• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Farmers Protest Against Development Plan Approved In More Than 30 Villages In Junagadh, Threatening To Boycott Gram Panchayat Elections

બહિષ્કારની ચીમકી:જૂનાગઢમાં 30થી વધુ ગામડાઓમાં મંજૂર કરવામાં આવેલા ડેવલપમેન્ટ પ્લાનનો ખેડૂતોએ વિરોધ કર્યો, ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુડાનો નકશો - Divya Bhaskar
જુડાનો નકશો
  • જુડામાં ન આવતા ગામોમાં અધિકારીઓની દખલગીરી બંધ કરાવવા ખેડૂત હિત રક્ષક સમિતિ અને ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી
  • ગામોને જુડા સાથે લેવાદેવા નથી ત્યાં ધરાર ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવી રહ્યા હોવાનો ખેડૂતોને આક્ષેપ

જૂનાગઢ શહેરની આસપાસના 30 ગામડાઓ શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ ન આવતા હોવા છતા ગેરકાયદેસર ડેવલોપમેન્ટ પ્લાન ધરાર મંજૂર કરાવવામાં આવ્યાં હતા. જેને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 30 ગામના છ હજાર જેટલા ખેડૂતોએ આંદોલન છેડી આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સરકાર દ્વારા જૂનાગઢ શહેરી વિકાસ મંડળ એટલે કે જુડાની રચના સમયે જૂનાગઢની આસપાસના 45 જેટલા ગામોનો જુડામાં સમાવેશ કર્યો હતો. ત્યારબાદ જૂનાગઢથી દુર આવેલા ગામડાઓએ આ અંગે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેને લઈ આંદોલન પણ ચલાવવામાં આવ્યું હતું. જેથી 30 થી વધુ ગામોને જુડામાંથી બાકાત રાખવા નિર્ણય કરાતા આંદોલન સમેટાયું હતું.

ત્યારબાદ બંધબારણે વર્ષ 2020 માં જુડા દ્વારા જે ગામોને જુડામાંથી બાકાત કરવામાં આવ્યાં છે તે ગામોને જુડામાં સમાવેશ ન કરવો પરંતુ તેમાં ડેવલોપમેન્ટ પ્લાન્ટ ફરજિયાત કરવાનો નિર્ણય કર્યો હતો. જેની સામે ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે.

આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતિના અતુલ શેખડાએ જણાવ્યું કે, આ નિર્ણય તદ્દન ગેરબંધારણીય છે, કેમ કે, આ ગામોને જુડા સાથે લેવાદેવા નથી ત્યાં ધરાર ડેવલોપમેન્ટ પ્લાન મંજૂર કરવામાં આવી રહ્યા છે. જેથી ખેડૂતોને પણ પોતાની માં સમાન મહામૂલી જમીનમાં રોડ-રસ્તા આપી દેવા પડે છે અને તેનું કોઈ પણ જાતનું વળતર પણ મળતું નથી. જેથી ખેડૂતોને જમીન વેચવી કે બીન ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. જુડામાં ન આવતા ગામોમાં જુડાના અધિકારીઓની દખલગીરી બંધ કરાવવા બાબતે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. ખેડૂતોએ આ અંગે આંદોલન છેડવાની ચીમકી સાથે 30 થી વધુ ગામોમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. જેના પગલે તંત્રમાં પણ ભારે દોડધામ મચી ગઇ છે.

આ સમગ્ર મામલે જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન તરીકે જૂનાગઢ મનપાના કમિશ્નરે ખાત્રી આપતા જણાવ્યું કે, પોતાના કાર્યકાળ પહેલા આ ઠરાવ થયો છે જેથી હવે કાયદાકીય શું સુધારા વધારા થઈ શકે તેમ છે તે જોઈ કાયદાની મર્યાદામાં રહી ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવાની જરૂરિયાત પડશે તે નિર્ણય લેશું. આમ મનઘડત કાયદાઓ અને ખોટા ઠરાવો કરી ખેડૂતોને લાખો-કરોડો રૂપિયાનો નુકસાન કરવાનો કારસો સામે આવતા ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...