જૂનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં રહેતી એક મહિલાએ પ્રેમ લગ્ન કર્યા હતા. બાદ તેના પતિને અન્ય મહિલા સાથે આડાસંબંધ હોવાની જાણ થતા પત્ની પતિને સમજાવતા માર મારી કાઢી મૂકી ત્રાસ આપતો હતો. જેથી કંટાળી ગયેલી પત્ની આપઘાત કરવાનું નક્કી કરી જઈ રહી હતી, જેની જાણ થતા 181 અભયમ હેલ્પલાઈનની ટીમે દોડી જઈ કાઉન્સેલિંગ કરી આપઘાત કરે તે પૂર્વે જ બચાવી લીધી હતી.
કેશોદ પંથકની એક યુવતીએ પરિવારના સભ્યોની ઉપરવટ જઈને એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા અને લગ્ન જીવન દરમિયાન તેણીએ એક બાળકીને જન્મ આપ્યો હતો. પરંતુ તેના પતિને અન્ય મહિલા સાથે આડોસંબંધ હોવાની શંકા જતા પત્નીએ મોબાઈલ રેકોર્ડીંગ ચેક કરતા તેનું પ્રુફ મળી આવ્યું હતું. જેને લઈ મહિલાએ તેના પતિને સમજાવતા તેના પતિએ તેને માર મારી 'મારે તું નથી જોઈતી, મારે તે મહિલાને ઘરમાં બેસાડવી છે' તેમ કહી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. આમ પતિના ત્રાસથી કંટાળી ગયેલ પત્ની આપઘાત કરવાનું નક્કી કરી રૂમમાં ગઇ હતી તે સમયે તેનો પતિ બાળકીને લઈ બહાર જતો રહ્યો હતો.
આ દરમિયાન કોઈએ 181 મહિલા હેલ્પલાઈન ટીમને જાણ કરતા અભયમ હેલ્પલાઇનની ટીમ સ્થળ પર દોડી આવી હતી. બાદમાં પરિણીતાનું કાઉન્સેલીંગ કરી સમજાવટ કરી પુછપરછ કરી હતી. જેમાં પરિણીતાએ જણાવેલું કે, તેણે લવ મેરેજ કર્યા હોવાથી તેના પિયર પક્ષના કોઈ વ્યક્તિ તેની સાથે બોલતા નથી. આથી કંટાળી જઈ આપઘાત કરવાનો વિચાર કર્યો હતો. બાદમાં અભયમ ટીમએ પતિને ફોન કરતા તેણે ઉપાડ્યા ન હતા. અને મહિલાને ત્યાં રહેવું ન હોવાથી તેને લાંબા ગાળાના કાઉન્સેલીંગ માટે જૂનાગઢ ઓએસસી સેન્ટર ખાતે મોકલવામાં તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.