માગ:ટીવી સ્ટેશન વાળી જગ્યામાં રવિવારી-ગુજરી બજાર ભરો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઝીયાણી બાગમાં ભરાતી ગુજરી બજાર જયારે ભરાઇ ત્યારે માનવ મહેરામણ ઉમટ્યો હોઇ  એવી સ્થિતી હોય છે. હજ્જારોની સંખ્યામાં લોકો આવે એટલે વાહનો પણ તેટલા પાર્ક થાય છે તેના કારણે આજુબાજુનાં રસ્તા ઉપર વાહનોની કતારો લાગે છે. - Divya Bhaskar
હાઝીયાણી બાગમાં ભરાતી ગુજરી બજાર જયારે ભરાઇ ત્યારે માનવ મહેરામણ ઉમટ્યો હોઇ એવી સ્થિતી હોય છે. હજ્જારોની સંખ્યામાં લોકો આવે એટલે વાહનો પણ તેટલા પાર્ક થાય છે તેના કારણે આજુબાજુનાં રસ્તા ઉપર વાહનોની કતારો લાગે છે.
  • હાલ હાઝીયાણી બાગ પાસે બજાર ભરાય છે જ્યાં સાંકડી જગ્યાના કારણે ટ્રાફિક જામ, અકસ્માતના બનાવો બને છે

જૂનાગઢના હાઝીયાણી બાગ ખાતે ભરાતી રવિવારી-ગુજરી બજારમાં ભીડ વધી રહી છે. જ્યારે આ જગ્યા હવે સાંકડી પડી રહી છે. પરિણામે ટ્રાફિકજામ થવા સાથે અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે રવિવારી- ગુજરી બજારને ટીવી સ્ટેશન પાસેની ખાલી જગ્યા ફાળવવી જોઇએ તેવી લોકોમાં માંગણી ઉઠી છે.

જૂનાગઢના હાઝીયાણી બાગ ખાતે દર રવિવારે બજાર ભરાય છે. રવિવારી કે ગુજરી બજાર તરીકે ઓળખાતી આ બજાર સામાન્ય, મધ્યમ પરિવારના લોકો માટેનો મોલ ગણાય છે. કારણ કે, એક જ જગ્યાએ લગભગ દરેક પ્રકારની ગૃહઉપયોગી ચિજ વસ્તુ મળી રહે છે. એટલું જ નહિ અન્ય બજારો કરતા અનેક ધણી સસ્તી વસ્તુ પણ મળી રહે છે.

પરિણામે દર રવિવારે હાઝીયાણી બાગ ખાતે ભરાતી રવિવારી- ગુજરી બજારમાં લોકોની ભીડ ઉમટી પડે છે જેના કારણે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. રવિવારે મેળા જેવો માહોલ હોય છે. ત્યારે લોકોનો સસ્તી વસ્તુ મળવા સાથે અનેક નાના ધંધાર્થીને રોજીરોટી મળી રહે છે.

જોકે, હવે લોકોની ભીડ વધી રહી છે. સામે જગ્યા ટૂંકી પડી રહી છે. પરિણામે ધંધાર્થીઓ રોડ નજીક આવી જાય છે જેથી ખરીદી માટે આવતા લોકો રોડની બાજુમાં જ વાહનો પાર્ક કરી દે છે.જેના કારણે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. ક્યારે ભીડ, આડેધડ પાર્ક કરેલા વાહનોના કારણે નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે.

ત્યારે અનેક પરિવારોને રોજી રોટી પૂરી પાડતી રવિવારી -ગુજરી બજારને હવે આ જગ્યાને બદલે નજીકના જ અન્ય સ્થળે ફેરવવાની લોકોમાં માંગણી ઉઠી છે. ખાસ કરીને જ્યાં અગાઉ ટીવી રીલે કેન્દ્ર હતું તે જગ્યા અને તેની પાસેનું વિશાળ મેદાન સાવ ખાલી પડેલું છે. ત્યારે આ જગ્યા જો રવિવારી- ગુજરી બજાર માટે એક દિવસ- રવિવાર પુરતી ફાળવી આપવામાં આવે તો ધંધાર્થીને તેમજ ગ્રાહકોને સગવડતા મળી રહેશે. ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા, અકસ્માતો વગેરે ઘટાડી શકાશે.

આ જગ્યાનો સદ્ઉપયોગ થશે
હાલ ટીવી સ્ટેશન બંધ હોય તેની પાસેની વિશાળ જગ્યા ખાલી પડી છે. ત્યારે જો તે જગ્યા રવિવારી- ગુજરી બજાર માટે ફાળવાય તો આ જગ્યાનો સદુપયોગ થશે. અગાઉ આ જગ્યાએ કોર્ટ બિલ્ડીંગ બનાવવા નું હતું. પરંતુ તે જગ્યા કોર્ટ માટે ટૂંકી પડે તેમ હતી. બાદમાં જૂની સિવીલ હોસ્પિટલ ખાલી થતા ત્યાં કોર્ટ બિલ્ડીંગ બનાવવા રજૂઆતો કરાઇ હતી. હવે જૂની સિવીલમાં જ નવું કોર્ટ બિલ્ડીંગ બનવાનું છે. ત્યારે આ ટીવી સ્ટેશન વાળી પડતર સરકારની જમીન જો ગુજરી બજાર માટે ફાળવી દેવાય તો જગ્યાનો સદુપયોગ થશે. > અમૃતભાઇ દેસાઇ, લઘુ ઉદ્યોગ ભારતી પ્રમુખ.

કોરોનાની ગાઇડ લાઇનનું પાલન થઇ શકશે
હજુ કોરોનાની મહામારી ગઇ નથી. ત્યારે લોકો વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવું બહુ જ જરૂરી બની ગયું છે. પરંતુ હાઝીયાણી બાગ પાસે જગ્યા નાની હોય ભીડ વધતા સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું નથી. ત્યારે ટીવી સ્ટેશન પાસેનું મેદાન પણ ફાળવી દેવાય તો સોશ્યલ ડિસ્ટન્સ પણ જાળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...