જોખમ:તાઉ-તે વાવાઝોડું ત્રાટકશે તો વેરાવળ બંદરના દરિયામાં લાંગરેલ 3 હજારથી વઘુ બોટોની જળસમાધિ થવાની ભિતીથી માછીમાર સમાજ ચિંતામાં ગરકાવ

વેરાવળ5 મહિનો પહેલા
  • બંદરમાં બોટો પાર્કીગ કરવાની ક્ષમતા ઓછી હોવાથી માછીમારોને નાછુટકે દરિયામાં બોટો-હોડીઓ લાંગરવી પડે છે

તાઉ-તે વાવાઝોડા ત્રાટકવાની દહેશતના પગલે વેરાવળ બંદરના બારાના દરિયામાં લાંગરેલ 3 હજારથી વઘુ ફિશીંગ બોટો પર મોટુ જોખમ ઉભુ થયુ છે. જેના પગલે માછીમાર સમાજમાં ભારે દહેશત જોવા મળી રહી છે. વેરાવળ બંદરના બારાના દરિયામાં રહેલ ફિશીંગ બોટો અને હોડીઓને કાંઠા પર ચડાવવા ક્રેઇનની મદદથી યુદ્ધના ઘોરણે કામગીરી માછીમાર આગેવાનો દ્વારા હાથ ધરવામાં આવી છે. જો વાવાઝોડુ વેરાવળ બંદરના દરિયામાં હિટ કરશે તો ફિશીંગ બોટો અને હોડીઓ મોટાપ્રમાણમાં નેસ્‍ત નાબુદ શક્યતાથી માછીમારોના જીવ તાવળે ચોટી ગયા છે.

1700 બોટો પાર્કીગ થઇ શકે તેટલી જ ક્ષમતા
તાઉ-તે વાવાઝોડુ જેમ વેરાવળના દરિયાકાંઠા નજીક આવી રહ્યુ છે. તેમ તેમ અત્રેના દરિયામાં અસર વર્તાવવાનું શરૂ થયુ હોય તેમ ભારે કરંટ જોવા મળ રહ્યો છે. દરિયાના મહાકાય મોજાઓની થપાટ વેરાવળ બંદરની જેટ પર ટકરાતી જોવા મળે છે. આ પરિસ્‍થ‍િતિના પગલે વેરાવળ બંદરમાં પાર્ક કરાયેલ તથા દરિયામાં લાંગરેલ ફિશિંગ બોટો-હોડીઓની સ્થિતિ જોખમ કારક બની છે. જે અંગે વેરાવળ ખારવા માછીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઇ ગોહેલએ એક વાતચીતમાં જણાવ્યું કે, વેરાવળ બંદરમાં ફિશીંગ બોટો પાર્ક કરવાની જગ્‍યા ઘણી ઓછી હોવાથી માછીમારોએ નાછુટકે દરિયામાં બોટો લાંગરવી પડે છે. બંદરમાં 4800 જેટલી ફિશીંગ બોટો છે જેની સામે 1700 બોટો પાર્કીગ થઇ શકે તેટલી જ ક્ષમતા છે. તંત્રની સુચનાથી તમામ બોટો છેલ્‍લા બે દિવસમાં પરત ફરી છે. જેના પગલે બંદરમાં 1,700 જેટલી બોટોને બંદરના કાંઠે જમીન પર સુરક્ષ‍િત સ્‍થળે ચડાવી પાર્ક કરી દેવામાં આવી છે. જયારે બંદરના દરિયામાં 3,100 જેટલી ફિશીંગ બોટો પાર્કિંગની જગ્‍યાના અભાવે દરિયામાં જ લાંગરી દેવાની ફરજ પડી છે. જો તાઉ-તે વાવાઝોડુ વેરાવળ બંદરને હિટ કરશે તો ભગવાન ભરોસે દરિયામાં લાંગરેલ 3,100 બોટો નેસ્‍ત નાબુદ થઇ જવાની ભિતી સર્જાય છે.

હોડી બચાવવા માછીમારો કામે લાગ્‍યા
વધુમાં તુલસીભાઇ ગોહેલએ જણાવ્યું કે, બંદરમાં રહેલી એક હોડીની કિંમત રૂ.6 થી 7 લાખ થાય છે જયારે ફિશીંગ બોટો રૂ.35 થી 40 લાખની થાય છે. આ બોટો-હોડીઓ માછીમારોની આજીવીકાનું એકમાત્ર સાધન છે. જેના પર જોખમ સર્જાયુ હોવાથી માછીમાર સમાજમાં ચિંતાની લાગણી પ્રસરી છે. જો કે, આજે સાંજથી બંદરના દરિયામાં પાર્ક કરાયેલ નાની હોડીઓને કાંઠા પર જમીન પર સુરક્ષ‍િત સ્‍થળોએ પાર્ક કરવા બે ક્રેઇનની મદદથી યુદ્ધના ઘોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

ગત વર્ષે આવેલ વાયુ વાવાઝોડા સમયે ફીશીગ બોટો-હોડીઓને મોટુ નુકશાન થયું હતું
​​​​​​​
ઘણા વર્ષોથી વેરાવળ બંદરમાં ફિશીંગ બોટો-હોડીઓ કયાં પાર્ક કરવી તે સમસ્‍યા માછીમારોને સતાવી રહી છે. બંદરમાં પાર્કીગની ક્ષમતા કરતા ત્રણ ગણી વઘુ બોટો-હોડીઓ હોવાથી મોટાભાગે બંદરના દરિયામાં કાંઠે જ લાંગરવાની ફરજ પડે છે. જેથી ગત વર્ષે પણ આવેલા વાયુ વાવાઝોડા સમયે પણ બંદરના દરિયામાં ભગવાન ભરોસે મજબુરીવંશ પાર્ક કરાયેલ 20 જેટલી હોડીઓ નાશ પામી હતી અને 10 જેટલી ફિશીંગ બોટોને મોટું નુકશાન થયુ હતુ. જેના કારણે માછીમાર સમાજને મોટુ આર્થીક નુકશાન સહન કરવું પડયુ હતુ. ગત વર્ષના આર્થીક નુકશાન બાદ ફરી જો હાલ તાઉ-તે વાવાઝોડુ બંદરના દરિયાને હીટ કરશે અને બોટો-હોડીઓને નુકશાન થશે તો માછીમાર સમાજ પાયમાલ બની જવાની ભિતી મંડરાઇ રહી છે. જેના લીઘે માછીમાર સમાજમાં મોટી ચિંતાની લાગણી પ્રસરી હોવાનું તુલસીભાઈ ગોહેલએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...