ધરમ કરતા ધાડ પડી:પૂર્વ કોર્પોરેટર, કોર્પોરેટર, ડે. મેયર સાથે છેતરપિંડી

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગઠિયો કળા કરી ગયો,5000થી લઇને 10,000 રૂપિયા પડાવ્યા

કેમ છો સાહેબ? મજામાં? મને ઓળખ્યો? હું અરવિંદ પટેલ બોલું છું.જૂનાગઢમાં જ રહું છું. 66 કેવીમાં મારો બંગલો છે. હું તમને સારી રીતે ઓળખું છું.ચૂંટણી પ્રચારમાં તમારી સાથે ખુબ દોડધામ કરી હતી. જયશ્રી રોડ પર મારી શ્યામ ટુલ્સ હાર્ડવેરની દુકાન આવેલી છે. અત્યારે અમે કાર લઇને ફેમિલી સાથે અંબાજી આવ્યા હતા. દર્શન કરીને પરત ફર્યા તો કારમાંથી કોઇ પાકિટ, એટીએમ કાર્ડ વગેરે લઇ ગયા છે. કાર લઇને નિકળ્યા રસ્તામાં ડિઝલ પુરૂં થઇ ગયું છે. મારી પાસે પૈસા નથી. ફેમિલી સાથે હેરાન થઇ ગયા છે.

મને થોડી મદદ કરો તો હું ત્યાં આવીને આપને પૈસા પરત આપી દઇશ. આવો ફોન કરીને એક શખ્સે પૂર્વ કોર્પોરેટરથી લઇને વર્તમાન કોર્પોરેટર અને છેક ડેપ્યુટી મેયર પાસેથી પૈસા પડાવી છેતરપિંડી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રીતે વાકચાતુર્ય વાપરીને આ શખ્સે 9898706561 નંબર પરથી ફોન કરી જૂનાગઢના અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પાસેથી 5,000થી લઇને 10,000 રૂપિયા પડાવ્યા છે. વળી, પૈસા મળી જાય પછી ફોન પણ કરે પૈસા મળી ગયા છે.

કોની પાસેથી કેટલા પડાવ્યા?
પૂર્વ કોર્પોરેટર ભૂપતભાઇ શેઠીયા પાસેથી 5,000, કોર્પોરેટર એભાભાઇ કટારા પાસેથી 9,000, કિરીટભાઇ ભીંભા પાસેથી 10,000, ધરમણભાઇ ડાંગર પાસેથી 6,000 અને ડે.મેયર ગિરીશભાઇ કોટેચા પાસેથી 6000 પડાવ્યા છે. આ ઉપરાંત અનેક કોર્પોરેટર પાસેથી પણ પૈસા પડાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કરેલી ઉલટ તપાસમાં શંકા જતા રકમ મોકલી ન હોય તે નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા છે.

માનવતાના ધોરણે મદદ કરી હતી
અમે તો માનવતાના ધોરણે મદદ કરી હતી. જૂનાગઢનો કોઇ વ્યક્તિ મુશ્કેલીમાં હોય તો આપણી ફરજ બને છે તેને મદદ કરવી. એટલે અમેતો માનવતાના નાતે મદદ કરી હતી.પરંતુ આતો ધરમ કરતા ધાડ પડી તેના જેવું થયું. જોકે, આ રીતે 5 કે 10 હજાર પડાવી લે તેમાં અમને કંઇ ફરક નથી પડતો. પરંતુ પરિસ્થિતી એવી પેદા થશે કે જ્યારે કોઇ વ્યક્તિ કે પરિવાર ખરેખર મુશ્કેલીમાં હશે ત્યારે પણ કોઇ મદદ કરવા તૈયાર નહિ થાય. લોકો જલ્દી ભરોસો નહિ કરે. જે લોકો પાસેથી પૈસા પડાવ્યા છે તેમાંથી મોટાભાગના લોકો ભક્તિભાવ વાળા અને લોકોની મુશ્કેલી સાંભળી તુરત મદદ કરવાની ભાવના વાળા લોકો છે. - ગિરીશભાઇ કોટેચા, ડેપ્યુટી મેયર.

અન્ય સમાચારો પણ છે...