બેદરકાર તંત્ર:તાલુકા સેવા સદનમાં 20 દિથી આવકના દાખલાના ફોર્મ ખલાસ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝેરોક્ષની દુકાને આ ફોર્મ 20 રૂપિયામાં વેંચાય છે

જૂનાગઢ તાલુકા સેવાસદન ખાતે છેલ્લા 20 દિવસથી આવકના દાખલાના ફોર્મ ખલાસ થઇ ગયા છે. બીજી તરફ ઝેરોક્ષ વાળાની દુકાને આ ફોર્મ 20 રૂપિયામાં વેંચાઇ રહ્યા હોય અરજદારો ઉઘાડી લુંટનો ભોગ બની રહ્યા છે. આ અંગે ભાવેશભાઇ ગઢીયાએ જણાવ્યું હતું કે, જૂનાગઢના સરદાર બાગ સ્થિત તાલુકા સેવા સદનની ઓફિસે દરરોજના અનેક અરજદારો વિવિધ કામગીરી સબબ આવતા હોય છે. આમાં આવકના દાખલા કઢાવવા માટે આવનારની સંખ્યા મોટી હોય છે. ત્યારે તાલુકા સેવા સદનમાં છેલ્લા 20 દિવસથી આવકના દાખલાના ફોર્મ મળતા ન હોય અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જોવાની ખૂબી એ છે કે, તાલુકા સેવા સદનમાં ન મળતા આવકના દાખલાના ફોર્મ ઝેરોક્ષ વાળાની ત્યાં મળે છે અને તેના 20 રૂપિયા ચૂકવવા પડે છે. આમ, તંત્રની ઘોરબેદરકારી કે મિલીભગત જે ગણો તેના કારણે અરજદારો ઉઘાડી લુંટનો ભોગ બની રહ્યા છે. ત્યારે આવકના દાખલા ફોર્મ તાલુકા સેવા સદનની ઓફિસમાંથી મળતા થાય તેવી વ્યવસ્થા કરવા ભાવેશભાઇ ગઢીયાએ માંગ કરી છે.

ફિલ્ડમાં છું, તપાસ કરાવી લઉં : મામલતદાર
તાલુકા સેેવાસદનમાં આવકના દાખલાના ફોર્મની કૃત્રિમ તંત્રી મામલે સીટી મામલતદાર વી.આર. માંકડીયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હું ફિલ્ડમાં છું. મારી પાસે આવી કોઇ ફરિયાદ આવી નથી. છત્તાં તપાસ કરાવી લઉં.

ગ્રાન્ટ ન હોવાનું કહેવાયું હતું: કોર્પોરેટર
આ અંગે વોર્ડ નંબર 1ના કોર્પોરેટર અશોકભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, આવકના દાખલાના ફોર્મ તાલુકા સેવા સદનમાં મળતા નથી અને ઝેરોક્ષ વાળાને ત્યાં 20 રૂપિયામાં વેંચાય છે તે સાચી વાત છે. આ મામલે મે એસડીએમને અગાઉ પણ રજૂઆત કરી હતી. ત્યારે એસડીએમે કહ્યું હતું કે, અમારી પાસે ગ્રાન્ટ જ નથી! માટે આવકના દાખલાના ફોર્મ મંગાવાયા નથી.

અન્ય સમાચારો પણ છે...