ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેર-પંથકમાં છેલ્લા એક વર્ષથી ભંગારના ડેલામાં ચોરી કરતી ગેંગના બે સગીર સહિત ચાર શખ્સોને બાતમીના આધારે એલસીબીની ટીમે ઝડપી લઇ પાંચ અણઉકેલ ચોરીની ઘટનાઓનો ભેદ ઉકેલી દીધો છે. તો પકડાયેલી ગેંગના સભ્યો પાસેથી 737 કિલો કોપર, તાંબુ, લોખંડનો મિકસ ભંગાર, 15 બેટરીઓ મળી રૂ.4.13 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉનાના તીર્થધામ ગુપ્તપ્રયાગ આશ્રમમાં થયેલી સોનાના દાગીના અને રોકડની ચોરી મામલે સ્થાનીક પોલીસે તીર્થધામમાં અગાઉ નોકરી કરી ગયેલા કર્મચારીને ટેકનીકલ સર્વેલન્સની માહિતીના આધારે ઝડપી લઇ રૂ.4 લાખની કિંમતના દાગીના અને રોકડ કબ્જે કરી છે.
જિલ્લાના ઉના પંથકમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી ધમરોળતી શખ્સોને કાબુમાં લઈ ગુના અટકાવવા કરેલી કાર્યવાહી અંગે માહિતી આપતા જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, ઉના શહેર અને પંથકમાં ઘણા સમયથી ચોરીની ઘટનાઓ બની રહી હતી. જેમાં ખાસ ભંગારના ડેલાઓને ટાર્ગેટ કરી ચોરી કરવામાં આવતી હોવાનું પોલીસના ઘ્યાને આવેલ હતું. જેથી ઉના પંથકમાં વિશેષ પેટ્રોલીંગ હાથ ધરવા સુચના આપી હતી.
આ દરમિયાન ગઇકાલે ઉના શહેરમાં ખોડીયાર નગર પાસેના ભંગારના ડેલાને તસ્કરોએ નિશાન બનાવી ભંગારની ચોરી કરી હતી. જે અંગેની ફરીયાદને લઇ એલસીબીના પીએસઆઇ કે.જે.ચૌહાણએ ટીમ સાથે ઉનામાં પેટ્રોલીંગ હાથ ધરેલ હતું. દરમ્યાન મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે ઉના શહેરમાંથી જયેશ ધનજી બારીયા, શૈલેષ દેવચંદ વાજા બંને રહે.મોદેશ્વર રોડ-ઉના તથા બે સગીર મળી ચાર શખ્સોની ગેંગને શંકાસ્પદ મિશ્ર ધાતુના ભંગારના જથ્થા તથા વાહનોની બેટરીઓ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી.
જેમાં પકડાયેલ શખ્સોએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમ્યાન ઉના શહેર અને પંથકમાં આવેલા પાંચ ભંગારના ડેલાઓમાંથી ભંગાર સહિતના સામાન તથા અનેક વાહનોમાંથી બેટરીઓની ચોરી હોવાની કબુલાત કરી હતી. આ શખ્સો પાસેથી 737 કીલો કોપર-તાંબુ-લોખંડનો મિકસ ભંગાર કિ.રૂ.3.68 લાખ તથા બેટરી નંગ 15 ની કિ.રૂ.45 હજાર મળી કુલ રૂ.4.13 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ગેંગના સાગરીતો મોટાભાગે રાત્રીના સમયે ભંગારના ડેલાને નિશાન બનાવી ભંગારની ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે. પકડાયેલા શખ્સોની કબુલાતના આધારે પાંચ અણઉકેલ ચોરીની ઘટનાઓ ઉકેલાયેલી છે. આ કામગીરીમાં એલસીબીના નરેન્દ્ર પટાટ, અજીતસિંહ, નરેન્દ્ર કછોટ, રાજુ ગઢીયા, ભાવેશ મોરી સહિતના હતા.
ઉના તાલુકાના તીર્થધામમાં ગુપ્તપ્રયાસ આશ્રમમાં ગત અઠવાડીયે કોઇ તસ્કર દરવાજો ડપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર તીજોરીમાંથી રૂ.4.11 લાખના દાગીના તથા રોકડા 70 હજારની ચોરી કરી ગયા હતા. આ મામલે ઉના પીઆઇ એમ.યુ.મસીની ટીમએ ટેકનીકલ સર્વેલન્સની માહિતીના આધારે ચોરીની ઘટનાને અંજામ આપનાર બંસીભારથી બટુકભારથી ગૌસ્વામી (ઉ.વ.27) રહે.સીલોજ-ઉનાવાળાને પકડી પાડેલ હતો. તેની પુછપરછમાં આરોપી બંસીભારથી પાસેથી રોકડા રૂ.50 હજાર, એક સોનાની માળા અને એક સોનાનો ચેઇન કુલ કિ.રૂ.1.90 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. જયારે અન્ય દાગીના બેંકમાં ગીરવે તરીકે મુકી રૂ.2.65 લાખની લોન લીધી તથા રોકડા રૂ.70 હજાર તેના મિત્ર વર્તુળમાંથી ઉછીના લીધેલ હોય તે પરત કર્યા હોવાની કબુલાત આપી હતી. જેના આઘારે તે રકમ રીકવર કરવામાં આવી છે. આમ આ ચોરીમાં ગયેલો તમામ મુદામાલ રીકવર કરાયેલો છે. આરોપી બંસીભારથી અગાઉ આશ્રમમાં જ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને થોડા સમય પહેલા નોકરી મુકી દીધી હતી. જેથી તે આશ્રમની ગતિવિઘીથી માહિતગાર હોવાથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યુ હોવાનું પોલીસે જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.