નોકરીની લાલચમાં લાખો ગુમાવ્યા:પોસ્ટમાં નોકરી અપાવવાના નામે જૂનાગઢ અને પોરબંદરના 3 યુવાનો સાથે છેતરપિંડી, બે શખ્સોએ 14.80 લાખ રૂપિયા પડાવ્યા

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ અને જૂનાગઢના શખ્સ સામે છેતરાયેલા યુવાનોએ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • યુવાનને ઓર્ડર મોકલી ખાતરી પણ કરાવી વિશ્વાસ અપાવેલ પરંતુ નોકરી ન મળતા છેતરાયાનો અહેસાસ થતા ફરીયાદ કરેલ

જૂનાગઢમાં રહેતા એક યુવાનને પોસ્ટ વિભાગમાં કાયમી નોકરી અપાવી દેવાની લાલચ આપી તેની પાસેથી રૂ.5 લાખ અને પોરબંદરના બે સંબંધી યુવાનો પાસેથી રૂ.9.80 લાખ મળી કુલ રૂ.14.80 લાખની રકમ લઈ લીધા બાદ પણ નૌકરી અપાવી ન હતી. જેથી યુવાનોને છેતરાયા હોવાનો અહેસાસ થતા જૂનાગઢ અને અમદાવાદના બે શખ્સો સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના મોઢ વણિક વિદ્યાર્થી ભવન ખાતે રહેતા અને ટીવાય બીકોમમાં અભ્યાસ કરતા શ્યામ પરેશભાઈ ત્રિવેદીએ તેના મિત્રને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી અંગે વાત કરી હતી. આથી તેના મિત્રએ તેને દિપક ઉર્ફે દિલીપ મુગતલાલ ભટ્ટના નંબર આપી વાત કરવા જણાવ્યુ હતુ. જેથી તેને ફોન કરતા દિપક ઉર્ફે દિલીપે હું પોસ્ટ ઓફીસમાં એજન્ટ તરીકે કામ કરૂં છું. અને મારી ઓળખાણ ઉપર છે અને કોન્ટ્રાક્ટ બેઝ પર નહિ કાયમી નૌકરી અપાવી દઈશ. તેમ કહી પાંચ લાખ આપવા પડશે તેમ જણાવી પ્રથમ 50 હજાર લીધા હતા. બાદમાં શ્યામના પિતા પાસેથી બે લાખ અને પછી અઢી લાખ રૂપીયા લીધા હતા. જ્યારે પોરબંદરના દિલીપભાઇ સાણથરાના પુત્રને અને તેના સબંધીને પણ આવી રીતે જ નોકરી અપાવવાની વાતો કરી બંન્ને પાસેથી કુલ રૂ.9.80 લાખની રકમ લીધી હતી.

બાદમાં શ્યામને તમારો ઓર્ડર હેડ ઓફિસથી નીકળી ગયો છે તેમ કહી મેંદરડા તાલુકાના માનપુરનો ઓર્ડર પણ અપાવ્યો હતો અને જૂનાગઢ હેડ પોસ્ટ ઓફીસ ખાતે લઈ જઈ ત્યાં એક વ્યક્તિને ઓર્ડર બતાવી તે સાચો હોવાની ખાતરી પણ કરાવી આપી એક અઠવાડિયામાં નોકરી પર હાજર થઈ શકાશે તેમ જણાવ્યુ હતું. તેમ છતાં ઘણા દિવસો સુધી શ્યામને નોકરી પર ન બોલાવતા દિપક ઉર્ફે દિલીપને વાત કરતા તેણે થોડો સમય માટે રાહ જોવા કહ્યું હતું.

ત્યાર પછી 'મોટા સાહેબને બે લાખ આપવાના છે' તેમ કહી વધુ બે લાખ માંગ્યા હતા. પરંતુ શ્યામને નોકરી પર નહીં બોલાવતા તેણે અમદાવાદ તપાસ કરી હતી. ત્યાંથી થોડા દિવસોમાં ઓર્ડર નીકળશે તેમ જણાવી ઓર્ડરમાં પાંચમું નામ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પણ શ્યામ ત્રિવેદીને ઓર્ડર કે નોકરી મળી ન હતી. જેથી તે છેતરાતો હોવાનો અહેસાસ થતા આપેલા પૈસા દિપક પાસે પરત માંગતા તે બાબતે ગલ્લા તલ્લા કરતો હતો. જેથી શ્યામ ત્રિવેદીએ અમદાવાદના અબ્દુલ કાદિર શેખ અને જૂનાગઢના દિપક ઉર્ફે દિલીપ મુગતરાય ભટ્ટ સામે પોતાની પાસેથી 5 લાખ અને પોરબંદરના દિલીપ સાણથરા પાસેથી અને તેના સંબંધી પાસેથી 9.80 લાખ મળી કુલ રૂ. 14.80 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ આઇપીસી કલમ 409, 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...