ભાજપમાં ભડકો:માણાવદર પાલિકાના પ્રમુખની કાર્યપદ્ધતિથી નારાજ થઈ સત્તાધારી પક્ષના પાંચ નગરસેવકોએ રાજીનામાં ધરી દીધા

જૂનાગઢએક મહિનો પહેલા
  • પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સામે રાજીનામાના પત્રમાં ગંભીર આક્ષેપ કરવામા આવ્યા
  • શાસન સામે અવાજ ઉઠાવનારને મારવાની ધમકી અપાતી હોવાનો આક્ષેપ

જૂનાગઢ જિલ્લાની ભાજપ શાસિત માણાવદર નગરપાલિકામાં ભાજપના જ પાંચ નગરસેવકોએ પ્રમુખની કાર્યપદ્ધતિથી નારાજ થઈ રાજીનામા ધરી દેતા ખળભળાટ મચ્યો છે. પાલિકામાં કોરોનાકાળમાં થયેલ ખર્ચ અંગે નગરસેવકોએ માહિતી માંગતા પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ હથિયારો સાથે ઘમકાવતા હોવાના આક્ષેપ સાથે ભાજપના પાંચ નગરસેવકોએ જીલ્‍લા ભાજપ પ્રમુખને રાજીનામા આપી દીઘા છે. નગરસેવકોએ રાજીનામાના પત્રમાં પાલિકાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા દર્શાવવાની સાથે જનરલ બોર્ડમાં સ્ત્રી સભ્યોની ગરિમા નહીં જળવાતી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. જેના પગલે માણાવદરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

પ્રમુખના માણસો હથિયારો બતાવી ધમકાવતા હોવાનો આક્ષેપમાણાવદર નગરપાલિકામાં સતાઘારી ભાજપનો આંતરિક ડખ્‍ખો સામે આવ્‍યો છે. જેમાં ભાજપના જ ચૂંટાયેલા પાંચ નગરસેવકો વોર્ડ નં.1 ના જેન્‍તીલાલ ગોવિદભાઇ કાલરીયા, વોર્ડ નં.2 ના સરોજબેન રાજેન્‍દ્રભાઇ કણસાગરા, વોર્ડ નં.3 ના પ્રશાંત મગનભાઇ વૈશ્નાણી, વોર્ડ નં.4 ના ભાવનાબેન દિનેશભાઇ કાલરીયા, વોર્ડ નં.5 ના કાજલબેન સંદિપભાઇ મારડીયાએ ભાજપના પ્રાથમિક સભ્‍ય સહિતના તમામ પદો પરથી રાજીનામોનો પત્ર જીલ્‍લા ભાજપ પ્રમુખને પાઠવ્યો છે. જેમાં પાંચેય નગરસેવકોએ જણાવેલ કે, ગત તા.29/10/21 ના રોજ માણાવદર નગર પાલિકાનું જનરલ બોર્ડ મળેલ હતુ. ત્યારે અમોએ પ્રમુખ પાસેથી કોરોનાના ખર્ચ વિગેરેની વિગતો ઉપરાંત ટેન્ડરોની વિગતો માંગેલી હતી. કારણ કે, તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની માહીતી હતી. જેથી અમોને માહીતી આપવાના બદલે જનરલ બોર્ડમાં પ્રમુખ તથા ઉપ્રમુખના બહારથી હથિયારો સાથે બોલાવેલા માણસોએ જનરલ બોર્ડની સામાન્ય સભામાં ભયનું વાતાવરણ ઉભું કરી અમો(નગરસેવકો)ને મારવા માટેની કોશિશ પણ કરી હતી.

પાલિકાના પ્રમુખ સામે એકહથ્થુ શાસન ચલાવવાનો આક્ષેપરાજીનામું ધરી દેનાર સભ્યોએ પાલિકામાં પ્રમુખ એકહથ્થુ શાસન ચલાવતા હોવાનો આક્ષેપ કર્યો છે. જયારે ઉપપ્રમુખના પતિ પાલિકાના નિર્ણયોમાં ખોટો હસ્તક્ષેપ કરે છે. જયારે આનો વિરોધ કરનારને મારવાની ધમકી આપે છે. તા.29 ના જનરલ બોર્ડમાં જે એજન્ડા મુકાયેલ તે બાબતે અમો કોઈ સભ્યોને જાણ પણ કરેલી ન હતી કે અગાઉ કોઈ મીટીંગ પણ કરી ન હતી. જયારે પુછીએ તો કોઈ માહીતી આપવામાં આવતી નથી અને ઉશ્કેરાઈ જઇ મારવાની ધમકી આપે છે. પાલિકામં સ્‍ત્રી સભ્યો હોવા છતા તેની મર્યાદા પણ જળવાતી નથી અને તેની પ્રત્યે પણ ખરાબ વર્તન કરે છે. આ સંજોગોમાં અમો (નગરસેવકો) હવે પક્ષમાં રહી શકીએ તેમ નથી. જેથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપીએ છીએ અને પક્ષના કોઈ હોદા હોય તો તેમાં પણ આ રાજીનામા ગણી અમારા રાજીનામા સ્વીકાર કર્યાની તાત્કાલીક જાણ કરવા વિનંતી હોવાનું અંતમાં જણાવેલ છે. આ રાજીનામાના પત્રની નકલ પ્રદેશ પ્રમુખ, પ્રભારી મંત્રી, સાંસદ સહિતનાને મોકલી જાણ કરી છે.

મહિલા પ્રમુખે આક્ષેપોનો પાયાવિહોણા ગણાવ્યા

માણાવદર નગરપાલિકાના મહિલા પ્રમુખ પુષ્પાબેન ગોરે કહ્યું હતું કે, પાંચ સભ્યો દ્વારા જે આક્ષેપો કરવામા આવ્યા છે તે પાયાવિહોણા છે. પાંચેય સભ્યો દ્વારા રાજીનામાનો સ્ટંટ કરવામા આવ્યો છે. જિલ્લામાં પણ હજી રાજીનામા પહોંચ્યા નથી અમારા સુધી હજી રાજીનામાની વાત આવી નથી.

અન્ય સમાચારો પણ છે...