શુદ્ધિકરણ:મધુરમ બાયપાસ પર ગોઠણડૂબ પાણી, જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરના પાણીના સમ્પની સફાઇ હાથ ધરવામાં આવી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહાનગરપાલિકાનાં કર્મીઓએ સમ્પની સફાઇ કરી. - Divya Bhaskar
મહાનગરપાલિકાનાં કર્મીઓએ સમ્પની સફાઇ કરી.
  • પીવાના​​​​​​​ પાણીના અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇ બાદનું પાણી છોડાતા રસ્તાઓ જળમગ્ન બન્યા, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ

જૂનાગઢના મધુરમ બાયપાસ પર શનિવારની રાત્રિના ગલીઓમાં ગોઠણ ડૂબ પાણી ભરાતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો! ખાસ કરીને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પીવાના પાણીના અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇ કર્યા બાદ વધારાનું પાણી છોડવામાં આવતા આ સ્થિતી નિર્માણ પામી હોવાનું મહાનગરપાલિકામાંથી જાણવા મળ્યું હતું. શનિવારની રાત્રિના 8:15 વાગ્યા આસપાસ ટીંબાવાડી બગીચાથી લઇને બાયપાસ પરની આંગન ટાઉન શિપ સુધીના રોડ પર પાણી ફરી વળ્યા હતા.

ભર ઉનાળે ચોમાસાની જેમ પાણી હિલોળા લેતું હોય લોકો પણ આશ્ચર્યમાં પડ્યા હતા. ગલીઓમાં તો ગોઠણ ડૂબ પાણી હતું જેમાંથી પસાર થતા ટુવ્હિલના ટાયર પણ ડૂબી જતા હતા. જ્યારે બાયપાસ રોડની હાઇટ વધારે હોવા છત્તાં બાયપાસ રોડ પર પણ ચોમાસાની જેમ પાણી દોડવા લાગ્યું હતું. પરિણામે ત્યાંથી પસાર થનાર તમામને આશ્ચર્ય થતું હતું. દરમિયાન આ અંગે મહાનગરપાલિકાના વોટર વર્કસ ઇજનેર અલ્પેશ ચાવડાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, હાલ શહેરમાં પીવાના પાણીના અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇ કરવામાં આવી રહી છે.

સફાઇ કર્યા બાદ તે પાણીને છોડવામાં આવ્યું હતું. દરમિયાન ગટરના હોલ નાના હોય અને છોડાયેલા પાણીનો ફોર્સ અને જથ્થો વધારે હોય તેના કારણે ગટરમાંથી પાણીનો ઝડપથી નિકાલ ન થઇ શકતા પાણી રોડ પર ફરી વળ્યા હતા. લોકોને પીવાનું પાણી શુદ્ધ મળી રહે તે માટે શહેરભરના પીવાના પાણીના સમ્પની હાલ સફાઇ કરવામાં આવી રહી છે.

અહિંયા સફાઇ કરાઇ છે
ટીંબાવાડીના 30 લાખ લીટરના, પાદરીયાના 50 લાખ લીટરના, સરદાર બાગના 12, 12 લાખના 2 સમ્પ અને આદિત્યનગરના 24 લાખ લીટરની ક્ષમતા વાળા અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇ કરવામાં આવી છે.

આ રીતે સફાઇ કરાય છે
સમ્પની સફાઇ કરતા પહેલા પાણી વિતરણ કરવામાં આવે છે જેથી પીવાના પાણીની સમસ્યા ન રહે. બાદમાં વધેલા થોડા પાણીમાં કર્મચારીઓ તેમજ મડ પમ્પ દ્વારા સફાઇ કરવામાં આવે છે. ખાસ કરીને સમ્પના તળીયે રહેલ માટી, કાંપ, સ્લરી, રેતી વગેરેના નિકાલ માટે કર્મચારીઓ ઉપરાંત હાઇ પ્રેસરના જેટ સ્પ્રેનો ઉપયોગ કરી સફાઇ કરવામાં આવે છે. બાદમાં આ પાણીનો નિકાલ કરવામાં આવે છે જેથી બીજે દિવસે ફરી પાણી ભરી શકાય અને પાણી વિતરણમાં કોઇ મુશ્કેલી ન પડે.

10 દિવસ પછી ઓવરહેડ ટેન્કની સફાઇ કરાશે
અન્ડર ગ્રાઉન્ડ સમ્પની સફાઇની કામગીરી ચાલુ છે તે પૂરી થયા બાદ ઓવર હેડ ટેન્કની પણ સફાઇ કરવામાં આવશે.

ધારાગઢનો જૂનો ટાંકો તોડી પડાયો
ધારગઢ ખાતે જૂનો ટાંકો આવેલ છે સાવ જર્જરિત બની ગયો હતો. આ ટાંકો તૂટી પડે અને કોઇને નુકસાન થાય કે ઇજાગ્રસ્ત બને તે પહેલા તેને તોડી પડાયો છે.

અન્ય સમાચારો પણ છે...