રાહત:રાજ્યના માછીમારોને દરિયો ખેડવા જવા માટે GFCCA મારફત અગાઉની માફક રાહત દરે ડીઝલ મળી રહેશે

વેરાવળ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્‍મક તસ્‍વીર - Divya Bhaskar
પ્રતિકાત્‍મક તસ્‍વીર
  • ફીશરીઝના અધિક સચિવ, કમિશનર અને રજિસ્ટારે ઓઈલ કંપનીના પ્રતિનિધિ સાથે કરેલી બેઠકમાં નિર્ણય લેવાયો
  • નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ના થાય ત્યાં સુધી માછીમારોને પ્રતિ લીટર 3 રૂપિયા 67 પૈસાનું ડીસ્કાઉન્ટ મળશે

દરિયાખેડૂઓને માછીમારી કરવા માટે દરિયામાં જવાનો સમય નજીક આવી ગયો હોવા છતાંય તેમને ડીઝલ આપવાના ભાવ નક્કી કરવા માટે ટેન્ડર બહાર પડયુ ન હોવાથી મુંઝવણભરી પરિસ્‍થ‍િતિ સર્જાય હતી. જેનો અંત લાવવા ફીશરીઝ વિભાગના અઘિક સચિવ નલીન ઉપાઘ્‍યાયે GFCCA અને બંન્‍ને ઓઇલ કંપનીઓના પ્રતિનિઘિઓ સાથે બેઠક કરી હતી. જેમાં જયાં સુઘી ટેન્‍ડર પ્રક્રીયા પુર્ણ ન થાય ત્‍યાં સુઘી માછીમારોને 3.67 ના ડીસ્‍કાઉન્‍ટ સાથે ડીઝલ આપવાનો નિર્ણય કરાયો હતો. જે બંન્‍ને ઓઇલ કંપનીઓએ સ્‍વીકાર્યો હતો.

માછીમારોની દરિયો ખેડવાની સીઝન 1 લી સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે. ત્યારે માછીમારોને કયાં ભાવથી ડીઝલ મળી રહેશે તે સ્‍પષ્‍ટ ન થયુ હોવાથી પોરબંદર, વેરાવળ સહિતના દરીયા કાંઠાના હજારો માછીમારો મુંઝવણભરી પરિસ્‍થ‍િતિમાં મુકાયા હતા. રાજય સરકાર વ્‍હેલીતકે ડીઝલના ભાવ જાહેર કરે તેવી માછીમારો માંગ કરી રહયા હતા. જેથી તાજેતરમાં ગાંઘીનગર ખાતે ફીશરીઝ વિભાગના અઘિક સચિવ નલીન ઉપાઘ્‍યાયના અઘ્‍યક્ષ સ્‍થાને એક બેઠક મળી હતી. જેમાં ફીશરીઝ કમીશ્‍નર પટેલ, રજીસ્‍ટાર દેસાઇ, GFCCAના એમ.કે.વ્‍યાસ, ઇન્‍ડીયન ઓઇલના અઘિકારી અન્‍નાદુરાઇ, અરવિંદકુમાર, ન્‍યારા એનર્જીના પ્રતિનિઘિ તરીકે હાજર રહયા હતા.

બેઠકમાં અઘિક સચીવ નલીન ઉપાઘ્‍યાયએ ઓઇલ કંપનીના અઘિકારીઓને જણાવેલ કે, જુના ટેન્‍ડરની જોગવાઇ મુજબ માછીમારો દ્રારા ખરીદાતા ડીઝલ પર પ્રતિ લીટર રૂ.2.28 નું ડીસ્‍કાઉન્‍ટ અપાતુ હતુ. પરંતુ નવા ટેન્‍ડર મુજબ આઇ.ઓ.સી.એલ. તરફથી જીએેસઆરટીસીના નિગમને રૂ.3.67 નું પ્રતિ લીટર ડીસ્‍કાઉન્‍ટ આપવામાં આવેલ છે. ત્‍યારે માછીમારોની રોજગારી અને વર્તમાન કોરોનાની પરિસ્‍થ‍િતિને ઘ્‍યાને રાખી GSRTCને આપવામાં આવેલ ડીસ્‍કાઉન્‍ટ નવી ટેન્‍ડર પ્રક્રીયા પુર્ણ ન થાય ત્‍યાં સુઘી ફકત માછીમારોને ડીઝલ પુરુ પાડતી GFCCA સંસ્‍થાને પણ આપવામાં આવે તેવી વિનંતી કરી હતી. જેને બંન્‍ને ઓઇલ કંપનીના અઘિકારીઓએ ચર્ચાઓ કરી સ્‍વીકારી હતી. આમ, રાજય સરકારના ફીશરીઝ વિભાગના ઉચ્‍ચ અઘિકારીઓની સંવેદનશીલ કામગીરીથી લાખો માછીમારો માટે કપરા સમયમાં રાહતના સમાચાર આવ્‍યા છે.

અત્રે નોંઘનીય છે કે, માછીમારોને મત્સ્યઉદ્યોગની 32 જેટલી સહકારી મંડળીઓના માધ્યમથી રાહત દરે ડીઝલની સપ્લાય મળે છે. 32 માંથી 18 સહકારી મંડળીઓ ગુજરાત ફિશરીઝ સેન્ટ્રલ કો ઓપરેટીવ એસોસીયેશન સાથે સંકળાયેલી છે. જયારે બાકીની 14 સહકારી મંડળીઓ ખાનગી એસોસીયેશનોની છે. આ 32 મંડળીઓ વતી ગુજરાત ફીશરીઝ સેન્ટ્રલકો ઓપ.એસો. ટેન્ડરની પ્રક્રિયા કરે છે. આ વર્ષે ટેન્ડરની પ્રક્રિયા ચાલી રહી હોવાથી રાહતના દર જાહેર થયા નથી. આ અગાઉ સને.2016 થી 2021 સુઘી પાંચ વર્ષના સમયગાળા માટે થયેલ ટેન્‍ડર પ્રક્રીયામાં પ્રતિ લીટર દીઠ રૂ.2.28 ની રાહત માછીમારોને મળતી હતી. આ ટેન્ડરની મુદત ચાલુ વર્ષે પૂરી થઈ ગઈ હોવાથી નવા ટેન્‍ડરની પ્રક્રીયા ચાલી રહી છે.