સરાહનીય કામગીરી:ઉનાના 'તાઉ-તે' પ્રભાવિત વિસ્તારમાં આફતના 10 દિવસ બાદ પણ NDRFની 5 ટીમ ખડેપગે બજાવી રહી છે ફરજ

વેરાવળ8 મહિનો પહેલા
  • દસ દિવસ દરમિયાન NDRFની ટીમોએ 2,500 થી ઘરાશાયી વૃક્ષોને હટાવી રસ્‍તાઓ ખુલ્‍લા કરાવ્‍યા

તાઉ-તે વાવાઝોડાએ ઉના પંથકમાં ચોતરફ વિનાશ વેર્યો છે ત્‍યારે રાહત-બચાવ કાર્ય માટે રાજય સરકારે અગાઉથી NDRFની ટીમોને ઉના ખાતે તૈનાત કરી દીઘી હતી. વાવાઝોડું ત્રાટકયુ તે દિવસથી NDRFની ટીમો ઉના પંથકમાં રાહત-બચાવ કાર્ય કરી રહી છે. જેમાં તેમને થયેલ અનુભવ અંગે NDRF ના કમાન્‍ડ હિમાંશુ બડોલાએ જણાવેલ કે, ઉનામાં અમારૂ પ્રથમ રેસ્ક્યુ ચાર કલાકથી વઘુ ચાલ્યું હતું. જેમાં કાટમાળમાં દટાઈ ગયેલી બે ગૌમાતાને જીવતી બહાર કાઢવાનું હતું. જે અમો સફળતા પૂર્વક પુર્ણ કર્યુ હતુ. છેલ્‍લા દસ દિવસમાં અઢી હજારથી વઘુ ધરાશાયી થયેલા વૃક્ષોનું કટીંગ કરીને રસ્તાઓ ખુલ્‍લા કરાવ્‍યા છે.

130 જવાનો 10 દિવસથી કરી રહ્યા છે રાહત બચાવ કામગીરી

ઉના પંથકમાં વડોદરાથી NDRFની પાંચ ટીમોના 130 જવાનો તા.17 મે થી રાહત બચાવની કામગીરી કરી રહ્યા છે. દસ દિવસથી ઉનાના રસ્તા પૂર્વવત થાય એ માટે વહીવટીતંત્ર, પાલિકા સહિતના વિભાગો સાથે સંકલન કરીને કાર્ય કરી રહ્યા છે. ગઈકાલે તા.૨૫મીએ નવમાં દિવસે ઉના ના મુખ્ય રસ્તાઓ સાફ થઈ જતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોટા ધરાશાયી થયેલા વૃક્ષો અને અડચણો દૂર કરવાની કામગીરી કરાયેલ હતી.

NDRFના કમાન્ડર હિમાંશુ બડોલા ટીમ સાથે વાવાઝોડું આવેલું ત્‍યારે તા.17 મીની રાત્રે ઉનાના માધવબાગ બિલ્ડિંગમાં હતા. જે રાત્રી અંગે તેઓએ કહેલ કે, તા.17 મીએ રાત્રે 10 વાગ્યા પછી પવનની ઝડપ વધતી જતી હતી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ પવનની ઝડપ વધુ તેજ બની સાથે વરસાદ પણ વરસતો હતો. અમે અમારી નજર સામે અનેક વૃક્ષો મૂળમાંથી ફંગોળાઇ ધરાશાયી થતા જોયા છે. મકાનોના છાપરા-પતરા અને અન્ય ચીજ વસ્તુઓ ઉડતી અને વિજ પોલ ધરાશાયી થવાની સાથે મોટા અવાજ પણ સંભળાતા હતા. ભૂકંપમાં ઘરથી બહાર નીકળવાનું હોય છે અને વાવાઝોડામાં પાકા મકાનમાં રહેવાનું હોય છે. રાત્રીનો પણ સમય હોવાથી લોકો પાકા મકાનમાં હતા અને કાચા ઝુંપડામાં રહેતા લોકોને સરકારની સુચનાથી સલામત સ્થળે ખસેડવામાં આવેલ હતા.

રાત્રે ચાલુ વાવાઝોડાએ કોઇ રાહત કાર્ય શક્ય ન હોવાથી વ્‍હેલીસવારે પવનની ઝડપ થોડી ઓછી થતા અમે પહેલું કાર્ય ઉના પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ અને આરોગ્ય આવશ્યક સેવાનુ પ્રશાસન અને વોરરૂમ-કંટ્રોલ રૂમના અધિકારીઓ સાથે જુદાજુદા વિસ્તારમાંથી આવતી મદદની જરૂરીયાત પ્રમાણે જે-તે સ્થળે પહોંચી શકે તે માટે તેમની કચેરીઓથી શહેરમાં જતા રસ્તા ખુલ્લા કરવાનું કાર્ય શરૂ કરેલું હતુ. ત્યારબાદ તા.18 મીએ સવારે ઉના પાસે પશુનો શેડ ધરાશાયી થતાં ત્રણ ગાયો કાટમાળ નીચે દટાઈ હતી ત્યાં પહોંચવા માટે ટીમ રવાના થઇ પરંતુ રસ્તામાં વીજળીના તાર અને વૃક્ષો હટાવવા તાબડતોબ કામગીરી કરી અને ત્રણમાંથી બે ગાયને જીવતી બહાર કાઢી. ત્યાર પછી સીમર ગામે કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના 10 સિલિન્ડર પહોંચાડવાનું મદદ કાર્ય રસ્તા ઉપર પડેલા દૂર કરીને હાથ ધરવામાં આવ્યું હતું.

કમાન્ડર હિમાંશુ બડોલાએ વધુમાં કહ્યું કે વર્ષો પછી વાવાઝોડું આવ્યું છે. અગાઉ વાવાઝોડોની આગાહી થતી પરંતુ 1998 પછી ગુજરાતમાં આવું વાવાઝોડું આવેલું નથી. આ વાવાઝોડામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બાબતમાં ઘણું નવું શીખવા મળ્યું છે.છેલ્‍લા દસ દિવસથી અમારી કુલ 5 ટીમના 130 સભ્યો બચાવની કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...