ગ્રાઉન્ડ રિપોર્ટ:રોપવેમાંથી ગઢ ગિરનારનો પહેલો નજારો, નીચે લીલુંછમ ઘેઘૂર જંગલ, ભવનાથથી અંબાજી મંદિરે પહોંચતાં 8 મિનિટ લાગશે

જૂનાગઢ2 વર્ષ પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • દર 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે
  • લોકો ગિરનાર આવવા માટે આકર્ષાશે અને સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે- ઉષા બ્રેકોના મેનેજિંગ ડિરેક્ટર

આજે ગિરનાર ટેમ્પલ રોપવેનું ઇ-લોકાર્પણ થવાનું હતું, હું સવારે જૂનાગઢ પહોંચી ગયો. જૂનાગઢમાં રોપવેને લઇને એક અલગ ઉત્સાહ જોવા મળ્યો. હું ભવનાથ તળેટી કે જ્યાંથી અંબાજી મંદિર સુધીનો 2.3 કિ.મી.નો રોપવે રૂટ છે, ત્યાં પહોંચ્યો. જ્યાં 25 જેટલી ટ્રોલી જોઇ. પૂછપરછ કરીને જાણ્યું કે આ લોકાર્પણ થયા બાદ આ ટ્રોલી દર 36 સેકન્ડે ઊપડશે અને ચાલીને જે અંતર કાપતાં 5 કલાક થાય છે એ અંતર માત્ર 8 મિનિટમાં હું કાપી શકીશ. વડાપ્રધાને ઇ-લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપવેમાં મુસાફરી કરી અને બપોરે 3 વાગ્યે મને રોપવેમાં બેસવાનો મોકો મળ્યો. એક ટ્રોલીમાં 8 લોકો બેસી શકે એટલી જગ્યા પણ અમે સોશિયલ ડિસ્ટન્સ સાથે 4 લોકો બેઠા. તળેટીથી ટ્રોલી પોતાના ગંતવ્ય સ્થાન તરફ આગળ વધી. જેમ-જેમ ટ્રોલી આગળ વધતી ગઇ એમ ગિરનારનો અલૌકિક નજારો જોવા મળ્યો. જે ભાગ્યે જ આ રીતે જોવા મળે. નીચે લીલુંછમ ઘેઘૂર જંગલ. ધરતીએ જાણે કે લીલીછમ ચાદર ઓઢી ન હોય તેવાં દૃશ્યો....8 મિનિટમાં હું ગિરનાર પર્વત પર પહોંચ્યો. આ 8 મિનિટમાં મેં ગિરનારનું એ દૃશ્ય મારી આંખે જીવંત નિહાળ્યું, જે કોઇ વિડિયોમાં દર્શાવવામાં આવે છે....

જનતા માટે રોપવે કાલથી ખુલ્લો મૂકવામાં આવશે
રોપવેમાં અત્યારે 25 ટ્રોલી કાર્યરત કરવામાં આવી છે, જેમાંથી એક ટ્રોલીમાં DivyaBhaskarની ટીમ સવાર થઈને આપને આ LIVE નજારો બતાવી રહી છે. નીચે લીલુંછમ ઘેઘૂર જંગલ દેખાઈ રહ્યું છે. ઘેઘૂર જંગલ પરથી તમે માત્ર 8 મિનિટમાં જ મા અંબાજીનાં દર્શન કરવા માટે પહોંચી શકશો. એશિયાના સૌથી મોટા ગિરનાર રોપવેને આજથી શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ જનતા માટે કાલથી ખુલ્લો મૂકવામાં આવશે.

ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી રોપવેની સુવિધા.
ભવનાથ તળેટીથી અંબાજી મંદિર સુધી રોપવેની સુવિધા.

ગિરનાર રોપવેનો પ્રારંભ આપણા માટે ગૌરવની ક્ષણ છે- ઉષા બ્રેકોના મેનેજિંગ ડિરેક્ટર
ટ્રોલીમાં બેસવાની વાર હતી ત્યારે ઉષા બ્રકોના મેનેજિંગ ડિરેક્ટર અપૂર્વ જાવર સાથે વાત કરવાની તક મળી. તેમણે જણાવ્યું, ગિરનાર રોપવેનો પ્રારંભ આપણા સૌના માટે ગૌરવની ક્ષણ છે. રોપવેના કારણે ગિરનાર પહોંચવાનો સમય કેટલાક કલાકનો બદલે 10 મિનિટથી પણ ઓછો થઇ ગયો. આ કારણે યાત્રિકો માટે ગિરનારની યાત્રા ખૂબ જ સરળ બની રહેશે અને વધુ લોકો ગિરનાર આવવા માટે આકર્ષાશે અને સૌરાષ્ટ્રમાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.

રોપવેમાંથી આવો લાગે છે ગિરનારનો નજારો.
રોપવેમાંથી આવો લાગે છે ગિરનારનો નજારો.

9,999 પગથિયાં ચઢતાં 5-6 કલાક લાગે છે
ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવે દ્વારા આશરે 8 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર સુધીના 9,999 પગથિયાં ચઢતાં 5-6 કલાક લાગે છે, જેમાંથી અંબાજી માતાના મંદિર સુધીના એટલે કે 5500 પગથિયાં સુધીનું અંતર રોપવેથી કાપી શકાશે.

ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે.
ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે.

ગિરનાર રોપવેના રૂટમાં 9 ટાવર ઊભા કરવામાં આવ્યા
2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગિરનાર રોપવેના રૂટ પર 9 ટાવર ઊભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 8 મિનિટ ઉપર પહોંચતા થશે. 800 મીટરની ઊંચાઇ સુધી લોકો જઈ શકશે. દર 36 સેકન્ડે ટ્રોલી ઊપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે. હાલ અંબાજીએ પગપાળા પહોંચતાં સરેરાશ ચાર કલાકનો સમય લાગી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...