તપાસ:પૂર્વ નગર ઇજનેરે ઇલેકટ્રીકલને સિવીલ ઇજનેર બનાવ્યો

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જવાબદારો સામે કોર્ટમાં કાર્યવાહી કરવાની તજવીજથી મનપામાં હડકંપ

જૂનાગઢ મહાનગરપાલિકામાં ઇલેકટ્રીક ઇજનેરને બોગસ દસ્તાવેજોના આધારે સિવીલ ઇજનેરનું લાયસન્સ અપાયું હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આમાં જવાબદારો સામે કોર્ટ કાર્યવાહી કરવાની તજવીજથી મનપામાં હડકંપ મચી ગયો છે. આ અંગે વિરલભાઇ જોટવાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મનપાના પૂર્વ સિટી ઇજનેર લલીત વાઢેર તેમજ બાંધકામ શાખાના યતિનભાઇ મશરૂ અને વિપુલભાઇ કોરાટે સિવીલ ઇજનેરના લાયસન્સ ઇશ્યુ કરવામાં વ્યવસ્થિત કૌભાંડ કરેલ છે.

યોગેશ પરસોતમભાઇ રંગાણી નામના વ્યક્તિ કે જેમની પાસે ઇલેકટ્રીક ઇજનેરની ડિગ્રી છે તેણે મનપાના એપ્રુુવ્ડ સિવીલ ઇજનેર માટે અરજી કરી હતી. આ અરજી માટે બોગસ સર્ટિફિકેટ બનાવી રજૂ કરાયા હતા. ત્યારે ઉપરોક્ત ત્રણેને જાણ હોવા છત્તાં એપ્રુવ્ડ સિવીલ એન્જીનિયરનું લાયસન્સ ઇશ્યુ કરી આપ્યું હતું. આ તમામ બાબતોની કમિશ્નર રાજેશ તન્નાને જાણ હોવા છત્તાં તેમણે કોઇ કાર્યવાહી ન કરી હોય તેમની સામે પણ કોર્ટ કાર્યવાહી કરવાની તજવિજ હાથ ધરવામાં આવશે. આ મુદ્દાને લઇ મહાનગરપાલિકામાં હડકંપ મચી જવા પામ્યો છે.

મને ખબર જ નથી!!
સિવીલ ઇજનેરના લાયસન્સ ઇશ્યુ કરવાની કાર્યવાહીથી હું સાવ અજાણ છું. મારૂં નામ ભલે ઉછળ્યું છે પરંતુ મને કંઇ ખબર નથી અને મારી ક્યાંય સહિ પણ નથી.- યતિનભાઇ મશરૂ, બાંધકામ શાખા.

સોગંદનામું લઇને લાયસન્સ ઇશ્યુ કર્યું છે
સિવીલ ઇજનેરનું લાયસન્સ માટેના જરૂરી તમામ ડોક્યુમેન્ટસ ટ્રુ કોપી કરીને લેવાય છે.સાથે 100 રૂપિયાના નોન જ્યુડિશ્યલ સ્ટેમ્પ પેપર પર નોટરી રૂબરૂ સોગંદનામું લેવાય છે. તેમાં સ્પષ્ટ ઉલ્લેખ હોય છે કે,રજૂ કરેલા ડોક્યુમેન્ટસ અસલ પરથી ઝેરોક્ષ કરીને રજૂ કરેલ છે. જો ડોક્યુમેન્ટસ ખોટા સાબિત થાય તો મારી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી શકાશે. - વિપુલભાઇ કોરાટ, બાંધકામ શાખા.

લાયસન્સ કેન્સલ કરાવ્યું છે
મે મારા વર્ષોના અનુભવના આધારે સિવીલ ઇજનેર માટે અરજી કરી હતી. જેના આધાર પર લાયસન્સ મળ્યું હતું. બાદમાં ખોટો વિવાદ થતા હાલ તો આઠેક માસ પહેલા જ મે મારૂં લાયસન્સ જમા કરાવી દીધું છે. - યોગેશ રંગાણી.

ફરિયાદ પરત ખેંચી લેવા દબાણ
ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ સચિવ અને જોઇન્ટ સેક્રેટરીને ઇમેલ કરાયો છે. ઇમેલમાં જણાવાયું છે કે,બોગસ સર્ટિના આધારે એપ્રુવ્ડ એન્જીનિયર બનેલા યોગેશ રંગાણી વિરૂદ્ધ ફરિયાદ કરી છે. તેમ છત્તાં આજ દિન સુધી કમિશ્નર રાજેશ તન્ના કે લીગલ શાખા દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ નથી.ઉલ્ટાનું ફરિયાદ પરત ખેંચી લેવા માટે મને દબાણ અને પ્રલોભન આપવામાં આવી રહ્યા છે. ત્યારે આ મામલે જવાબદાર સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ છે.- વિરલ જોટવા, અરજી કરનાર.

અન્ય સમાચારો પણ છે...