આદેશની અવગણના:માછીમારોના કન્ઝ્યુમર પંપો પર રીટેલના પંપો કરતા પોણા ત્રણ રૂપિયા મોંઘું ડીઝલ વેચાતા માછીમારો મુશ્કેલીમાં

માંગરોળ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં માછીમારી માટે ખરીદાતા બલ્ક ડીઝલના ભાવમાં ઘટાડો કરી રાહત આપવા માંગ
  • કેન્દ્ર સરકારે કન્ઝ્યુમર પંપો ઉપર રીટેલ પંપોના ભાવે ડીઝલનું વેચાણ કરવા સૂચના આપી હોવા છતાં અમલવારી થતી નથી

રાજ્યમાં માછીમારી માટે વપરાતા બલ્ક ડીઝલની વેચાણ કરતા કન્ઝ્યુમર પંપો ઉપર ડીઝલના ભાવમાં થયેલા તોતિંગ વધારા બાદ અનેક રજૂઆતો પછી ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ હાલ બલ્ક ડીઝલના ભાવ પંપો પર વેચાણ થતા છુટકના ભાવ કરતા વધુ છે. જેથી આ ભાવ તફાવત અંગે માંગરોળની માછીમાર મંડળી દ્વારા રાજય સરકારને રજૂઆત કરી ભાવ ઘટાડવા માંગ ઉઠાવી છે.

રાજ્યના માછીમારો અનેક મુશ્કેલી વચ્ચે મત્સ્યધોગ ટકાવી રાખવા ઝઝુમી રહ્યા છે. ત્યારે ડીઝલના અસહ્ય ભાવવધારાથી માછીમારોની મુશ્કેલી વધી છે. જે અંગે માંગરોળની મહાવીર માછીમાર મંડળીએ મુખ્યમંત્રીને કરેલ રજૂઆતમાં જણાવેલ કે, દેશના વિવિધ બંદરો ઉપર માછીમારી સહકારી સંસ્થાઓના ડીઝલ પંપોને સરકારે કન્ઝ્યુમર પંપોની કેટેગરીમાં રાખેલ છે. આ પંપો પરથી ફિશિંગ બોટોને વિતરીત કરવામાં આવતા બલ્ક ડીઝલના ભાવ નિયમન માટે ચોક્કસ ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે. જે મુજબ ગુજરાતના આ કન્ઝ્યુમર પંપોના ભાવ હાઈવે પરના રીટેલ આઉટલેટ કરતા પ્રતિ લિટર રૂ.3.67 (ટેન્ડર ડિસ્કાઉન્ટ) ઓછા નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ હાલ છેલ્લા કેટલાક મહિનાઓથી ડીઝલના ભાવોમાં થયેલા તોતિંગ ભાવવધારાથી રિટેલ આઉટલેટ કરતા ક્ન્ઝયુમર પંપોને ખૂબ ઊંચા ભાવે ડીઝલ મળતુ હતુ. જે અંગે સમગ્ર રાજ્યમાં માછીમાર સમાજ દ્વારા જુદા જુદા સ્તરે કરેલ રોષપૂર્ણ રજૂઆતો બાદ ભારત સરકાર દ્વારા માછીમારોના કન્ઝ્યુમર પંપોમાં વિશેષ કેટેગરી ઊભી કરી રિટેલ પંપોના ભાવના લેવલે માછીમારોને ડીઝલ વિતરણ થાય તેવો આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતુ.

પરંતુ આ સુચનાને નજર અંદાજ કરી ઓઈલ કંપનીઓએ રીટેલ પંપોથી પણ વધારે ભાવ રાખવાનો આગ્રહ રાખેલ હોવાના પરિણામે આજે રિટેલ આઉટલેટ ઉપર ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂ.100.69 છે. જ્યારે ફિશરીઝ કન્ઝ્યુમર પંપનો ભાવ રૂ.103.10 જેવો છે. જેથી માછીમારોને ડીઝલ રૂ.2.41 જેટલા ઉંચા ભાવે ડીઝલ મળી રહ્યુ છે. આ ઉપરાંત નક્કી કરાયેલ ટેન્ડર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવતું નથી. જેના લીધે પ્રતિ લિટરે ડીઝલ રૂ.6 જેટલું મોંઘુ મળી રહ્યુ છે. મોંઘવારીના સમયમાં માછીમારો અને મત્સ્યોધોગ અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યાં હોવાથી આ બાબતે વ્હેલીતકે ઘટતી કાર્યવાહી કરી ડીઝલના ભાવ ઘટાડી રાહત આપવા અંતમાં માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...