"જીવ દેશું પણ જમીન નહી":સોમનાથ-કોડીનાર રેલ લાઇનને લઇ ખેડૂતો આક્રમક મૂડમાં, ત્રણ દિવસના ધરણા બાદ માંગણી નહીં સંતોષાય તો સચિવાલય તરફ પ્રયાણ કરાશે

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર અને રેલ્‍વે સામે પ્રોજેકટના વિરોધમાં અસરગ્રસ્‍ત ત્રણ તાલુકાના ખેડૂતોની બેઠક મળી
  • તા. 25, 26 અને 27 એપ્રિલના રોજ કલેક્ટર કચેરી સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરાશે
  • સરકારી નવી પ્રસ્‍તાવિત રેલ લાઇન ચાર ઔધોગિક એકમોના લાભાર્થે નાંખતી હોવાનો આક્ષેપ

ગીર સોમનાથ જિલ્‍લામાં પ્રસ્‍તાવિત સોમનાથ-કોડીનાર રેલ્‍વે લાઇનના પ્રશ્ને રેલ તંત્ર કંઇ નિર્ણય ન લેતું હોવાથી ગીર સોમનાથ ખેડૂત એકતા મંચના નેજા હેઠળ ત્રણ તાલુકાના ખેડૂતોની બેઠક મળી હતી. જેમાં ખેડૂતોએ ઔધોગિક એકમોના ફાયદા માટે નવી પ્રસ્‍તાવિત લાઇન નાખવામાં આવતી હોવાનો આક્ષેપ કરી આ પ્રોજેકટને રેકર્ડ ઉપર નિર્ણય લઇ રદ કરવા માંગ કરી હતી. કેમ કે અત્‍યાર સુધી ખેડૂતોની માંગને લઇ રેલ્‍વે તંત્ર મૌખિક આશ્વાસનો આપી રેલ લાઇનનો પ્રશ્ન અદ્ધરતાલ રાખી ખેડૂતોની મુંઝવણ વધારતું હોવાનો ખેડૂતોમાંથી સુર ઉઠ્યો હતો. જો કે, બેઠકમાં આ મામલે આગામી દિવસોમાં કઇ અને કેવી રીતે સરકારી તંત્ર સામે લડત લડવી તેની રણનિતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં આગામી તા. 25, 26 અને 27 એપ્રિલ એમ ત્રણ દિવસ સુધી કલેક્ટર કચેરી સામે ધરણાં કરી વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી કરાયું છે.

જિલ્‍લામાં પ્રસ્‍તાવિત નવી રેલ લાઇનના પ્રોજેકટને લઇ વેરાવળ-સોમનાથ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના 19 ગામોના 1300થી વધુ ખેડૂતો ચિંતિત બન્‍યા છે. કારણ કે સોમનાથથી કોડીનાર સુધી નવી રેલ લાઇન નાંખવાના પ્રોજેક્ટને લઇ ત્રણ તાલુકાના 300થી વધુ ખેડૂતો જમીન વિહોણા થવા ઉપરાંત એકાદ હજાર ખેડૂતોની જમીન કપાતમાં જવાની ભીતિ ઉભી થઇ છે. જેથી ચિંતિત બનેલા ત્રણેય પંથકના ખેડૂતોની વ્‍હારે ગુજરાત ખેડૂત એકતા મંચ સંસ્‍થા આવી છે. આ નવી રેલ લાઇનના પ્રોજેક્ટમાં ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદન થવાની હોવાથી ખેડૂત વર્ગમાં ઉગ્ર રોષ ઉઠ્યો છે.

"જાન દેશું પણ જમીન નહી"ના સૂત્ર સાથે વિરોધઆ પ્રોજેકટ અંગે ખેડૂત એકતા મંચના પ્રમુખ રમેશભાઇ બારડે જણાવ્યું હતું કે, સરકાર માત્રને માત્ર ઔદ્યોગિક એકમોના ફાયદા માટે આ રેલ પ્રોજેકટ સ્થાપી રહી છે. આ નવી માલવાહક રેલ લાઈનથી સ્થાનિકોને કોઈ ફાયદો થશે નહીં ઉલ્‍ટાની ખેડૂતોની અતિ કિંમતી અને મહામૂલી ફળદ્રુપ ખેતીની જમીનો છીનવાઈ જશે. જેના લીધે બેરોજગારીની સાથે ખેડૂત વર્ગ પાયમાલી તરફ ધકેલાઈ જશે. જેને ધ્યાને લઇ સરકારે આ પ્રસ્‍તાવિત રેલ પ્રોજેક્ટને રેકર્ડ ઉપર રદ કરવો જોઈએ. જે માટે ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર પરીપત્ર બહાર પાડી રેલ પ્રોજેક્ટ રદ નથી કરી રહી અને માત્ર મૌખિક આશ્વાસનો જ આપી રહી છે. જેથી આગામી દિવસોમાં આંદોલનને કઇ દિશા તરફ આગળ લઇ જવું તે અંગે આજની બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

જ્યારે અસરગ્રસ્‍ત ખેડૂત સંજય મોરીએ જણાવ્યું હતું કે, મારી સુત્રાપાડા તાલુકામાં આવેલી સાતેક વિઘા જમીન કપાતમાં જાય છે. મારા જેવા અનેક ખેડૂતોની જમીનો જઇ રહી હોવા અંગે ઘણી રજુઆતો કરી હોવા છતાં કોઇ સાંભળતું નથી. અમો જાન દેશુ પણ જમીન નહીં દઇએ તે સુત્ર સાથે આ પ્રોજેક્ટને રદ કરવાની અમારી માંગણી છે.

ખેડૂતો ત્રણ દિવસ ધરણાં બાદ સચિવાલય તરફ પ્રયાણ કરશેઆ બેઠક અંગે ખેડૂત એકતા મંચના પ્રદેશ પ્રમુખ સાગરભાઇ રબારીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટના વિરોધમાં આગામી તા. 25થી 27 ત્રણ દિવસ સુધી કલેક્ટર કચેરી ખાતે ધરણાં કાર્યક્રમ કરી પોતાની માંગણી તંત્ર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાશે. ત્‍યારબાદ સાત દિવસમાં સરકાર તરફથી લેખિતમાં પ્રોજેક્ટ રદ કર્યાની બાંહેધરી નહીં મળે તો કલેક્ટર કચેરીએથી ઉભા થયાના અઠવાડિયાની અંદર ખેડૂતો સોમનાથ દાદાના દર્શન કરી ગાંધીનગર સચિવાલય જવા માટે બાઈક યાત્રા કરશે. આ બંને કાર્યક્રમો બેઠકમાં ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યા છે.

પ્રોજેક્ટ પડતો મુક્યાની લેખિતમાં બાંહેધરી આપવી જોઇએવધુમાં સાગરભાઇ રબારીએ જણાવ્યું હતું કે, ચોર ઔધોગિક એકમો માટે સરકાર સોમનાથ-કોડીનાર રેલ લાઇન બિછાવવાનો પ્રોજેક્ટ લાવી છે. જેની સામે હજારો ખેડૂતોએ વાંધા નોંધાવ્‍યા છે. આ પ્રોજેક્ટના વિરોધમાં શરૂ થયેલા આંદોલનના પ્રારંભથી જ પ્રોજેક્ટ રદ થયાનું લેખિતમાં ન મળે ત્‍યાં સુધી ચાલુ રાખવાનું નક્કી કરાયું હતું. આ પ્રોજેક્ટ મામલે જાહેરનામું રદ થઇ ગયુ પરંતુ રેવન્‍યુ અને રેલ્‍વે વિભાગ દ્વારા ખેડૂતોને સમજાવવાના પ્રયત્‍નો ચાલુ છે. જેથી ખેડૂતોને સરકારે પ્રોજેક્ટ પડતો મુક્યો હોય તેવું લેખિતમાં આપવા માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...