સમાજને નવો રાહ ચીંધ્યો:કોડીનારના બાવાના પીપળવા ગામે પાંચ દીકરીઓએ માતાની નનામીને કાંધ આપી અગ્નિસંસ્કાર કર્યા

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક પણ પુત્ર ન હોય દીકરીઓએ કાંધ આપી પુત્ર ધર્મ નિભાવ્યો
  • અંતિમયાત્રાના ભાવુક દ્રશ્યો નિહાળી ગ્રામજનોમાં ગમગીની પ્રસરી ગઈ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના બાવાના પીપળવા ગામે માતાનું મોત થતા પાંચ દીકરીઓએ માતાની નનામીને કાંધ આપી હતી. તેમજ સ્મશાન સુધી સાથે જઈ અગ્નિસંસ્કાર કરી સમાજમાં નવી રાહ ચીંધી છે. પુત્ર વિહોણી માં ને પાંચ દિકરીઓ હોવાથી પુત્રીઓએ પુત્ર ધર્મ નિભાવતાના ભાવુક દ્રશ્યો નિહાળી ગ્રામજનોમાં ગમગીની પ્રસરી ગઈ હતી.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના નાના એવા બાવા પીપળવા ગામમાં પાંચ પુત્રીઓએ સમાજમાં દિકરીઓ પણ પુત્ર તરીકે ફરજ નિભાવી શકતી હોવાની વાતને સાર્થક કરી બતાવી છે. જે અંગે ગામના અગ્રણી કાનજીભાઈ ચુડાસમાએ જણાવ્યું કે, ગામમાં રહેતા ગાંડાભાઈ રાઠોડ અને તેમની પત્ની નાગલબેન દંપતીને સંતાનમાં પાંચ દિકરીઓ છે જ્યારે એક પણ દિકરો નથી. આ તમામ દિકરીઓ હાલ પરણિત હોવાથી સાસરે છે.

આ દરમિયાન આજે નાગલબેનનું બીમારીના કારણે મૃત્યુ નીપજયું હતું. જેની જાણ કરાતા પાંચેય દિકરીઓ માતાના ઘરે આવી ગઈ હતી. આ સમયે આપણી પરંપરા મુજબ માતા નાગલબેનના અગ્નિ સંસ્કાર કોણ કરશે તે પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે અમારી માતાને કાંધ અને અગ્નિ સંસ્કાર અમો પાંચેય બહેનો આપીશુ તેમ દીકરીઓએ જણાવ્યું હતું. બાદમાં નીકળેલી સ્મશાન યાત્રામાં પાંચેય બહેનોએ માતાની નનામીને કાંધ આપી હતી. બાદમાં સ્મશાન ઘાટમાં પણ બહેનોએ તેમની માતાની અંતિમવિધિ કરી અગ્નિસંસ્કાર કર્યા હતા. આ દ્રશ્યો નિહાળી ગ્રામજનો ભાવુક બની શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં મહિલાઓ સ્મશાને જતી હોતી નથી. પરંતુ અહીં પોતાની માતાને અંતિમ સંસ્કાર કરવા માટે ભાઈ ન હોવાના કારણે આ પાંચેય દીકરીઓએ ધર્મના રિતરીવાજોની આતીઘૂંટી તોડી સ્મશાન પહોંચીને માતાને અગ્નિ સંસ્કાર આપ્યા હતા. આ અંગે દિકરી સંગીતાબેનનું કહેવું છે કે, અમારે ભાઈ નથી અને અમારી માં ને કાંધ અને અગ્નિસંસ્કાર આપવો એ અમારી ફરજ છે. આ દીકરીઓ સ્મશાન પહોંચી હતી. ત્યારે દિકરીઓની આ પહેલને લઈ ગ્રામજનોએ પણ ભારે હૈયે આવકારી હતી.

અન્ય સમાચારો પણ છે...