આંદોલનના મંડાણ:કોડીનાર-ઉના બિસ્‍માર નેશનલ હાઇવેના પ્રશ્ને ડોળાસા વેપારી મંડળના ચક્કાજામને આંદોલનને પાંચ ગ્રામ પંચાયતોએ ટેકો જાહેર કર્યો

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિસ્‍માર હાઇવે પરથી સતત ઉડતી ઘૂળની ડમરી - Divya Bhaskar
બિસ્‍માર હાઇવે પરથી સતત ઉડતી ઘૂળની ડમરી
  • બિસ્‍માર હાઇવેને લઇ વેપારી, ખેડૂતો, દુકાનદારોથી લઇ પ્રજામાં રોષ
  • છેલ્‍લા છ વર્ષથી નેશનલ હાઇવેનું કામ ગોકળગતિએ ચાલુ

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ડોળાસા ગામની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઇવેની ભંગાર બિસ્‍માર સ્‍થ‍િતિને લઇ વેપારીઓ, વાહન ચાલકો, ખેડૂતો, મુસાફરો અને પગપાળા જતા રાહદારી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓને નિંદ્રાઅવસ્‍થામાં હોય હાઇવેમાં પેચવર્ક જેવી રીપેરીંગ કરાવી રહ્યા નથી. જેના લીધે ત્રાસી ગયેલા લોકોની મુશ્‍કેલીને વાંચા આપવાની સાથે હાઇવે ઓથોરીટીના અધિકારીઓની ઢીલી નિતીને ઢંઢોળવા માટે ડોળાસા વેપારી મંડળ દ્રારા આગામી તા.23-10 ના રોજ હાઇવે ચક્કાજામ આંદોલન કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ આંદોલનને ડોળાસા સહિત પાંચ ગ્રામ પંચાયતોએ સંપૂર્ણ ટેકો આપતા વેપારી મંડળનું આંદોલન ઉગ્ર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

સોમનાથથી વાયા કોડીનાર-ડાળાસા થઇ ઉના સુઘી છેલ્લા છ વર્ષથી નેશનલ હાઇવે ઓથોરીટી દ્રારા ફોર ટ્રેક (ચાર માર્ગીય) હાઇવે બનાવવાનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યુ છે. આ હાઇવેના કામ અંર્તગત જ ડોળાસા ગામએ બાયપાસ રોડનું કામ થનાર છે. જેના હાલ કોઈ ઠેકાણા ન હોવાના લીધે કોડીનાર-ઉના વચ્‍ચેનો વાહન વ્‍યવહારના તમામ વાહનો ડોળાસા ગામની મઘ્‍યમાંથી પસાર થતા હાઇવે રસ્‍તા ઉપરથી પસાર થાય છે.

ગામમાંથી પસાર થતો હાઇવે બાર વર્ષ પહેલા બન્યો હોવાથી હાલ તેની સ્થિતિ અતિબિસ્‍માર થઇ ગઇ છે. જેથી આ હાઇવે નવો બનાવવો જરૂરી હોવા છતાં બનાવવામાં આવી રહ્યો નથી. ઉલ્‍ટાનું દિવસભર ભારે મોટા વાહનો પસાર થતા હોવાથી અને ચાલુ સીઝનમાં પડેલ ભારે વરસાદના લીઘે આ હાઇવે પર મસમોટા ખાડા પડી જતા બિસ્‍માર બની ગયા છે. જેના લીધે દિવસભર ઘૂળની ડમરીઓ ઉડતી હોવાથી હાઇવેની બંન્‍ને બાજુના દુકાનો ઘરાવતા વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે.

મસમોટા ખાડાના લીઘે નાના-મોટા વાહનચાલકો પણ ત્રાસી ગયા છે. તેમ છતાં બિસ્‍માર બની ગયેલા હયાત હાઇવેને રીપેર કરવાની તસ્‍દી પણ હાઇવે ઓથોરીટીનું તંત્ર લેતુ નથી. રીપેરીંગના નામે આ હાઇવે પર ખાલી માટી અને કાંકરા નાંખી સંતોષ માની રહ્યુ છે. જ્યારે હાઇવે પર માટી સુકાઇ જાય એટલે દિવસભર ધૂળની ડમરીઓ ઉડવા લાગતા તમામ દુકાનોમાં માટીના ઢેફા થઇ જાય છે. જેનાથી કંટાળી ગયેલા ડોળાસાના વેપારીઓની મુશ્‍કેલીને વાંચા આપવા તથા જવાબદાર અધિકારીઓની ઢીલી નિતીને ઢંઢોળવા માટે ડોળાસા વેપારી મંડળએ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી તાત્‍કાલીક હાઇવેનું ડામરના પેચવર્કથી રીપેરીંગ કામ શરૂ નહીં થાય તો તા.23-10 ના રોજ હાઇવે ચકકાજામ આંદોલન કરવાનું જાહેર કર્યુ છે. આ આંદોલનને ડોળાસા સહિત અડવી, બોડિદર, સોનપરા, ચીખલી ગ્રામ પંચાયતોએ સંપૂર્ણ ટેકો જાહેર કર્યુ છે. જેનાથી રસ્તા રોકો આંદોલન ઉગ્ર બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...