આગામી રાજયની વિઘાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી હોવાથી રાજકીય પક્ષોએ કમર કસી છે. જે અંર્તગત સમાજો, સંસ્થાઓ સાથે બેઠકો તથા આંતરિક સર્વે સાથે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પક્ષોએ પોતાના નેતાઓને જીલ્લા-તાલુકાના પ્રવાસો કરી વિગતો જાણવા સુચના આપી છે. જેમાં ગીર સોમનાથ જીલ્લાના પ્રવાસે આવેલા ભાજપના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ સ્થાનિક સંગઠનના પદાઘિકારી-કાર્યકરો, જુદા-જુદા સમાજો તથા સંસ્થાઓ સાથે બેઠકો કરી હતી. જેમાં શહેરના સૌથી મોટા સમાજ અને વેપારના કેન્દ્રબિંદુ એવા માછીમાર સમાજના પ્રશ્નો જાણવા માટે સાંસદે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સમાજ, ભિડીયા ખારવા સમાજના આગેવાનો અને માછીમાર સંસ્થાના પ્રતિનિઘિઓ સાથે બેઠક કરી હતી. જેમાં માછીમારી માટેનો ડીઝલનો કવોટા વધારવા, 100 ટકા વેરામુકત ડીઝલ આપવા, કિશાન કેડીટ કાર્ડની લોન મર્યાદા વધારવા જેવા માછીમારોને સ્પર્શતા દસેક મુદાના પ્રશ્નોની વિસ્તારપૂર્વક રજુઆત કરી હતી.
સરકાર આગળ ન આવે તો લાખો લોકો બેરોજગાર થવાની ભીતિ
આ અંગે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, સાંસદ સમક્ષ માછીમારોની વેદના અને મૃતપ્રાય સ્થિતિ તરફ ઘકેલાઇ રહેલ મત્સ્યઘોગને બચાવવા સરકાર આગળ નહીં આવે તો લાખો લોકો બેરોજગાર બની જશે. જેની ગંભીરતા રાખી માછીમારો માટે મુશ્કેલી સર્જતા દસેક મુદાઓનું ઝડપી નિકાલ લાવવા માંગ કરી છે. જેમાં દરિયો ખેડવા માટે માછીમારો દ્રારા ખરીદાતા ડીઝલ ઉપર સબસીડી આપવાની યોજના શરૂ થઈ ત્યારથી એક જ કવોટો હોય જેને ઘણા વર્ષો થયા હોવાથી વઘારો કરવો જરૂરી છે. કારણ કે, ગુજરાતની સામે અન્ય રાજયોમાં કવોટામાં સમયાંતરે વધારો કરાતો હોવાથી ત્યાં 35 થી 70 હજાર લીટરનો કવોટા છે. જયારે કવોટા નિર્ધારીત કરવામાં આવેલ ત્યારે દસેક દિવસની ફીશીંગ ટ્રીપ હતી જયારે હાલ વીસેક દિવસની ટ્રીપ થઇ હોય જેને ઘ્યાને લઇ કવોટો વઘારો આવશ્યક છે. અગાઉ જેમ ડીઝલ ઉપર 100 ટકા વેટ રીફંડ આપવામાં આવતું પરંતુ થોડા સમયથી પ્રથા બદલી લીટર દીઠ રૂ.15 આપવાનું શરૂ કરેલ છે. જે મુશ્કેલી ઉભી કરી રહી હોવાથી આ બાબતે મુખ્યમંત્રી સાથે થયેલ મીટીંગમાં ઘટતુ કરવાની સુચના આપેલ જે અંગે આજદીન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી.
કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા વધારી 10 લાખ કરવા માગ
વઘુમાં સાગરખેડૂઓની આર્થિક ડામાડોળ પરિસ્થિતિથી વાકેફ પ્રઘાનમંત્રી મોદીએ કિસાન ક્રેડીટ કાર્ડમાં સાગરખેડૂઓનો સમાવેશ કરી રૂ. બે લાખ સુધીની લોન આપવા બેંકોને આદેશ કરેલ છે. પરંતુ માછીમારોને પોતાની બોટ તૈયાર કરવા માટે બંધ સીઝન દરમિયાન ખલાસીઓના ડીપોઝીટ, નવી જાળ, ડીઝલ અને રીપેરીંગના કામકાજ માટે અંદાજે રૂ.10 લાખ જેવો ખર્ચ થતો હોવાથી કોવિડના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલ માછીમારો માટે કિસાન ક્રેડીટ કાર્ડમાં ઘિરાણની મર્યાદા 10 લાખ સુઘી વઘારી આપવી જોઇએ. ઓ.બી.એમ. ફાઇબર હોડીના વપરાશ માટે ખરીદવામાં આવતા કેરોસીન ઉપર લીટરદીઠ રૂ.25 ની રાહત આપવામાં આવે છે. જે રૂ.50 કરવી જરૂરી છે. આવી જ રીતે હોડીઓ માટેનો કેરોસીનનો નિર્ઘારીત 150 લીટર કવોટામાં પણ વઘારો કરી 450 પ્રતિ માસ કરવાની જરૂરીયાત છે. માછીમારોની ઓબીએમ એન્જીન ખરીદી પરની બાકી નીકળતી સહાય ઘણા સમયથી બાકી હોવાથી સત્વરે ચુકવી જોઇએ.
વઘુમાં છેલ્લા ત્રણ વર્ષમાં આવેલ વાવાઝોડા, કોરોના જેવી કુદરતી આફતોના કારણે માછીમારો આર્થિક સંકડામણમાં ફસાયા હોવાથી મત્સ્યઘોગ પણ મૃતપાય સ્થિતિ તરફ ઘકેલાય રહ્યો છે. જેનાથી વાકેફ કરાવવા સરકારમાં વિવિઘ સ્તરે અનેકવાર રજૂઆતો કરેલ હોવા છતા હજુ સુઘી કોઇ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે માછીમારોના પ્રશ્નોને ગંભીરતાથી લઇ ઝડપી નિર્ણયો લેવામાં આવે તેવી માછીમાર સમાજની સરકાર પાસે અપેક્ષા છે. આ બેઠકમાં જીલ્લા ભાજપ પ્રમુખ માનસીંહ પરમાર, શહેર પ્રમુખ દેવાભાઇ ઘારેચા, પૂર્વઘારાસભ્ય જશાભાઇ બારડ, રાજશીભાઇ જોટવા સહિતના સાથે રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.