હુતાશણી સૌપ્રથમ ગીરનાર પર્વત પર અંબાજી મંદિરે હોળી પ્રગટે અને પછીજ આખા શહેરમાં હોલિકા દહન થાય એવી જૂનાગઢની પરંપરા છે. જે મુજબ, સમી સાંજે અંબાજી મંદિરે પૂજા કરીને હોળી પ્રગટાવવામાં આવી હતી. આ તકે સેંકડો ભાવિકો ઉપસ્થિત હતા. અને બધાએ ઉદયન પીઠ ખાતેની આ હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે અંબાજીને ખાસ પતાસાંના હારડાનો શણગાર કરાયો હતો. અને હોળી નિમીત્તે ધાણી, દાળિયા, ખજૂર, પતાસાંનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.
અંબાજી મંદિરે હોળી પ્રગટ્યાની તસવીરો હવે તો સોશ્યલ મીડિયામાં તુરંત વાયરલ થતી હોઇ લોકોને પોતપોતાના વિસ્તારોમાં હવે હોળી પ્રગટાવવાની છે એવો સંકેત પહોંચી જતો હોય છે. જોકે, પહેલાં લોકો અગાશીમાં ચઢીને અંબાજી મંદિરે હોળી પ્રગટે તેની વાટ જોતા. અને જેવી હોળીની જ્વાળાનાં દર્શન થાય એટલે જયજયકાર સાથે પોતાના વિસ્તારમાં હોળી પ્રગટાવતા.
આ સાથે ઉપલા દાતાર ખાતે પણ હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તો શહેરમાં ઠેકઠેકાણે હોળી પ્રગટાવાઇ હતી. છેલ્લા કેટલાંક વર્ષોથી હોળીમાં ધાણી, નાળિયેર ઉપરાંત કપૂર સહિતની ઔષધિ પણ પધરાવી તેના પર્યાવરણીય લાભો મેળવવાની ઝૂંબેશ પણ સ્વયંભૂ શરૂ થઇ છે. તસવીર: મેહુલ ચોટલીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.