જુનાગઢ શહેરી વિકાસ સતામંડળ દ્વારા ઝાંઝરડા ગામની સીમ જમીનમાં ટાઉનપ્લાનીંગ સ્કીમમાં ઉલ્લેખ કરવામાં આવેલી કલમોનો વિરોધ કરતા ઝાંઝરડા ગામના 200થી વધુ ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, આ ટાઉન પ્લાનિંગના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂત અગ્રણી વિનુ અમીપરાઈએ જણાવ્યું હતું કે, જૂનાગઢ મહાનગરપાલીકામાં ભેળવેલ ઝાંઝરડા ગામનાં રહીશો મોટાભાગનાં ખેડૂત ખાતેદાર છે અને ખેતીનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. ટી.પી. અંગેનાં ઠરાવમાં 40% જમીન કપાત કરવા તેનો વિકાસ કરવા ઠરાવ કરવામાં આવેલ છે પરંતુ આ 40% જમીનના વળતર અંગે કોઈ ઠરાવ કે જાણકારી આપવામાં આવેલ નથી.
વિના વળતરે ખેડૂતોની 40% જમીન કપાત કરવામાં આવી છે તેનો વિરોધ
જૂનાગઢ ઝાંઝરડા ગ્રામ્ય વિસ્તારના 200 થી વધુ ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે ટાઉન પ્લાનિંગ સ્કીમ બાબતે વાંધા સુચનો રજૂ કરતા જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ખેડૂતોની વિનામૂલ્યે વિના વળતરે ખેડૂતોની 40% જમીન કપાત કરવામાં આવી છે તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોની 40% જમીન કપાત કર્યા બાદ રોડ ,રસ્તા બગીચાઓ અને ઇનફાસ્ટ્રક્ચરના જે ખર્ચાઓ કરવામાં આવવાના છે તે ખેડૂતો પાસેથી વસૂલ કરવામાં આવશે.
આ ટાઉન પ્લાનિંગ બાબતના જે કાયદાઓ છે. તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોની 40% જમીન કપાત કરી વિકાસ કાર્યો કરવાની છે. ત્યારે ખેડૂતો વિકાસ કાર્યોના વિરોધમાં નથી, ટાઉન પ્લાનિંગના વિરોધમાં નથી પરંતુ જે યોજનાઓ છે જેમાં ઉલ્લેખવામાં આવેલા નિયમોના વિરોધમાં છે.
વિનુભાઈ અમીપરાએ જણાવ્યું હતું કે, જેવી રીતે સરકાર દ્વારા નેશનલ હાઈવે બનાવવામાં આવે છે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે જેમાં ખેડૂતોને વળતર આપવામાં આવે છે. તેવી જ રીતે સાર્વજનિક સુવિધાઓ માટે ટાઉન પ્લાનિંગમાં ખેડૂતોને પણ વળતર ચૂકવવામાં આવે અને તેનો ખર્ચ સરકારને ભોગવવાનો હોય છે.
ટીપી સ્કિમ એટલે શું?
ટાઉન પ્લાનિંગનો અર્થ થાય છે કે કોઈપણ શહેર આવનારા સમયમાં કેવી રીતે ડેવલપ થશે તેનું આગોતરું પ્લાનિંગ અને આયોજન. શહેરનુ પ્લાનિંગ કરીને શહેરનો વિકાસ કરવાં માટે ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમો બનાવવમાં આવે છે. પહેલા જ પ્લાનિંગ કરી શહેરનો વિકાસ કેવી રીતે કરી શકાય તેવું આયોજન વ્યવસ્થિત રીતે કરવામાં આવે છે ટુંકમાં ટાઉન પ્લાનિંગ એટલે શહેરના ભૌગોલિક વિકાસનું આગોતરૂ આયોજન.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.