માવઠાનો માર:ગીર પંથકમાં કેસર કેરીના આંબાઓ પર મોર આવવાના સમયે જ કમોસમી વરસાદ વરસતા કેરીના પાકને નુકસાન થવાની ભીતિ

ગીર સોમનાથ11 દિવસ પહેલા
કમોસમી વરસાદના લીઘે ખેતરમાં રહેલ પાક નમી ગયાની તસ્‍વીર
  • છેલ્‍લા બે દિવસથી તાલાલા ગીર સહિતના વિસ્તારમાં કેરી, ઘઉં, ચણાના પાકોને નુકસાન પહોંચવાથી ખેડૂતો નિરાશ

ગીર સોમનાથમાં તાલાલા ગીર સહિતના પંથકમાં બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણના કારણે કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતોની ચિંતા વધી છે. કારણ કે, વર્તમાન સમયમાં ગીર પંથકના આંબાઓ પર મોર આવવાની પ્રક્રિયા શરૂ થઇ છે. એવા સમયે કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણના લીધે વિક્ષેપ થઈ શકવાની સાથે વધુ ભેજના કારણે જીવાત તેમજ અન્ય રોગ આવવાની પણ સંભાવના તજજ્ઞો વ્‍યકત કરી રહ્યા હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્‍યા છે.

બે દિવસથી સમગ્ર ગીર સોમનાથ જીલ્‍લામાં વાદળછાયા વાતાવરણ વચ્‍ચે ગઇકાલે બપોરથી ક્રમશ: ઝરમર વરસાદ વરસ્‍યો હતો. જેના પગલે રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ ઉભી થતા ખેડૂતો ચિંતાતુર બન્‍યા હતા. જયારે વિશ્વમાં પ્રખ્‍યાત એવા ફળોના રાજા ગણાતા કેસર કેરીના પાકને પણ ખરાબ વાતાવરણ અને કમોસમી વરસાદથી નુકસાન પહોંચવાની ભીતિ ઉભી થઇ છે. કારણ કે ગઇકાલે તાલાલા ગીરના સમગ્ર પંથકમાં ધીમીધારે ત્રણ થી ચાર કલાક સુઘી અવિરત ઝરમર વરસાદ વરસ્‍યો હતો. જેના લીઘે ગીર પંથકના ખેતરો અને બગીચામાં રહેલ કેસર કેરી, ઘઉં તથા ચણાના પાકોને પારાવાર નુકસાન થયુ છે. ખાસ કરીને હાલના દિવસોમાં તાલાલા પંથકના કેસર કેરીના બગીચામાં આંબામાં મોર આવવાની શરૂઆત થઇ છે એવા સમયે વરસેલ કમોસમી વરસાદથી આંબામાં આવેલ મોરને અકલ્પનીય નુકસાન થઇ રહયાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

આ ઉપરાંત જે આંબામાં મોર આવેલ નથી તેવા આંબામાં મોર આવવાની પ્રક્રિયા અટકી જશે. કમોસમી વરસાદ તથા ખરાબ હવામાનના કારણે આંબા ઉપરના મોરને પારાવાર નુકસાન થવાથી કેસર કેરીના પ્રથમ તબક્કાના પાકનું બાળમરણ થવાની ભીતિ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. જેથી કેસર કેરીના ઉત્પાદન ખેડૂતો ચિંતામય બની ગયા છે. કમોસમી વરસાદથી કેરી ઉપરાંત ઘઉં તથા ચણાના પાકને પણ પારાવાર નુકશાન થયું છે. જીલ્‍લામાં પડેલ ત્રણથી ચાર કલાક પડેલ ધીમીધારના કમોસમી વરસાદથી ઠેરઠેર ઘંઉના ઉભા પાકને ઢાળી નાખ્યો હતો તેમજ ચણાના પાકમાં આવેલ ફાલ ખરવા લાગ્યો હોવાથી ખેડૂતોમાં હતાશની લાગણી પ્રર્વતી ગઇ છે.

જયારે કૃષિના જાણકારો પાસેથી જાણવા મળ્યા મુજબ હાલ આંબાઓ પર ફ્લાવરીંગની પ્રક્રિયા થઈ રહી છે. એવા સમયે કમોસમી વરસાદના લીધે તે પ્રક્રિયામાં વિક્ષેપ થશે. આ ઉપરાંત હાલ વાતાવરણમાં વઘુ ભેજ રહેવાના લીઘે જીવાત અને અન્ય રોગ પણ આવી શકે છે. આ કમોસમી વરસાદ અને વધુ ભેજવાળા વાતાવરણના લીધે આંબાઓને માંઠી અસર થાય તેવી શકયતા નકારી શકાય નહીં.

અન્ય સમાચારો પણ છે...