોવા અંગે એલસીબીના નરેન્દ્ર પટાટને બાતમી મળી હતી. જેના આધારે બ્રાન્ચના પીઆઈ સોલંકી, અજીતસિંહ, જગતસિંહ, વિરા ચાંડેરા સહિતના સ્ટાફએ બતમીવાળા સ્થળે પોલાભાઈ અરજણભાઈ ચાવડાના મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો.

એલસીબીએ ઘટના સ્થળેથી જુગાર રમી રહેલ (1) પોલાભાઇ અરજણભાઇ ચાવડા (ઉ.વ.45), રહે. ગોકુલધામ સોસાયટી પાસે (2) ચંદ્રેશભાઇ ઉર્ફે મુનો રૈવાચંદ આયલદાસાણી (ઉ.વ.50), રહે.વાણંદ સોસાયટી (3) અમાનતહુસેન મહમદહુસેન સૈયદ જાતે (ઉ.વ.40) રહે. સોમનાથ ટોકીઝ પાસે (4) લખમણભાઇ ખીમાભાઇ પરમાર (ઉ.વ.60) રહે.પ્ર.પાટણ શાંતિનગર વાળાને રોકડા રૂ.1,28,800 તથા મોબાઇલ ફોન 6 મળી કુલ રૂ.1,45,300 ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

વધુમાં પોલાભાઈ અરજણ ચાવડા પોતાના મકાનમાં બહારથી જુગારીઓને જુગાર રમવા બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે જુગારનો અખાડો ચલાવતો હોવાનું પોલીસને દરોડા દરમ્યાન જાણવા મળેલ હતું. આ અંગે વેરાવળ પોલીસમાં ચારેય જુગારીઓ સામે જુગારધારાની કલમ 1,4,5 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે નોંધનીય છે કે, એકાદ વર્ષ અગાઉ પણ ગોકુલધામ સોસાયટી વિસ્તાર પાસેથી જ જુગારનો અખાડો પોલીસ સ્ટાફે ઝડપી પાડયો હતો. ત્યારબાદ થોડો સમય તે વિસ્તારમાં જુગાર પ્રવૃત્તિ બંધ રહ્યા બાદ ફરી ધમધમતી થઈ હોવાની લોકોમાં વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ વિસ્તારમાં ચોક્કસ લોકોની ઓથ હેઠળ જુગાર રમાડાતો હોવાની પણ ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...