માંગણી:ખેડૂતોનું કામ ન કરના અધિકારીની અન્ય જિલ્લામાં બદલી કરવા માંગ

જૂનાગઢ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા સમાહર્તા, વહિવટી તંત્ર અને પોતાનો ખુશી આંક બઢાવવામાં વ્યસ્ત
  • ખેડૂત હિત રક્ષક સમિતીના મળેલા ખેડૂત વેદના સંમેલનમાં સૂર વ્યકત થયો

જેતપુર- સોમનાથ બાયપાસમાં સમાવિષ્ટ જૂનાગઢ બાયપાસ(19.60 કીમી) મુદ્દે ખેડૂત હિત રક્ષક સમિતીનું ખેડૂત વેદના સંમેલન યોજાયું હતું. આ બેઠકમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જેવી કે, વરસાદી પાણીનો ખેતરમાં થતો ભરાવો, ખેતરના એકભાગમાંથી બીજા ભાગમાં જવામાં પડતી મુશ્કેલી અને કુદરતી વહેણ પર બિનતાંત્રિક પુલોના કરેલા નિર્માણના કારણે ખેતરો,રોડ, રસ્તામાં ભરાતા પાણીના કારણે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે ચર્ચા કરાઇ હતી. દરમિયાન ખેડૂત હિત રક્ષક સમિતીના પ્રમુખ કારાભાઇ ઝાલા અને ઉપપ્રમુખ હમીરભાઇ રામે જણાવ્યું હતું કે, ખાસ કરીને આ અંગે જિલ્લા સમાહર્તાને પત્ર પાઠવ્યો હતો.

પરંતુ દુ:ખની વાત એ છે કે, તેમને ખેડૂતોની સમસ્યા ઉકેલવામાં રસ જ નથી! હાલના જિલ્લા વડા ફક્ત જિલ્લા વહિવટી તંત્ર અને પોતાની ખુશીનો આંક વધારવા માટે કામ કરી રહ્યા હોય અને ઓફિસમાં બેસી સીએમ ડેસ્ક બોર્ડમાં કાલ્પનિક ચિત્રો રજૂ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ખેડૂત સંવેદના બેઠકમાં, આવા અધિકારીની બદલી અન્ય જિલ્લામાં કરવી જોઇએ જેથી અન્ય જિલ્લાને પણ તેનો લાભ મળે તેવો સુર વ્યક્ત થયો હતો. સાથે આગામી દિવસોમાં પોતાના હક્કો માટે આંદોલનો અને હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરવાનું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હોવાનું કારાભાઇ ઝાલા અને હમીરભાઇ રામે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...