પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ:આજથી જૂનાગઢમાં ગુંજશે હર હર મહાદેવ હર નો નાદ

જૂનાગઢ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેવાધિદેવ મહાદેવની થશે ષોડશોપ્રકારે પૂજા, મંદિરોને રોશનીથી શણગારાયા
  • ​​​​​​​પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ​​​​​​​થતા શિવ મંદિરોમાં શિવ ભક્તોની જામશે ભીડ

દેવોના દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો 29 જૂલાઇ( શ્રાવણ સુદ એકમ)થી પ્રારંભ થઇ રહ્યો હોય શિવભક્તો શિવજીની ભક્તિમાં લીન થઇ જશે. સમગ્ર જૂનાગઢના શિવાલયોમાં એક મહિના સુધી હર હર મહાદેવ હર નો નાદ ગુંજી ઉઠશે. ખાસ કરીને શહેરના તમામ શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. વ્હેલી સવારથી જ ભાવિકો શિવજીના પૂજન, અર્ચન, દર્શન કરવા માટે લાઇનો લગાવશે. મોડી રાત સુધી શિવમંદિરો શિવભક્તોની ચહલ પહલથી ધમધમી ઉઠશે.

ભવનાથ સ્થિત ભવનાથ મહાદેવ, શહેરના ભૂતનાથ મહાદેવ, ઝાંઝરડા રોડ સ્થિત સિદ્ધાનાથ મહાદેવ, બિલનાથ મહાદેવ, ટીંબાવાડી- દિપાંજલી સ્થિત ઓમકારેશ્વર મહાદેવ, મંગલધામ 3 સ્થિત મંગલેશ્વર મહાદેવ, સ્વામિનારાયણ સુવર્ણ શિખર મુખ્ય મંદિર સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ, જવાહર રોડ સ્થિત ભીડભંજન મહાદેવ, ગિરનાર જંગલમાં આવેલ જટાશંકર મહાદેવ, ભવનાથ સ્થિત વસ્ત્રાપથેશ્વર મહાદેવ સહિતના અનેક શિવ મંદિરોમાં શિવજીની પૂજા કરાશે. દૂધ, દહીં, ઘી, મઘ, શેરડીનો રસ, તલ તેમજ અન્ય સુગંધિત દ્રવ્યોથી અભિષેક કરાશે.

અનેક મંદિરોમાં મહાઆરતી કરાશે તેમજ દરરોજ તો ભવ્યાતિભવ્ય શણગાર- દર્શન થશે સાથે શ્રાવણના દરેકસોમવારે પણ દિપમાળા કરાશે. આ ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવશે.

ભવનાથ મંદિરે ચારે પ્રહરની પૂજા
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભવનાથ સ્થિત ભવનાથ મહાદેવ મંદિરે શિવજીની ચારે પ્રહરની પૂજા થશે. સવારથી લઇને સાંજ સુધી અભિષેક તેમજ શણગાર કરાશે. શ્રાવણના દરેક સોમવારે મહાઆરતી કરાશે તેમ ભવનાથ મંદિરના મહંત હરિગિરીજી મહારાજે જણાવ્યું છે.

સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) કરશે મહાઆરતી
શ્રાવણ માસની શુક્રવારથી શરૂઆત થઇ રહી છે ત્યારે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન શિવજીના મંદિરે મહાઆરતી કરશે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન)ના સંસ્થાપક જયદેવભાઇ જોષીએ જણાવ્યું હતું કે, પ્રથમ સોમવાર 1 ઓગસ્ટના બિલનાથ મહાદેવ મંદિર ખાતે સાંજના 6:30 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે જેમાં જૂનાગઢમાં રહેતા તમામ ભૂદેવો સહપરિવાર ભાગ લેશે. મહા આરતી બાદ ફરાળ-પ્રસાદનું પણ આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...