શહેરના ગાંધીગ્રામ વિસ્તારની સૈનિક સોસાયટીમાં દીપડાના આંટાફેરાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યારે દીપડાને પકડવા માટે પાંજરા મૂકવા માંગ ઉઠી છે. આ અંગે અજીતભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે,ગાંધીગ્રામ વિસ્તારની સિંધી સોસાયટી સામે સૈનિક સોસાયટી આવેલી છે.
આ સોસાયટીમાં છેલ્લા 4 થી 5 દિવસથી દીપડાના આંટાફેરા વધી ગયા છે. દીપડાએ 2 થી 3 કૂતરનું પણ મારણ કર્યું હોય સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે દીપડો કોઇ માનવીનો ભોગ લે તે પહેલા આ વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પકડી લઇ જંગલમાં છોડી મૂકવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.
ખાસ કરીને કૃષિ યુનિવર્સિટીનું બ્રિડીંગ ફાર્મની દિવાલ તૂટેલી છે. આ તૂટેલી દિવાલમાંથી દીપડો આવી રહ્યો છે. બ્રિડીંગ ફાર્મમાં તો સિંહો પણ અવાર નવાર આવી પશુનું મારણ કરેલ છે. ત્યારે અહિં માલધારી વસાહત હોય અવાર નવાર સિંહ, દીપડા આવી પશુનું મારણ કરે તેવી પણ દહેશત વ્યકત થઇ રહી છે. ત્યારે બ્રિડીંગ સેન્ટરની દિવાલને રિપેર કરાવવા તેમજ પાંજરૂ મુકી દીપડાને પકડી જંગલમાં છોડી મૂકવાની પણ માંગ કરાઇ રહી છે.
મંગલધામ- 1માં દીપડો આવતો હોવાની ચર્ચા
દરમિયાન થોડા સમય પહેલા મંગલધામ- 1ના વસુધરા એપાર્ટમેન્ટ પાછળના કૃષિ યુનિવર્સિટીના ખેતરમાંથી દીપડો આવતો હતો અને કુતરાનો શિકાર કરતો હતો. હવે ફરી આ વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હોવાની લોકોમાં ચર્ચા થતી હોય વન વિભાગ તપાસ કરે અને દીપડાના સગડ મળેતો અહિં પણ પાંજરૂં મુકે તેવી પણ માંગ કરાઇ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.