ખનીજ વિભાગની કાર્યવાહી:તાલાલા તાલુકાના સુરવા ગીર ગામે સરકારી જમીનમાંથી રૂ.63 લાખની ખનીજ ચોરી મામલે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

તાલાલા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • ગીર સોમનાથ જિલ્લા રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ફરિયાદના આધારે પોલીસે ખનીજચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • તાલાલા ગીર પંથકમાં અઠવાડિયામાં બે વખત ખનીજચોરી પકડાતા ચકચાર પ્રસરી

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના સુરવા ગીર ગામની સર્વે નં.163 પૈકી 3 માંથી 12,347 મેટ્રિક ટન બિલ્ડીંગ લાઇમ સ્ટોન કિ.રૂ.63 લાખ 22 હજાર 888 ની ચોરી કરી ગયાની રોયલ્ટી ઇન્સ્પેક્ટરએ ફરિયાદ કરતા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હજુ ગત અઠવાડીયે પંથકના એક ગામની સીમમાં સરકારી જમીનમાંથી ખનીજચોરી સામે આવ્યા બાદ ફરી તાલુકામાં અન્ય ગામની સરકારી જમીનમાં ખનીજ ચોરી સામે આવતા તાલાલા શહેર - પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગીર સોમનાથ જિલ્લાના રોયલ્ટી ઇન્સ્પેક્ટર વિપુલભાઈ પ્રહલાદભાઈ યોગીએ ફરિયાદમાં જણાવેલ કે, તાલાલા તાલુકાના સુરવા ગીર ગામની સરકારી સર્વે નં.163 પૈકી 3 માંથી ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરી કીશનભાઈ મગનભાઈ પાનસુરીયા રે.સુરવાગીર, કેશવભાઈ ગોવિંદભાઈ રે.સુરવા ગીર, જગદીશભાઈ કામળીયા રે.ઘંટીયા, મુકેશભાઈ અરજણ કામળીયા રે.ઘંટીયા વાળા શખ્સો ત્રણ ચકરડી મશીન, એક ટ્રેક્ટર દ્રારા ગેરકાયદેસર રીતે 12,347 મેટ્રિક ટન રૂ.63 લાખ 22 હજાર કિંમતનો બિલ્ડીંગ લાઇમ સ્ટોન પથ્થરની ચોરી કરી લઈ ગયા છે. આ વિગતોના આધારે પોલીસે ઉપરોકત જણાવેલ ચારેય શખ્સો સામે ખનીજચોરીનો ગુનો દાખલ કરી પીએસઆઈ મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે.

તાલાલા ગીર પંથકમાં આઠ દિવસમાં બે ખનીજ ચોરી પકડાઈતાલાલા ગીર પંથકના આંકોલવાડી ગીર ગામ પાસે જંગલની બોર્ડર ઉપર બે ચકરડી મશીન દ્વારા ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરતા હોવાની બાતમી મળતા તાલાલા મામલતદાર ની ટીમ બનાવના સ્થળે દોડી જઈ દરોડા પાડતા ખનન કરી ખનીજ ચોરી કરતા લોકો નાસી ગયા હતા. ત્યારે સ્થળ પરથી મામલતદારની ટીમે પથ્થર કાપવાની બે ચકરડીઓ કબજે કરી પોલીસને સોંપી હતી. ત્યારબાદ સુરવા ગીર ગામેથી વધુ એક ગેરકાયદેસર ખનીજ ખનન ની ફરિયાદ થતા તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.

અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં કુદરતી સંપત્તિ એવી ખનીજો વિપુલ માત્રામાં હોય જેની તંત્રની મીઠી અને રાજકીય ઓથ હેઠળ બેરોકટોક ચોરી થઈ રહી છે. ખનીજચોરોને જાણે તંત્રનો કે કાયદાનો ડર ન હોય તેમ બેરોકટોક ખનીજોની ચોરી કરી રહ્યા છે. તેની સાબિતી તાલાલા ગીર પંથકમાં અઠવાડિયામાં બે વખત પકડાયેલ ખનીજચોરીની ઘટના સાબિતી સમાન હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...