ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ:આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ, કલેકટરે સમીક્ષા બેઠક યોજી

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગાહીના પગલે લોકોને એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી

સમગ્ર ગુજરાતમાં ઘણા દિવસોથી અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં આજથી ત્રણ ભારેથી અતિભારે વરસાદ (ઓરેન્જ એલર્ટ)ની આગાહી કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરની રાહબરી હેઠળ જિલ્લાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તમામ તૈયારીરૂપે કરવામાં આવી રહેલ કામગીરીનું મોનિટરિંગ કરી રહી છે. આ આગાહીને લઈ જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહિલે સંબંધિત વિભાગના જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચાઓ કરી તૈયારીઓની માહિતી મેળવી હતી.

સંકટ સમયની તૈયારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ
જિલ્લામાં ભારે વરસાદના સંકટ સમયે લોકોને શીફ્ટ કરવા પડે તો તેના માટે સાયકલોન શેલ્ટર હોમની સ્થિતિ, દરિયાકિનારાના તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટેની આગોતરી કામગીરી કરવા, સ્થળાંતર કરવા સમયે જરૂરી આશ્રયસ્થાન નક્કી કરી રાખવા, દરિયો તોફાની બને તેવા સમયે કોઈ બનાવ ન બને તે માટે સતર્કતાના ભાગરૂપે માછીમારોને દરિયામાં ન પ્રવેશવા અને લોકોને કિનારા પાસે ન જવા દેવા જેવા, માર્ગો બંધ થાય તો તે ત્વરીત ખુલ્લા કરાવવા સ્ટાફ સાથે જરૂરી સાધનો સ્ટેન્ડબાય રાખવા, અધિકારીઓએ હેડક્વાર્ટરમાં સતત હાજર રહેવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. ઉપરાંત વહીવટી તંત્ર તરફથી લોકોને જિલ્લામાં આવેલ નદી-નાળા તથા તળાવ-ડેમ સાઈટ વિસ્તારમાં કામ વગર લટાર ન મારવા જવા અને સાવધાની રાખવા અપીલ કરી છે.

NDRFની ટીમ સ્ટેન્ડ બાય
અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્લા અને શહેર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં આગામી બે-ત્રણ દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ તો ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે ત્યારે જિલ્લામાં રેસ્ક્યૂ બોટ, લાઈફ જેકેટ, ટ્રી કટર સામગ્રી સહિતના સાધનો સાથે NDRFની ટીમ પણ આવી પહોંચી છે. જેથી આગામી દિવસોમાં જો કપરી પરિસ્થિતિ ઉભી થાય તો તેનો સામનો કરવામાં આવે તો ટીમની સત્વરે મદદ લઈ મુશ્કેલી નિવારી શકાય તેના માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આમ, ઓરેન્જ એલર્ટના દિવસોમાં ભારે વરસાદની પરિસ્થિતિનો સામનો કરવા જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે એલર્ટ મોડમાં છે.

અન્ય સમાચારો પણ છે...