હાશકારો:પહેલા શિવ, હનુમાન મંદિર તોડવા નોટિસ આપી, પછી અટકાવી દેવાઇ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી ટાણે જ હિન્દુ ધર્મસ્થાનને દૂર ખસેડવાની રેલવેની નોટિસથી શહેરભરમાં ખળભળાટ મચ્યો 'તો
  • સાંસદની રજૂઆત બાદ ધર્મસ્થાનોને દૂર કરવાની કામગીરી હાલ પૂરતી સ્થગિત કરાતા સર્વત્ર હાશકારો અનુભવાયો

જૂનાગઢના રેલવે સ્ટેશન પાસે આવેલા વર્ષો જૂના હિન્દુ ધર્મસ્થાનોકે દૂર કરવાની રેલવેએ નોટિસ ફટકારતા શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ખાસ કરીને હાલ વિધાનસભાનીચૂંટણીના ટાણે જ આ નોટિસ અપાતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. જોકે, આ અંગે સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. બાદમાં આ મામલે કાર્યવાહી હાલ પૂરતી સ્થગિત કરવાનો રેલવેએ નિર્ણય કરતા લોકોનો રોષ ઠંડો થયો હતો. આ અંગે મળતી વિગત મુજબ શહેરના રેલવે સ્ટેશન પાસે ચૈતન્ય હનુમાન મંદિર તેમજ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.

હજ્જારો લોકોની આસ્થાના પ્રતિક એવા વર્ષો જૂના આ મંદિરોને માત્ર 10 દિવસમાં હટાવી લેવા રેલવે વિભાગે નોટિસ ફટકારી હતી. સાથે જણાવ્યું હતું કે, આ મંદિરો બનાવી રેલવેની જમીન પર અનઅધિકૃત રીતે કબ્જો કરાયો છેે. જો દિવસ 10માં મંદિરો હટાવવામાં નહિ આવે તો રેલવે વિભાગ તેમના નિયમ મુજબ કાર્યવાહી કરશે. આ અંગેની જાણ થતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

એમાંપણ વિધાનસભાની ચૂંટણીના ટાણે જ આ નિર્ણય લેવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ નોટિસના પડઘા સોશ્યલ મિડીયામાં પડ્યા હતા. લોકોએ આ નોટિસ સામે સખ્ત વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે જૂનાગઢના સાંસદનું પણ ધ્યાન દોરાયું હતું. બાદમાં સાંસદે રેલવેના ઉચ્ચ અધિકારી સાથે વાત કરી મંદિર દૂર કરાવવાની કાર્યવાહી હાલ પુરતી સ્થગિત કરાવી છે. આમ, રેલવે વિભાગ દ્વારા હાલ પુરતી કોઇ કાર્યવાહી ન કરતા લોકોનો ગુસ્સો શાંત થયો હતો.

શું કહે છે સાંસદ? : આ અંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે, વર્ષો જૂના મંદિરને દૂર કરવાની નોટિસ અપાઇ હોવાની બાબતે સ્થાનિક લોકોએ મારૂં ધ્યાન દોરી મને આ મામલે મધ્યસ્થી કરવા જણાવ્યું હતું. બાદમાં ભાવનગર રેલવેના ડીઆરએમ સાથે વાત કરી મંદિરોને દૂર કરાવવાની કામગીરી સ્થગિત કરાવી છે.

નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્થિતી જૈસે થે : રેલવેના અધિકારીએ જણાવ્યું હતું કે, અમે નોટિસ આપી હતી. જોકે ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ તો નોટિસ સ્વિકારી ન હતી. માટે કાર્યવાહી કરાઇ ન હતી. હવે જ્યાં સુધી અમારા ઉચ્ચ અધિકારી દ્વારા નવો આદેશ ન થાય ત્યાં સુધી કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે અને જૈસે થે સ્થિતી રહેશે.

તમામ ધર્મસ્થાનો માટે સરખો નિયમ હોવો જોઇએ: જો વિકાસના કામમાં ધર્મસ્થાનો નડતા હોય તો તેને દૂર કરવા જોઇએ પરંતુ આ નિયમ તમામ ધર્મસ્થાનોમાં સરખો લાગુ પડવો જોઇએ. અન્ય ધર્મસ્થાનો સામે આંખ મિચામણાં યોગ્ય નથી. એવા કેટલાય સ્થાનો છે કે જ્યાં રેલેના પાટાની પાસે જ નહિ રેલવેના પ્લેટ ફોર્મ ઉપર પણ ધાર્મિક સ્થાનો છે. ત્યાં કેમ રેલવેને પેશકદમી નહિ દેખાતી હોય?જ્યારે આ મંદિર તો રેલવે સ્ટેશનની બહાર છે. - ખીમજી રામ.

મંદિર પાસે તમામ ડોક્યુમેન્ટ છે : આશરે 35 વર્ષ પહેલાથી આ મંદિરો છે જેનું નિર્માણ રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓએ કર્યું હતું. વર્ષોથી ડીઆરએમ વેસ્ટર્ન રેલવેના હનુમાન મંદિરના નામનું લાઇટ બિલ આવે છે. પૂજારી પાસે રેલવે પોલીસની એનઓસી પણ છે. આમ, મંદિર પાસે તમામ ડોક્યુમેન્ટ છે. ત્યારે અચાનક 35 વર્ષે કેમ નોટિસ
ફટકારાઇ છે? - લલીત પણસારા, મંજુલાબેન પણસારા.

અન્ય સમાચારો પણ છે...