તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોનો હુંકાર:વેરાવળ-કોડીનાર રેલ લાઈનના પ્રસ્તાવિત પ્રોજેક્ટનો વિરોધ, સોમનાથ આવેલા પશ્ચિમ રેલવેના જીએમ સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી

વેરાવળ23 દિવસ પહેલા
રેલ્‍વેના જીએમ સમક્ષ રજૂઆત કરી રહેલ ખેડૂત આગેવાનો
  • ખેડૂતોએ કહ્યું-"જાન દઈશુ પણ જમીન નહી આપીએ"
  • નવી પ્રસ્તાવિત રેલ લાઈન નાખવાનો પ્રોજેક્ટ લેખિતમાં રદ જાહેર કરવાની માગ

સોમનાથ અને સાસણની મુલાકાતે રેલવેની સંસદીય સમિતિના સભ્યયો સાથે પશ્ચિમ રેલવેના ઉચ્‍ચ અઘિકારીઓ આવેલ હતા. ત્‍યારે સોમનાથ રેલવે સ્‍ટેશને વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાની સામે ચાલી રહેલ આંદોલન અંગે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર સમક્ષ સોમનાથ પંથકના ખેડૂતો પોતાનો પક્ષ રાખવા રૂબરૂ પહોંચી ગયા હતા. ખેડૂતોએ "જાન દઈશુ પણ જમીન નહી" ના સૂત્ર સાથે સવિસ્‍તાર રજૂઆત કરી હતી. જેના પ્રત્‍યુતરમાં રેલ અઘિકારીએ પણ ખેડૂતોના હિતને ઘ્‍યાને રાખી નિર્ણય કરીશુ તેવું જણાવેલ હતુ.

રેલવેની સંસદીય સમિતિના ચેરમેન સહિતના સભ્‍યો અને પશ્ચિમ રેલવેના ઉચ્‍ચ અઘિકારીઓ આજે સવારે પ્રથમ સાસણ પહોચ્‍યા હતા. જયાં સોરઠના રેલ પ્રશ્નો અંગે બેઠક કરી હતી. બાદમાં બપોરે સોમનાથ રેલવે સ્‍ટેશનની મુલાકાતે પહોચ્‍યા હતા. એ સમયે સોમનાથ પંથકમાં લાંબા સમયથી વેરાવળ-કોડીનાર નવી રેલ લાઇન નાંખવાના વિરોઘમાં આંદોલન ચલાવી રહેલ પંથકના ખેડૂતો પણ સોમનાથ રેલવે સ્‍ટેશનએ પહોંચી ગયા હતા. જયાં ખેડૂતોના આગેવાનોની કમિટીના સભ્‍યો સાથે રેલવેના જીએમ સહિતના અઘિકારીઓએે બેઠક કરી હતી. જેમાં ખેડૂતોએ શું કામ વેરાવળ- કોડીનાર નવી રેલ લાઇન નાંખવાનું બંઘ રાખવું જરૂરી છે અને જો લાઇન નાંખવામાં આવશે તો ખેડૂતોને કેવું અને કેટલું નુકસાન થશે તેની વિગતવાર મુદાસર રજૂઆતો કરી હતી.

પંથકની 1200 વિઘા ખેતીની જમીન સંપાદન કરવી પડશે

જેમાં ખેડૂતો આગેવાનો રમેશભાઇ બારડ, અરજન બારડ, રાજુભાઇ સોલંકી, ભગીરથ ઝાલા, ગોવિંદ ભોળા, સંજય મોરી સહિતનાએ જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામાં આવેલા 4 મોટા ઉદ્યોગો માટે વેરાવળ-કોડીનાર રેલવે લાઇન નાંખવાના પ્રોજેકટના કારણે અંદાજે અઢી હજાર ખેડૂતોની 1,200 વિઘા જમીન સંપાદન કરવાની જરૂર ઉભી થશે. જેના કારણે અનેક ખડૂતોની પૂરેપૂરી ખેતી જમીનો ખાલસા થઇ જવાની છે. ત્યારે ખેતી માટેની માફક ફળદ્રુપ જમીન અને બાગાયતના બગીચાઓ આ નવી લાઇન નાંખવાના કારણે ખેડૂતો પાસેથી છીનવાશે તો બેરોજગાર બની જશે.

સોમનાથ પંથકના 2,500 ખેડૂતોની ખેતીની જમીન સંપાદનમાં જશે તો તે પૈકીના 600 જેટલા ખેડૂતોની તો પોતાની સંપૂર્ણ ખેતીની જમીન ચાલી જશે જેથી આવા ખેડૂતો તો ખેતીની જમીનની ખાતેદારી જ ગુમાવે દેશે તેવી વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. જેથી સોમનાથ પંથકના ખેડૂતો એ "જાન દઈશુ પણ જમીન નહી" ના સૂત્ર સાથે નવી વેરાવળ-કોડીનાર રેલ લાઇન નાંખવા સામે આંદોલન શરૂ કરેલ છે જે હાલ ચાલી રહયુ છે અને જયાં સુઘી કેન્‍દ્ર સરકાર કક્ષાએથી લેખિતમાં આ પ્રોજેકટ બંઘ કરવાનું નહી આપવામાં આવે ત્‍યાં સુઘી આંદોલન ચાલુ રાખી લડી લેવાનો નીર્ધાર કર્યો છે.

રેલ્‍વેના જીએમ સમક્ષ રજૂઆત કરી રહેલ ખેડૂત આગેવાનો
રેલ્‍વેના જીએમ સમક્ષ રજૂઆત કરી રહેલ ખેડૂત આગેવાનો

બે લાખ નાળીયેરી અને 50 હજાર આંબા-ચીકુના વૃક્ષો કાપવા પડશે

વઘુમાં ખેડૂતો કનુભાઈ પરમાર, મુકેશભાઈએ જણાવેલ કે, નવી રેલવે લાઇન નાંખવાથી પંથકના 19 ગામોની ફળદ્રપ ખેતીની હજારો વિઘા જમીન કપાત થશે. આ રેલવે લાઇનથી 2 લાખ નાળિયેરી અને 50 હજાર આંબા અને ચીકુના વૃક્ષો કાપવા પડશે. જયારે વર્ષોથી કાર્યરત વેરાવળથી વાયા તાલાલા થઇ કોડીનારને જોડતી મીટરગેજ લાઇન ઉપલબ્‍ઘ છે. જેના પર વર્ષોથી મીટરગેજ ટ્રેન દોડી પણ રહી છે. ત્‍યારે આ મીટર ગેજ રૂટની લાઇનને બ્રોડગેજમાં કન્‍વર્ઝન કરી નવી લાઇન નાંખવાથી બચી શકાય છે. તે કામગીરીમાં નવી લાઇન નાંખવાના ખર્ચ કરતા નોંઘપાત્ર અોછા ખર્ચમાં કન્‍વર્ઝનની કામગીરી થઇ શકે અને ઉઘોગોની જરૂરીયાત પણ પુરી થવાથી રેલવેની આવકને પણ ફાયદો થશે.

ખેડૂતોના હિતને ઘ્‍યાને રાખી નિર્ણય કરીશુ : જીએમ

તો ખેડૂતોની રજૂઆત સંદર્ભે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંચને ખેડૂતોની રજૂઆતના તમામ મુદાઓ નોંઘ્‍યા છે. જે અંગે વિચારણા કરી સરકાર સમક્ષ ખેડૂતોની લાગણી મુકી ખેડૂતોના હિતને ઘ્‍યાને રાખીને નિર્ણય કરીશુ તેવું જણાવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...