ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરીનો 100 કરોડથી પણ વધુ કિંમતનો પાક નિષ્ફળ ગયો છે. જેને લઈ પાકનું વળતર ચૂકવવાની માંગણી સાથે તાલાલા ગીર પંથકના 45 ગામાના ખેડૂતોએ આગામી તા.26 ને ગુરુવારે સજ્જડ બંધ પાળવાની જાહેરાત કરી છે. તાલાલા પંથકનાં કેસર કેરીના ઉત્પાદક કિસાનોની યોગ્ય માંગણીને સમર્થન આપવા તાલાલા ગીર શહેરના તમામ સમાજના નાના-મોટા વેપારી ભાઈઓ પણ ગુરૂવારે બપોર બાદ અડધો દિવસ શહેરની દુકાનો સજ્જડ બંધ રાખી ખેડૂતોની માંગણીને સમર્થન કરશે.
આ અંગે તાલાલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણ છોડવડીયાએ જણાવ્યું કે, ગીર પંથકની જીવાદોરી સમાન કેસર કેરીના પાકને ગત વર્ષે તૌક-તે વાવાઝોડાએ ધોઈ નાખ્યો હતો. બાદ ચાલુ વર્ષે ગ્લોબલ વોર્મિંગના કારણે ઉભી થયેલી વિપરીત પરીસ્થિતિઓના કારણે આંબાના વૃક્ષો ઉપર તૈયાર થતા કેરીના પાકને નિષ્ફળ બનાવી નાખ્યો હતો. આ વર્ષે પણ કેસર કેરીના પાકનું બાળ મરણ થયું છે.
વધુમાં જણાવ્યું કે, તાલાલા પંથકમાં છેલ્લા બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં કેરીના ઉત્પાદક ખેડૂતોને જબરો આર્થિક ફટકો પડયો હોવાથી નોંધારા થઈ ગયા છે. જેથી આ ખેડૂતોને આર્થિક પાયમાલમાંથી બચાવવા માટે તાલાલા તાલુકા કિસાન સંઘ ઉપરાંત તાલાલા પંથકની 32 ગ્રામ પંચાયતો, 27 સહકારી મંડળીઓ ઉપરાંત તાલાલા માર્કેટીંગ યાર્ડ અને ગીર પંથકના ધારાસભ્યએ વિસ્તૃત વિગતો સાથે સરકારમાં રજૂઆત કરી છે. તેમ છતાં તાલાલા ગીર પંથકના કિસાનોની યોગ્ય માંગણી પ્રત્યે સરકાર ઉદાસીનતા રાખતી હોય તેમ હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી જેથી ગીર પંથકના કેરીના ઉત્પાદક ખેડૂતોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોની સાચી અને યોગ્ય માંગણીનો સુખરૂપ સકારાત્મક અમલવારી કરવાની માંગણી સાથે કિસાન સંઘે ઉગ્ર લડત કરવા નિર્ણય લીધો છે. જે અંતર્ગત ગુરૂવારે તાલાલા ગીર તાલુકાના 44 ગામો સજ્જડ બંધ પાળશે. તેમના સમર્થનમાં તાલાલા શહેરના તમામ સમાજના નાના-મોટા વેપારી ભાઈઓ પણ બપોર બાદ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવવા આ લડતમાં જોડાશે.
કિસાન સંઘના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, તાલાલા ગીર પંથકના તમામ ગામના કેરીના ઉત્પાદક ખેડૂતો ઉપરાંત શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ- વેપારી ભાઈઓ ગુરૂવારે બપોરે 3 વાગે માર્કેટીંગ યાર્ડ ખાતે એકત્ર થઈ આર્થિક પાયમાલીમાં મુકાઈ ગયેલા ખેડૂતોને ઉગારવા યોગ્ય વળતર ચૂકવવા માંગણી કરતું આવેદનપત્ર આપવા મામલતદાર કચેરી જશે.
તાલાલા પંથકમાં દર વર્ષે 150 કરોડથી પણ વધુ કેસર કેરીનો પાક તૈયાર થતો હોય છે. જેનાથી તાલાલા ગીર પંથકની આબાદી અને સમૃદ્ધિમાં કેસર કેરીના પાકનું અમુલ્ય યોગદાન છે. છેલ્લા બે વર્ષથી કેસર કેરીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોની ખરીદ શક્તિમાં ઘટાડો આવતા તાલાલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વેપાર-ધંધામાં પણ તેની અસરો જોવા મળતી થઈ છે. કથિત આબોહવાનો ભોગ બનેલા કેરીના ઉત્પાદક ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર આપવા માટેની માંગણી યોગ્ય હોવા છતાં કોઈ નિર્ણય લેવાતો નથી. શહેરના વિવિધ વેપાર-વ્યવસાય સાથે જોડાયેલા 19 વેપારી મંડળોએ કિસાનોની માંગણીના ટેકામાં શહેર અડધો દિવસ બંધ રાખવા નિર્ણય કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.