પાણીની સમસ્યાનો ઉકેલ:જૂનાગઢના વોર્ડ નંબર 6ની 50,000ની વસ્તીને પહેલી વખત મળશે નલ સે જલ

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 14માં નાણાં પંચની 30 લાખની ગ્રાન્ટમાંથી પાણીની લાઇન નંખાશે
  • પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ
  • કોર્પોરેટરે કામગીરીનું કરાવ્યું ખાતમુહૂર્ત, 1 મહિનામાં કામગીરી પૂર્ણ થઇ જશે

શહેરના વોર્ડ નંબર 6ની અનેક સોસાયટીમાં પીવાના પાણીની ભારે સમસ્યા હતી. ખાસ કરીને ઉનાળાના 3 મહિનાતો પાણી માટે વલખાં મારવા પડતા હતા. આ અંગે સ્થાનિક લોકોની રજૂઆત બાદ કોંગ્રેસી કોર્પોરેટર દ્વારા રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆતો કરાઇ હતી. આ રજૂઆતોને પગલે આખરે રાજ્ય સરકારે 14માં નાણાં પંચમાંથી 29,00,000ની ગ્રાન્ટ ફાળવી છે.

પરિણામે આ રકમમાંથી પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવાની કામગીરી ચાલુ કરાઇ છે.પરિણામે આ વિસ્તારની અનેક સોસાયટીની પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે. ખાસ કરીને 50,000ની વસ્તીને હવે પહેલી વખત નલ સે જલ મળશે. હાલના વોર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ આ કામગીરીનું ખાતમુહૂર્ત કરાવ્યું છે.

તેમના જણાવ્યા મુજબ એક મહિનાની અંદર કામગીરી પૂર્ણ થઇ જતા લોકોના ઘર સુધી પીવાનું પાણી પહોંચશે અને વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો અંત આવશે. ખાસ તો ઉનાળામાં આ વિસ્તારોમાં પાણીની ખૂબજ તંગી સર્જાતી હોય પાણીના ટાંકા મૂકવાની નોબત આવતી હતી. હવે નંખાતી પાઇપ લાઇન તેમના માટે આશિર્વાદરૂપ સાબિત થશે.

અગાઉ મનપાએ ઉનાળામાં ટાંકા મૂકવા પડતા
આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હોય ઉનાળામાં મહાનગરપાલિકા ટાંકા મૂકતી હતી. અંદાજે 30 ટાંકા મૂકતી હતી જેને દરરોજ ભરવા પડતા હતા. ઉનાળાના ત્રણેક મહિના આ વિસ્તારના લોકો ટાંકાના પાણી પર નભતા હતા જેના કારણે મહાનગરપાલિકાને ટેન્કર દ્વારા ટાંકા ભરવા માટે વાર્ષિક લાખ્ખો રૂપિયાનો ખર્ચ થતો હતો.

હવે પાઇપ લાઇન નંખાય ગયા બાદ આ ખર્ચ બચી જશે. નવી ટાંકી લેવી, મેઇનટેનન્સ કરવું, હાઇડન લગાવવા, તેને રિપેર કરવા, ટેન્કરના ભાડા વગેરેનો ખર્ચ બચી જશે. -લલીતભાઇ પણસારા, કોર્પોરેટર વોર્ડ નંબર 6.

એક કોર્પોરેટરનું થોડા સમય પહેલા અવસાન થયું છે
હાલ વોર્ડ નંબર 6 ગણાય છે તે પહેલા વોર્ડ નંબર 5 ગણાતો હતો. ત્યાંના કોંગ્રેસી કોર્પોરેટર મંજુલાબેન પણસારા અને દિનેશભાઇ કેશવાલા હતા. બન્નેએ પાણીની સમસ્યાના ઉકેલ માટે અગાઉ અનેક વખત રજૂઆત કરી હતી. હવે 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી કામ શરૂ થયું છે. જોકે, તે વખતના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર દિનેશભાઇ કેશવાલાનું થોડા સમય પહેલા અવસાન થયું છે.

કઇ સોસાયટીને પાણી મળશે ?
વોર્ડ નંબર 6માં આવેલ રચના ટાઉનશીપ, ધનલક્ષ્મી સોસાયટી, પાવન પાર્ક, સિદ્ધિ વિનાયક 1 અને 2, ખોડલધામ ટાઉનશીપ,યમુના વાડી, ખલીલપુર મેઇન રોડ પરની સોસાયટી, પોશીયા શેરી વગેરે વિસ્તારોમાં લાઇન નંખાતા પીવાનું પાણી મળશે.

મોટાભાગનાં લોકોના બોરમાં હાલ પાણી સુકાઇ ગયા છે
આ વિસ્તારના મોટાભાગના લોકો પોતાના- સ્વતંત્ર બોરના પાણી પર નભે છે. જોકે, હાલ લોકોના બોરના પાણી ડૂકી ગયા છે. પરિણામે પાણીની સમસ્યા ઉભી થઇ છે. જોકે, હવે એકાદ મહિનામાં પાઇપ લાઇનની કામગીરી પૂર્ણ થતા પીવાના પાણીની સુવિધા ઉભી થશે.

અન્ય સમાચારો પણ છે...