રોષ:ફાસ્ટ ફૂડના વેપારીઓએ મનપામાં રામધૂન બોલાવી

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહાઉદ્દીન કોલેજ રોડ પરથી હટાવાતા વેપારીઓ રોષે ભરાયા
  • રેંકડીના બદલે ગેરકાયદેસર બાંધકામો હટાવવા માંગ

જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજ સહિતના રોડ પર રેંકડી રાખી ખાણીપીણીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓને હટાવાતા આવા વેપારીઓ રોષે ભરાયા હતા. વેપારીઓએ મનપા ખાતે આવી રામધૂન બોલાવી હતી તેમજ ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ અંગે રોડ પર રેંકડી રાખી નાસ્તો, ફાસ્ટફૂડનું વેંચાણ કરતા વેપારીઓએ જણાવ્યું હતું કે, અવાર નવાર મનપા દ્વારા કાયદાનો દંડો પછાડી રેંકડી ધારકોને હટાવી બેરોજગાર બનાવાઇ રહ્યા છે.

વેપારીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, દર મહિને રેંકડી ધારકો પાસેથી 300ની રકમ મનપા વસુલે છે તો પછી શા માટે હટાવાઇ છે? ખરેખર તો ગરીબ ફેરીયા, રેંકડી ધારકોને કાયમી ધોરણે રોજી રોટી મળી રહે તે માટે જગ્યા ફાળવવી જોઇએ. શહેરમાં સંખ્યાબંધ ગેરકાયદેસર બાંધકામો ખડકાઇ ગયા છે જેને 260 ( 2)ની નોટીસ પણ અપાઇ ગઇ છે. ત્યારેનાના ધંધાર્થીઓની રેંકડી નહિ મસમોટા ગેરકાયદેસર ખડકાયેલા કરોડોની કિંમતના બાંધકામો હટાવવાની જરૂર છે. આ મામલે દિવસ 7માં યોગ્ય ઉકેલ નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.

ધંધા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરો
રસ્તા પરથી લારીઓ હટાવાઇ રહી છે ત્યારે આ ધંધાર્થીઓની રોજીરોટીનું શું એ પણ વિચારવું જોઇએ પછી કાર્યવાહી કરવી જોઇએ. ખાસ કરીને જો રેંકડીઓ હટાવાઇ રહી છે તો પછી ધંધા રોજગાર માટે વૈકલ્પિક જગ્યા પણ ફાળવવી જોઇએ જેથી પરિવારનું ગુજરાન ચલાવી શકાય. જો આ મામલે યોગ્ય નહિ નહી થાય તો ના છૂટકે વેપારીઓએ લડત કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...