જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા:કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારના પુત્રની હત્યા, ફરાર થયેલા ત્રણ આરોપી રાજકોટ જિલ્લામાંથી ઝડપાયા

જુનાગઢએક વર્ષ પહેલા
મૃતક ધર્મેશભાઈ પરમાર
  • મૃતકના પત્ની અગાઉ કોર્પોરેટર રહી ચુક્યા છે

જુનાગઢ શહેરના પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની આજે બપોરના સમયે અજાણ્‍યા શખ્‍સો દ્વારા તિક્ષણ હથિયારોના ઘા મારી જાહેરમાં હત્યા કર્યાના બનાવથી સનસનાટી સાથે ખળભળાટ મચી ગયો છે. જો કે, સરાજાહેર હત્‍યાને અંજામ આપનાર અજાણ્યા શખ્સો હત્‍યા કરીને પલાયન થઇ જતા પોલીસે ઘટના સ્‍થળના સીસીટીવી ફૂટેજોના આઘારે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો. તેની વચ્ચે જૂનાગઢમાં હત્યાને અંજામ આપી ફરાર થયેલા ત્રણ આરોપીઓે રાજકોટ તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. જૂનાગઢ એસઓજીએ ત્રણેય આરોપીઓનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

શહેરના બિલખા રોડ પર દિનદહાદે બનાવ બન્યો
પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીટીવીમાં ત્રણ શંકાસ્‍પદ શખ્‍સો નજરે આવ્‍યા છે. જેની વિગતો જાણવા પોલીસ તપાસ કરી રહી હોવાનું જાણવા મળેલુ છે. સરાજાહેર હત્યાની ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ જુનાગઢ શહેરમાં બિલખા રોડ પર આવેલ રામ નિવાસ નજીક બપોરના બારેક વાગ્યાની આસપાસ પૂર્વ મેયર અને કોંગ્રેસના આગેવાન લાખાભાઇ પરમારનો પુત્ર ધર્મેશભાઇ પરમાર (ઉ.વ.49) એકટિવા પર જઇ રહ્યો હતો તે સમયે તેનો પીછો કરી અજાણ્‍યા શખ્‍સોએ અચાનક તીક્ષણ હથિયારો વડે ઘર્મેશભાઇ પર જીવલેણ હુમલો કરી માથા, છાતી અને પેટના ભાગે ધડાધડ ઘા મારવા લાગેલા તે સમયે જાન બચાવવા ઘર્મેશભાઇએ પ્રયાસ કરેલો પરંતુ હત્યારા જનુનથી હથિયારોના ઘા મારતા હોવાથી તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં ધર્મેશભાઈને લોહીલુહાણ હાલતમાં મુકી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં ઘર્મેશભાઇને સિવિલ હોસ્‍પિટલમાં લઇ જવામાં આવેલા જયાં તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.

હત્યાનો બનાવ બન્યો તે સ્થળ
હત્યાનો બનાવ બન્યો તે સ્થળ

લોકોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ
આ સરજાહેર હત્‍યાની જાણ થતા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડીવીઝનના પીઆઇ આર.જી.ચૌધરી સહીતના પોલીસ અધિકારીઓ અને સ્‍ટાફનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. હાલ મૃતક ધર્મેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમની તજવીજ ચાલી રહી છે. મૃતક ધર્મેશભાઇ પરમાર છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસના સક્રિય કાર્યકર તરીકે કાર્યરત હોવાની સાથે તેમના પત્ની પણ કોર્પોરેટર તરીકે સેવા આપી ચુક્યા છે. શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા ધર્મેશભાઇ પરમારની હત્યાથી પરિવાર સહીતના લોકોમાં ગમગીની સાથે અરેરાટી વ્યાપી ગઇ છે.

રાજકોટ તાલુકા પોલીસે ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા
જૂનાગઢના બિલખા રોડ પર દિનદહાદે હત્યાને અંજામ આપી ફરાર થયેલા ત્રણ હત્યારાઓ રાજકોટ તરફ ભાગ્યા હોવાની રાજકોટ તાલુકા પોલીસને બાતમી મળી હતી. આરોપીઓ ગોંડલ રોડ પર પરિન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયાની તથા ત્યાંથી રાજસ્થાન ભાગી જવા વાહન શોધી રહ્યાની બાતમી મળતા ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ તાલુકા પોલીસની 2 ટીમો પહોંચી હતી. પણ આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા અઢીથી ત્રણ કિલોમીટર ફિલ્મી ઢબે પીછો કરી પકડી લીધા હતા. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશભાઈ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજભાઈ વાળા સામેલ છે. હાલ ત્રણેય આરોપીનો જુનાગઢ એસઓજીએ કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.

હોસ્‍પીટલએ પહોચેલ મૃતકના પિતા લાખાભાઇ સહિતના પરીવારજનો
હોસ્‍પીટલએ પહોચેલ મૃતકના પિતા લાખાભાઇ સહિતના પરીવારજનો

હત્યા પાછળ રાજકીય અદાવત કે પછી અન્ય કારણ જવાબદાર?
જૂનાગઢ કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ મેયરના પુત્રની સરાજાહેર તિક્ષણ હથિયારોના ઘા મારી ઘાતકી હત્યા કરવા પાછળનું કારણ રાજકીય અદાવત હોવાનું લોકોમાં જોરશોરથી ચર્ચાઇ રહેલુ છે. તો કોંગ્રેસ અગ્રણીની હત્યાથી જૂનાગઢ શહેરમાં ચકચાર પ્રસરી છે. અને આગામી દિવસોમાં આ સરાજાહેર હત્‍યા પ્રકરણમાં શું નવાજુની થશે તે જોવું રહેશે. જૂનાગઢમાં હત્યાને અંજામ આપનારા ત્રણ શખ્સો રાજકોટ તાલુકા પોલીસના હાથે ઝડપાયા છે. જૂનાગઢ પોલીસની પૂછપરછમાં હત્યાનું ચોક્કસ કારણ બહાર આવશે.

2 વર્ષથી પોલીસ રક્ષણની માંગ હતી
સવારે 11:30 વાગ્યે હું તક્ષશીલા છાત્રાલયેથી કામ પતાવી આવતો હતો ત્યારે દાતાર મંજીલ નજીક કેટલાક લોકોએ મારાભાઇ ધર્મેશ પરમાર પર તીક્ષણ હથિયાર વડે હુમલો કરી મોત નિપજાવ્યું છે. અમને મારી નાંખવાની સાજીશ 2 વર્ષથી ચાલતી હતી અમે પોલીસ રક્ષણ માંગતા હતા. આ મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. જો પોલીસ રક્ષણ મળ્યું હોત તો આ ઘટના ન બની હોત. - રાવણ લાખાભાઇ પરમાર, મૃતકના ભાઇ

આરોપી ગોંડલ ચોકડી પાસે હોવાની સીસીટીવી ફુટેજથી ખબર પડી
ધર્મેશ પરમારની હત્યા બાદ જૂનાગઢ પોલીસે શહેરમાંથી બહાર જતાં તમામ સીસીટીવી ફુટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતુ. જેમાં પકડાયેલા ત્રણેય શખ્સો રાજકોટ તરફ જતા દેખાયા હતા. આથી રાજકોટ પોલીસને જાણ કરાતા રાજકોટ તાલુકા પીઆઇ જે.વી.ધોળા, પીએસઆઇ ડામોર, એએસઆઇ આર.બી.જાડેજા, મોહસીન ખાન, અમીનભાઇ, મનીષભાઇ અને હરસુખભાઇને લઇ ગોંડલ ચોકડી નજીક આવેલા પરિન ફર્નિચરના શો-રૂમ પાસે પહોંચી હતી. પોલીસને જોઇ ત્રણેય શખ્સો શો-રૂમની પાછળની તરફ ભાગ્યા હતા પણ પોલીસે ફિલ્મી ઢબે પાછળ દોડીને ત્રણેયને ઝડપી લીધા હતા. પકડાયેલા શખ્સોની સરભરા કરતાં જ તેઓ વાહન પકડી રાજસ્થાન નાસી છુટવાના હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે જૂનાગઢ એસઓજીને જાણ કરી ત્રણેયને તેની સોંપણી કરી હોવાનું જૂનાગઢના એસપી રવિતેજા વાસમ શેટ્ટીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...