જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસમાં આવેલી કામધેનુ યુનિ.ની વેટરનરી કોલેજનાં ઇન્ટર્ન તબીબો પર ગઇકાલે મોડી રાત્રે અસામાજીકોએ હુમલો કર્યો હતો. તબીબોની બાઇકને પાછળથી કારે ટક્કર માર્યા બાદ હુમલાખોરો પાઇપ, લાકડા વડે તેઓ પર તૂટી પડ્યા હતા. આથી બંનેને સારવાર માટે જૂનાગઢ સિવીલમાં દાખલ કરાયા છે. બનાવ બાદ બીજા ઇન્ટર્ન તબીબો રોષભેર સિવીલ હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવ અંગે પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વીગતો મુજબ, જૂનાગઢ કૃષિ યુનિ. કેમ્પસમાં આવેલી કામધેનુ યુનિ. હસ્તકની વેટરનરી કોલેજમાં ભણતા ભાવિ વેટરનરી તબીબો સાવન નગીનભાઇ વાજા (ઉ. 21, રે. કોડીનાર), અભી નવિનભાઇ હીરપરા (ઉ. 20, રે. ધોરાજી) અને કૌશિક ડાંગર ગઇકાલે સાંજે બુલેટ મોટરસાઇકલ પર ભવનાથ ગયા હતા. અને ત્યાં ભજીયાની દુકાન પાસે કાવો પીવા રોકાયા હતા.
એ વખતે એક કારમાં દારૂ પીધેલા કેટલાક અસામાજીક શખ્સો આવ્યા હતા. અને બેફામ બની તેઓને પાણી ઉડાડ્યું હતું. આથી ત્રણેય ત્યાંથી બાઇક પર નીકળી ગયા હતા. જોકે, પેલા અસામાજીકોએ તેમની પાછળ કાર ભગાવી હતી. અને દાતાર સર્કલ પાસે તેમની બાઇકને પાછળથી ટક્કર મારી પછાડી દીધા હતા. બાદમાં તેઓ પર લાકડાના બટકા અને પાઇપથી તૂટી પડ્યા હતા.
આ દારૂડિયા ટોળકીએ પોતાના સાગ્રીતોને બોલાવી લીધા હતા. આથી બીજા 15 થી 20 નું ટોળું પણ ત્યાં પહોંચ્યું હતું. બધા એકસાથે ત્રણ તબીબો પર તૂટી પડતાં તેઓને ઇજા પહોંચી હતી. દરમ્યાન પોલીસ વાન ત્યાં આવી પહોંચતાં તેઓને છોડાવી સિવીલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેઓએ એ ડિવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
સહાધ્યાયી ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષ
આ બનાવમાં સાવન અને અભીને વધુ ઇજા પહોંચતાં તેઓ હાલ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે કૌશિક ડાંગરને સામાન્ય ઇજા છે. આ બનાવથી કોલેજનાં બીજા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાં ભારે રોષની લાગણી છવાઇ ગઇ હતી. અને બધા સિવીલ હોસ્પિટલે પહોંચી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.