ફરિયાદ:બંગાળી કારીગર પાસેથી ધંધા માટે 1.56 કરોડ ઉછીના લઇ છેતરપિંડી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધામાં પૈસાની જરૂર હોવાનું કહી બે મિત્રો રૂપિયા લઇ ગયા
  • જૂનાગઢમાં સોની કામ કરનારને વતનના જ 2 ગઠિયાએ ખંખેર્યો

મૂળ પશ્ચિમ બંગાળના વતની અને જૂનાગઢમાં રહેતા અને સોનીકામ કરનાર બંગાળી કારીગરના મિત્રએ સોનાના દાગીનાના 2 બંગાળી શખ્સો સાથે ઓળખાણ કરાવી હતી. અને મિત્રની ભલામણથી રૂ. 1,56 કરોડ ઉછીના મેળવ્યા બાદ પાછા ન આપતાં તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જૂનાગઢના ગંધ્રપવાડામાં રહેતા અને સોનીકામ કરતા દિપુભાઇ ખુદીરામ બેરા (ઉ. 48) નામના બંગાળી કારીગરને તેના બંગાળી મિત્ર વરૂણે કેસ્ટો દાસ અને સમ્રાટ અધિકારી નામના બે બંગાળી શખ્સોની ઓળખ કરાવી હતી. બંનેએ પોતે સોનાના દાગીનાના હોલસેલ વેપારી હોવાની ઓળખ આપી હતી. ફેબ્રુ. 2019 માં ત્રણેય જૂનાગઢ આવ્યા હતા. અને દિપુભાઇને ઘેર રોકાયા હતા. અને ધંધામાં તેઓને રૂ. 50 લાખની જરૂર હોવાનું કહ્યું હતું.

થોડા દિવસ પછી દિપુભાઇએ તેઓને રૂ. 35,50,000 આપ્યા હતા. બાદમાં એપ્રિલ 2019 સુધીમાં જુદા જુદા સમયે તેઓને પોતાની બચત અને બીજા લોકો પાસેથી ઉછીના પાછીના કરી અને સોનાના દાગીના કુલ રૂ. 1,56,26,000 ની મદદ કરી હતી. જે દરમ્યાન કેસ્ટોએ પોતાને ધંધામાં ફાયદો થયો હોવાનું કહી રૂ. 2 લાખ તેના ખાતામાં પણ જમા કરાવ્યા હતા. આથી દિપુભાઇને તેના પર વિશ્વાસ બેસી ગયો હતો. જોકે, દોઢ કરોડ જેવી મોટી રકમ લીધા બાદ તેઓએ રૂપિયા પાછા આપવાને બદલે વાયદો આપવાનું શરૂ કર્યું હતું. આખરે કંટાળીને દીપુભાઇએ કેસ્ટો દાસ અને સમ્રાટ અધિકારી સામે જૂનાગઢ એ ડિવીઝન પોલીસમાં રૂ. 1,56,26,000 ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. બનાવની તપાસ એ ડિવીઝનના પીએસઆઇ એ. કે. પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...