તંત્ર જાગ્યું:વન વિભાગે રાતોરાત એનઓસી આપી, રોપ-વે પાસેના માર્ગનું કામ શરૂ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી વખત આવું ત્યારે કામ થઇ જવું જોઇએ તેવી મંત્રીની સૂચના બાદ તંત્ર જાગ્યું

આખરે રોપ-વે પાસેના રોડનું કામ શરૂ થયું છે અને સત્વરે કામા પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસતો આ રાતોરાત ચમત્કાર થવા પાછળનું કારણ છે મંત્રીએ આપેલી દાટી(સૂચના). આ અંગે મળતી વિગત મુજબ રાષ્ટ્રિય ઉદ્યોગ એવમ વાણિજ્યમંત્રી પિયુષ ગોયલ થોડા સમય પહેલા જૂનાગઢના મહેમાન બન્યા હતા. જોકે, અહિં એવી મહેમાનગતિ થઇ કે તેઓ કદી ભૂલી નહિ શકે. મંત્રીની હાજરીમાં અનેક પ્રશ્ને રજૂઆત કરાઇ હતી.

જેમાં ખાસ કરીને રોપ-વે પાસેનો માર્ગ લાંબા સમયથી ખરાબ હોવાની મૌખિક ફરિયાદ- રજૂઆત કરાઇ હતી. ત્યારે મંત્રી પિયુષ ગોહેલ પણ તંત્રની કામ કરવાની પદ્ધતિથી ચક્કરી ખાઇ ગયા હતા. કારણ કે એક નાના એવા રોડ માટે પણ લોકોને છેક કેન્દ્રિયમંત્રી સુધી રજૂઆત કરવી પડી હતી. બાદમાં પિયુષ ગોયેલે જવાબદાર અધિકારીઓને ઉધડા લીધા હતા. બરોબરના ખખડાવીને સૂચના આપી (દાટી મારી) હતી કે, હું બીજી વખત આવું ત્યારે આ ફરિયાદ રહેવી ન જોઇએ અને રોડનું કામ થઇ જવું જોઇએ.

ત્યારે અનેક બહાના કાઢતું અને ચમત્કાર વિના નમસ્કારમાં ન માનતું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કુણું પડ્યું હતું અને રાતોરાત એનઓસી આપી દેતા રોપ-વે પાસેના લાંબા સમયથી લટકી પડેલા રોડનું કામ શરૂ થઇ ગયું છે. એટલું જ નહિ ટૂંક સમયમાં રોડનું કામ પૂર્ણ થઇ જશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટર માટે ખોદેલા રોડના રિપેરીંગનું કામ પણ લાંબા સમય સુધી વિવિધ બહાના હેઠળ પેન્ડીંગ રહ્યું હતું જે હવે શરૂ થયું છે. ત્યારે લોકો મનમાં(અફસોસ સાથે)કહી રહ્યા છે કે, કાશ! કોઇએ શહેરના રોડ બાબતે મંત્રીને રજૂઆત કરી હોત તો રોડની સમસ્યા પણ ક્યારનીય ઉકેલાઇ ગઇ હોત.

અન્ય સમાચારો પણ છે...